અભિનેત્રી ગૌહર ખાન અને ઝૈદ ૨૨મી નવેમ્બરે લગ્ન કરશે
મુંબઈ: એક્ટ્રેસ અને બિગ બોસ વિનર ગૌહર ખાન હાલ ઈસ્માઈલ દરબારના દીકરા ઝૈદ સાથેના રિલેશનશિપ અને લગ્નને લઈને છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચામાં છે. કપલના નજીકના સૂત્રોએ જણાવ્યું હતું કે, ગૌહરની બહેન નિગાર તેમજ તેના અન્ય ભાઈ-બહેન આવતા મહિને લગ્ન માટે ભારત આવવાના છે. બે દિવસ સુધી સેરેમની ચાલશે.
જેમાં માત્ર નજીકના મિત્રો અને પરિવારજનોને આમંત્રણ આપવામાં આવશે. લગ્ન મુંબઈમાં થવાના છે અને બંનેના પરિવારે આ માટે તૈયારીઓ પણ આરંભી દીધી છે.
હાલમાં જ ઝૈદના પિતા ઈસ્માઈલ દરબારે કહ્યું હતું કે, ‘જો ઝૈદ અને ગૌહર લગ્ન કરવા માગે છે, તો શા માટે ગૌહરને આશીર્વાદ ન આપું? જો ઝૈદને તેની સાથે લગ્ન કરવા છે, તો મને શું કામ વાંધો હોવો જોઈએ? ઝૈદ ૨૯ વર્ષનો છે, તે શું કરી રહ્યો છે તેની તેને જાણ છે. ઝૈદે કહ્યું હતું કે,, જો કે તેણે લગ્નની અફવાઓનું ખંડન કર્યું હતું. પરંતુ કહ્યું હતું કે, એવી ચર્ચા છે કે ગૌહર આ વર્ષે લગ્ન કરવાની છે. હા મેં સાંભળ્યું છે કે તે આ વર્ષે લગ્ન કરવાની છે. આ મેં ફરીથી સાંભળ્યું’, તેમ હસતા-હસતા તેણે કહ્યું હતું.
ઝૈદે કહ્યું હતું કે, તેના પરિવારને ગૌહર પસંદ છે અને તેની બહેન તેના જેવી બનવા માગે છે. ‘તેનું મારા પરિવાર સાથેનું બોન્ડિંગ સારું છે અને મારું તેના પરિવાર સાથે. મારો પરિવાર તેને ખૂબ પ્રેમ કરે છે અને કેટલો પ્રેમ કરે છે તેના વિશે તમે વિચારી પણ નહીં શકો.
તે અમારી નજીક છે પરંતુ મને લાગે છે કે આખી દુનિયા તેને પ્રેમ કરે છે. મારો આખો પરિવાર, મારા પિતા, માતા, બહેન, ભાઈ દરેકને તે ગમે છે. મારી નાની બહેનને તો તે ખાસ પસંદ છે અને હંમેશા કહેતી રહે છે કે તે ગૌહર જેવી બનવા માગે છે’, તેમ તેણે કહ્યું હતું. આપને જણાવી દઈએ કે, ગૌહર ખાન હાલમાં જ બિગ બોસ ૧૪ના ઘરમાં સીનિયર તરીકે જોવા મળી હતી.