Western Times News

Gujarati News

રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા શાળાના બાળકોને ૫૦,૦૦૦ માસ્ક વિતરણ કરવામાં આવશે

પાટણ જિલ્લાના ધો.૦૬થી ૦૮ના બાળકો માટે માસ્ક વિતરણ શરૂ કરાવતાં જિલ્લા વિકાસ અધિકારી રમેશ મેરજા

માહિતી બ્યુરો, પાટણ, જિલ્લા વહિવટી તંત્ર દ્વારા આ વિદ્યાર્થીઓ કોવિડ-૧૯ની માર્ગદર્શિકા મુજબ માસ્કનો ફરજીયાત ઉપયોગ કરે તે માટે રિલાયન્સ ફાઉન્ડેશનના સહયોગથી ૫૦,૦૦૦ માસ્કનું વિતરણ કરવામાં આવશે.

જિલ્લા પંચાયત ખાતે યોજાયેલા કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી રમેશ મેરજાના હસ્તે શાળાઓમાં વિતરણ માટે શિક્ષણ તથા આઈ.સી.ડી.એસ. વિભાગને માસ્ક સુપ્રત કરવામાં આવ્યા હતા.

કોરોના વાયરસના સંક્રમણથી બચવા માસ્ક સૌથી જરૂરી બાબત છે. કોરોના મહામારીની બીજી લહેર બાદ હાલ સ્થિતિ કાબુમાં છે ત્યારે શિક્ષણકાર્ય સતત ધબકતું રહે તે માટે રાજ્ય સરકારની સુચના મુજબ કોવિડ-૧૯ની ગાઈડલાઈનના પાલન સાથે ધોરણ ૦૬થી ૦૮માં શિક્ષણકાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે.

જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ માર્ગદર્શિકાનું પાલન થાય તે માટે સતત પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે. કોરોના મહામારીમાં વિવિધ ક્ષેત્રે મદદરૂપ થવા સ્વૈચ્છિક સંસ્થાઓનો મહત્વનો ફાળો રહેલો છે ત્યારે રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા જિલ્લાના બાળકો માટે ૫૦,૦૦૦ જેટલા માસ્કનું વિતરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.

જિલ્લા પંચાયતના સ્વર્ણિમ હૉલ ખાતે જિલ્લા વિકાસ અધિકારીશ્રી રમેશ મેરજાના હસ્તે તાલુકા શિક્ષણ અધિકારીશ્રીઓ અને શાળાના આચાર્યશ્રીઓ તેમજ આઇસીડીએસ વિભાગને રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા મળેલ માસ્ક બાળકો સુધી પહોંચાડવા માટે વિતરણ કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે શિક્ષકોની કામગીરીને બિરદાવતાં જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ જણાવ્યું કે, રસીકરણમાં શિક્ષકોનો મહત્વનો ફાળો રહેલો છે ત્યારે હવે પછી બાકી રસીકરણમાં પણ આ જ પ્રકારે પોતાનું યોગદાન આપી પાટણ જિલ્લામાં સો ટકા રસીકરણ થાય તે દિશામાં પ્રયત્નો કરવા આહવાન કર્યું હતું.

સાથે જ શાળાઓમાં કોવિડ-૧૯ની માર્ગદર્શિકાનું પાલન થાય તે સુનિશ્ચિત કરવા અપીલ કરી હતી.પાટણ જિલ્લામાં રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા અગાઉ ૭,૦૦૦ જેટલી રાસન કીટ, ૧.૮૦ લાખ જેટલા માસ્ક અને અંદાજિત ૪૦,૦૦૦ જેટલા સેનીટાઇઝરનું વિતરણ કરી કોરોના મહામારી સામે લડતમાં સક્રિય ભાગીદારી નોંધાવી હતી.

આ પ્રસંગે જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી બીપીનભાઈ પટેલ, જિલ્લા ખેતીવાડી અધિકારી શૈલેષભાઈ પટેલ, તાલુકા શિક્ષણ અધિકારીશ્રીઓ, શાળાના આચાર્યશ્રીઓ, બીઆરસી-સીઆરસી કો-ઓર્ડિનેટર્સ, આઈ.સી.ડી.એસ.ના પ્રોગ્રામ ઓફિસર સુશ્રી ગૌરીબેન સોલંકી સહિતના અધિકારીશ્રી-કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.