“દરેક મિત્રતાને પ્રેમનો રંગ આપવો જરૂરી નથી” : અર્જુન બિજલાની
અર્જુન બિજલાનીએ મૌની રોય સાથેના ડેટિંગની વાતને અફવા ગણાવી
અર્જુને પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક લાંબી પોસ્ટ શેર કરીને કેટલાંક ક્લિકબેઇટ પેજ અને ગોસિપ ફેલાવનારાઓની ટીકા કરી
મુંબઈ, ટેલિવિઝન એક્ટર અર્જુન બિજલાનીએ મૌની રોય સાથે જોડાયેલી ડેટિંગની અફવાઓ પર મૌન તોડ્યું છે. સોશિયલ મીડિયા પર બંને ડિનર માટે સાથે જોવા મળ્યા બાદ તેમનાં સંબંધોને લઈને અનેક અટકળો શરૂ થઈ હતી. જોકે અર્જુને આ તમામ દાવાઓને પાયાવિહોણા ગણાવીને સ્પષ્ટ કર્યું છે કે લાંબા સમયની મિત્રતાને પ્રેમ સંબંધ તરીકે રજૂ કરવું યોગ્ય નથી.અર્જુને પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક લાંબી પોસ્ટ શેર કરીને કેટલાંક ક્લિકબેઇટ પેજ અને ગોસિપ ફેલાવનારાઓની ટીકા કરી છે. તેણે લખ્યું, “પ્રિય ક્લિકબેઇટ પેજીસ, ૧૫ વર્ષથી વધુ સમયથી મિત્ર રહેલા બે લોકો માત્ર કોઈ ગોસિપ પેજને હેડલાઇન જોઈએ એટલે અચાનક કપલ બની જતાં નથી.
ક્યારેક લોકો માત્ર મિત્ર તરીકે એકબીજાની સાથે ઊભા રહે છે, ખાસ કરીને જ્યારે કોઈ મિત્ર મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યો હોય. દરેક મિત્રતાને વ્યૂઝ માટે રોમેન્ટિક એંગલ આપવાની જરૂર નથી. કંઈ પણ પ્રકાશિત કરતાં પહેલાં હકીકતોની ચકાસણી કરવી જરૂરી છે. આપણે જે વાતો લોકો સુધી પહોંચાડીએ છીએ તેનાં પ્રત્યે જવાબદાર બનવું જોઈએ.”અર્જુને મીડિયા સંસ્થાઓને પણ અપીલ કરતાં લખ્યું, “ગેરમાર્ગે દોરતી અને લોકોના અંગત જીવનમાં બિનજરૂરી દખલ કરતી વાતો ફેલાવતા પહેલાં કૃપા કરીને હકીકતોની ખાતરી કરો. જવાબદાર પત્રકારત્વ વિશ્વાસ ઊભો કરે છે, પણ ક્લિકબેઇટ નહીં.” સાથે જ મૌની રોયે પણ એક સોશિયલ મીડિયા પોસ્ટ લખીને પાપરાઝીને તેને ક્યારેય ક્લીક ન કરવા લખ્યું હતું સાથે જ તેનો એક વીડિયો પણ વાયરલ થયો હતો, જેમાં તે પાપરાઝીને કહી રહી હતી કે, મેં તમને નથી બોલાવ્યા તો મારા ફોટો કે તસવીર ન લેશો. અર્જુન અને મૌનીની નજીકની મિત્ર ક્રિસ્ટલ ડી’સૂઝાએ પણ સોશિયલ મીડિયા પર ચાલી રહેલી અટકળો પર નારાજગી વ્યક્ત કરી છે.
પાપારાઝી પોસ્ટ્સ પર તેણે લખ્યું, “આ શું બકવાસ છે? માત્ર વ્યૂઝ માટે તમે લોકો કંઈ પણ પોસ્ટ કરી દો છો.”અર્જુન બિજલાની અને મૌની રોયની ૨૦૧૫માં એકતા કપૂરના લોકપ્રિય ટીવી શો ‘નાગિન’માં ઓનસ્ક્રીન જોડી દર્શકોમાં ખૂબ લોકપ્રિય બની હતી. બે મહિના પહેલાં જ મૌની રોયએ પતિ સૂરજ નામ્બિયારથી અલગ થવા અંગે સોશિયલ મીડિયા પોસ્ટ કરી હતી. બંનેએ સંયુક્ત નિવેદન જાહેર કરીને જણાવ્યું હતું કે તેમણે પરસ્પર સમજણ સાથે અલગ થવાનો નિર્ણય લીધો છે.તેમનાં નિવેદનમાં કહેવામાં આવ્યું હતું, “અમારા અંગત જીવનને લઈને મીડિયાના કેટલાક વર્ગ દ્વારા બિનજરૂરી અને દખલરૂપ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. અમે પરસ્પર સહમતીથી અલગ થવાનો નિર્ણય લીધો છે અને આ સમયને અંગત રીતે સંભાળી રહ્યા છીએ.”SS1
