Western Times News

Gujarati News

નિક ને મારા કરતાં પણ વધુ બોલિવૂડ ગોસિપની ખબર હોય છે : પ્રિયંકા ચોપરા

પોડકાસ્ટ દરમિયાન પ્રિયંકા અને નિકની લવસ્ટોરીની પણ ચર્ચા થઈ

બંનેએ પહેલી વખત એકબીજા વર્ષ ૨૦૧૬માં સંપર્કમાં આવ્યાં હતાં, જ્યારે નિકે પ્રિયંકાને એક્સ પહેલાં ટિ્‌વટર પર ડાયરેક્ટ મેસેજ મોકલ્યો હતો

મુંબઈ, ગ્લોબલ સ્ટાર પ્રિયંકા ચોપરાએ એક રસપ્રદ ખુલાસો કરતાં જણાવ્યું છે કે તેનાં પતિ અને ગાયક નિક જોનાસને બોલિવૂડની ગોસિપ વિશે તેનાં કરતાં પણ વધુ માહિતી હોય છે. પ્રિયંકાએ આ વાત જોનાસ બ્રધર્સના પોડકાસ્ટ ‘હે જોનાસ’ દરમિયાન નિક, જો જોનાસ અને કેવિન જોનાસ સાથેની વાતચીતમાં કરી હતી.વાતચીત દરમિયાન પ્રિયંકાએ જણાવ્યું કે નિક નિયમિત રીતે સેલિબ્રિટીઓના સંબંધો અને મનોરંજન જગતની અપડેટ્‌સ પર નજર રાખે છે અને ઘણી વખત તેને એવી બાબતો વિશે જાણ કરે છે, જેના વિશે તેને પોતાને પણ ખબર હોતી નથી.

પ્રિયંકાએ હસતાં કહ્યું, “આ વાત સાચી છે. નિકને એવી ઘણી બાબતોની જાણ હોય છે, જે મને પણ ખબર નથી હોતી. કોણ કોની સાથે બ્રેકઅપ કરી ચૂક્યું છે, તેની માહિતી પણ તે જ મને આપે છે.”તેણે વધુમાં જણાવ્યું કે જ્યારે પણ તેઓ કોઈ મિત્ર કે સહકલાકારને શુભેચ્છા મોકલવાનું કહે છે, ત્યારે નિક ઘણી વખત ચોંકાવનારી માહિતી આપી દે છે.આ દરમિયાન કેવિન જોનાસે મજાકમાં પૂછ્યું કે શું નિક રૂમમાં પ્રવેશતાં જ કહે છે, “બેબ, ખબર છે શું થયું?”તેના જવાબમાં પ્રિયંકાએ હસતાં કહ્યું, “હું ઘણી વખત કહું છું કે ફલાણા વ્યક્તિને મારી શુભેચ્છા પહોંચાડી દેજે, ત્યારે નિક કહે છે, ‘ના, તેમનું તો બ્રેકઅપ થઈ ગયું છે.’

પછી હું કહું છું, ‘ઓહ… આ માહિતી આપવા બદલ આભાર!’”કેવિને જ્યારે પૂછ્યું કે નિકને આટલી માહિતી ક્યાંથી મળે છે, ત્યારે નિકે હસતાં સ્વીકાર્યું કે તે સોશિયલ મીડિયા પર કેટલાક બોલિવૂડ ગોસિપ અકાઉન્ટ્‌સને છુપી રીતે ફોલો કરે છે.નિકે કહ્યું, “હું તેમના નામ નહીં કહી શકું, કારણ કે તેઓ અમારા મિત્રો છે. કેટલાક અકાઉન્ટ્‌સ છે, જેને હું ચુપચાપ ફોલો કરું છું, પણ તેમનાં નામ જાહેર નહીં કરું.”આ સાંભળીને પ્રિયંકાએ તરત જ મજાકમાં વચ્ચે બોલતાં કહ્યું, “ઓહ માય ગોડ… મને મુશ્કેલીમાં ન મૂકો.”

નિકે તરત જ સ્પષ્ટતા કરતાં કહ્યું કે તે કોઈ ચોક્કસ વ્યક્તિ વિશે વાત નથી કરી રહ્યો, પરંતુ સામાન્ય રીતે અલગ અલગ કલ્ચરમાં ગોસિપની રીત અલગ હોય છે.પોડકાસ્ટ દરમિયાન પ્રિયંકા અને નિકની લવસ્ટોરીની પણ ચર્ચા થઈ હતી.બંનેએ પહેલી વખત એકબીજા વર્ષ ૨૦૧૬માં સંપર્કમાં આવ્યાં હતાં, જ્યારે નિકે પ્રિયંકાને એક્સ પહેલાં ટિ્‌વટર પર ડાયરેક્ટ મેસેજ મોકલ્યો હતો. જેમાં નિકે પ્રિયંકાને વધુ મળવા માટે કહ્યું હતું અને પ્રિયંકાએ તેને પર્સનલ મેસેજ કરવા કહ્યું હતું.SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.