Western Times News

Gujarati News

“વ્યૂઝ માટે ખોટી ખબર ફેલાવવામાં આવે છે” : દિલીપ જોશી

‘તારક મહેતા’ છોડવા પર દિલીપ જોશીએ કહ્યું

છેલ્લા લગભગ ૧૮ વર્ષથી જેઠાલાલનું પાત્ર ભજવી રહેલા દિલીપ જોશીએ શોની લાંબી સફર અંગે આભાર વ્યક્ત કર્યો

મુંબઈ, લોકપ્રિય ટેલિવિઝન શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં જેઠાલાલ ગડાનું પાત્ર ભજવનારા અભિનેતા દિલીપ જોશીએ શો છોડવાના અહેવાલોને સંપૂર્ણપણે ફગાવી દીધા છે. છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા પર તેમના શોમાંથી બહાર નીકળવાની અટકળો ચાલી રહી હતી. હવે અભિનેતાએ સ્પષ્ટતા કરતાં કહ્યું છે કે તેઓ ક્યાંય જઈ રહ્યા નથી અને મીડિયાને કોઈ પણ સમાચાર પ્રકાશિત કરતાં પહેલાં તેની ચકાસણી કરવાની અપીલ કરી છે.શુક્રવારે શોના સેટ પર યોજાયેલી એક મીડિયા મુલાકાત દરમિયાન દિલીપ જોશીએ કહ્યું, “આજકાલ લોકો માત્ર વ્યૂઝ મેળવવા માટે મનગમતી અને બનાવટી સ્ટોરી પ્રકાશિત કરે છે. મારી તમામ ન્યૂઝ એજન્સીઓ અને મીડિયા હાઉસને વિનંતી છે કે કોઈ પણ સમાચાર પ્રકાશિત કરતાં પહેલાં પ્રોડક્શન હાઉસ અથવા સંબંધિત વ્યક્તિ પાસેથી તેની સત્યતા એક વખત જરૂર ચકાસો.”

છેલ્લા લગભગ ૧૮ વર્ષથી જેઠાલાલનું પાત્ર ભજવી રહેલા દિલીપ જોશીએ શોની લાંબી સફર અંગે આભાર વ્યક્ત કરતાં કહ્યું, “કોઈ કોમેડી શો સતત ૧૮ વર્ષ સુધી ચાલે, એ પોતે જ અવિશ્વસનીય વાત છે. આજે અમે ૪,૭૫૦થી વધુ એપિસોડ પૂર્ણ કર્યા છે. ભગવાનનો આભાર માનું છું કે આજે પણ અમે સૌ એ જ જુસ્સા અને ઉત્સાહ સાથે શૂટિંગ કરી રહ્યા છીએ અને લોકોને હસાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ.”દિલીપ જોશીએ શોના નિર્માતા અસિત કુમાર મોદી અને લેખક ટીમના પ્રયાસોના પણ વખાણ કર્યા. તેમણે કહ્યું, “આટલા વર્ષાે સુધી સતત નવા વિષયો પર નવી વાર્તાઓ અને એપિસોડ તૈયાર કરવાનું સરળ નથી. અસિતભાઈ અને સમગ્ર લેખક ટીમ તેના માટે ખૂબ મહેનત કરે છે. તેઓ ખરેખર પ્રશંસાને પાત્ર કામ કરી રહ્યા છે.”SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.