Western Times News

Gujarati News

ઓનલાઈન મંગાવેલો નાસ્તો આપવા જતા ડીલીવરી બોય પર હુમલો

પ્રતિકાત્મક તસવીર

ગુજરાત યુનિ. વિસ્તારમાં બનેલો બનાવ : ડીલીવરી બોયની બાઈકોમાં પણ તોડફોડ

(પ્રતિનિધિ) અમદાવાદ : ઓનલાઈન કંપની ઝોમેટોમાં નાસ્તાનો ઓર્ડર કર્યા બાદ ડીલીવરી બોયને અવાવરું જગ્યાએ બોલાવી તેમના ઉપર હુમલો કરવાની ચકચારી ઘટના બની છે. અંધારાનો લાભ લઈ અજાણ્યા શખ્સોએ મારામારી કરતાં ગભરાયેલા ડિલીવરી બોય બાઈક મુકીને ભાગતા શખ્સોએ તેમની બાઈકને નિશાન બનાવી હતી.

આ અંગેની વિગત એવી છે કે હર્ષ હિમાંશુભાઈ શાહ (રહે. ગોપીકુંજ સોસાયટી, નારણપુરા), ઝોમેટો કંપનીમાં ડીલીવરી બોય તરીકે નોકરી કરે છે ગઈકાલે રાત્રે હર્ષ, પ્રગ્નેશ દરજી તથા કેતન પટેલ નાસ્તાનો ઓર્ડર લઈ એજયુકેશન ગ્રાઉન્ડમાં આવેલી એમ બ્લોક સૃષ્ટીના ગેટ પાસે પહોચ્યા હતા રાતના અંધારામાં અચાનક આવેલા ર૦ થી રપ વર્ષના ત્રણ શખ્સો તેમની ઉપર ઉશ્કેરાઈ ગયા હતા અને ઝઘડો કરી ગાળાગાળી કરતા ત્રણેય મિત્રો ગભરાઈને ત્યાંથી નીકળવા જતા હતા.

જાકે ત્રણ અજાણ્યા શખ્સો તેમની પાછળ ભાગીને મારો સાલાઓને કહીને ગાળો બોલી પીછો કરતા ત્રણેય ગભરાયેલા ડિલીવરી બોયમાંથી કેતન તથા પ્રગ્નેશે પોતાનું બાઈક સીમા સૌરભ ચાર રસ્તા નજીક મુકીને ભાગી ગયા હતા ત્યારે આ ત્રણ માથાભારે તત્વોએ તેમના બંને બાઈકોમાં તોડફોડ કરી ગાડીની લાઈટો, પેટ્રોલ ટાંકી સહીતના ભાગોમાં ભારે નુકશાન કર્યું હતું.

આ સમગ્ર ઘટના દરમિયાન બુમાબુમ થતાં રાહદારીઓનું ટોળુ ત્યાં એકત્રિત થઈ ગયું હતું જેથી ત્રણેય શખ્સો અંધારાનો લાભ લઈ રફુચકકર થઈ ગયા હતા બીજી તરફ ગભરાયેલા ડિલીવરી બોય સીધા પોલીસનો સંપર્ક કર્યો હતો હુમલાની જાણ થતાં પોલીસ પણ ઘટના સ્થળે આવી પહોચી હતી અને તપાસ શરૂ કરી હતી. ઝોમેટોમાં ઓર્ડર કોણે આપ્યો હતો.

ત્યાંથી શરૂ કરીને ડિલીવરી બોય સાથે તકરાર કરી હુમલાનો પ્રયત્ન કરનાર શખ્સો એક જ વ્યક્તિ છે કે કેમ એ દિશામાં તપાસ હાથ ધરી છે ઉપરાંત પોલીસે ઘટના સ્થળની આસપાસના સીસીટીવી કેમેરાના કુટેજ મેળવવાની તથા તેમાંથી હુમલાખોર ત્રિપુટીની ભાળ મેળવવા પ્રયાસો આદર્યા છે ઉપરાંત આસપાસના વ્યક્તિઅો તેમને જાયા હોય તો તેમના પણ નિવેદનો લેવામાં આવી રહયા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ઓર્ડર આપવા પહોંચેલા ડિલીવરી બોય ગભરાઈ જતા ભાગી ગયા હતા નહીતર હુમલાખોર ત્રિપુટી દ્વારા તેમને પણ માર મારવાની શક્યતા નકારી શકાય તેમ નથી ત્યારે આ હુમલો કરવા પાછળનું કારણ શોધવા પોલીસે હવે કમર કસી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.