Western Times News

Gujarati News

સુરતઃ ધંધાદારીઓએ શહેરી સુંદરતા પર કાળી મેસ ચોપડી દીધી

સુરત, ઔદ્યોગિક નગરી સુરત અને તેની આસપાસના વિસ્તારોમાં આવેલા ઉદ્યોગોને જરૂરી કોલસો વિદેશમાંથી મંગાવી પૂરો પાડવામાં આવે છે, આ કોલસો મગદલ્લા પોર્ટ પર આવે છે, અને ત્યાંથી ઔદ્યોગિક એકમોમાં મોકલવામાં આવે છે. જાેકે કોલસાના ટ્રાન્સપોર્ટને કારણે સમગ્ર વિસ્તારને કાળો મેસ કરી નાંખ્યો છે.

પ્રતિદિન ૭૦૦થી વધુ ટ્રકોની આવનજાવનને કારણે આ વિસ્તારના રસ્તાઓની પણ હાલત બદતર થઇ ગઇ છે. સ્થાનિક લોકોએ અનેક રજૂઆત કરી છતાં કોઈ નિરાકરણ આવતું નથી. તેમનો આરોપ છે કે અહીં ગેરકાયદેસર રીતે કોલસાનો સ્ટોરેજ થાય છે, જેને કારણે સ્થાનિક રહેવાસીઓ અલગ અલગ રોગથી પીડાઈ રહ્યાં છે.

સુરત શહેરની ટેક્સટાઇલ સહિત અલગ અલગ ઇન્ડસ્ટ્રીને કોલસો પહોંચાડતા મગદલ્લા પોર્ટે આખા શહેરની ખૂબસૂરતી ઉપર કાળી મેસ ચોપડી દીધી હોય તેવું ચિત્ર બહાર આવ્યું છે.

સુરત મહાનગરપાલિકા એરપોર્ટથી ડુમસ અને ઉધના મગદલ્લા રોડનું બ્યુટિફિકેશન કરી શહેરની શાનમાં ચાર ચાંદ લગાવવા મથામણ કરે છે. પણ મનપાના આ પ્રયાસો વચ્ચે મગદલ્લા પોર્ટ સુરતની ખૂબસૂરતી ઉપર કાળી ટીલ્લી સમાન સાબિત થઇ રહ્યું છે.

મગદલ્લા પોર્ટનાં સૂત્રોનું માનીએ તો, મગદલ્લા પોર્ટ ઉપર વર્ષે દહાડે પચાસ લાખ ટન કોલસો ઊતરે છે. આ કોલસાને પોર્ટના ગોદામ ઉપરથી અલગ અલગ ઈન્ડસ્ટ્રીને મોકલવા માટે રોજની ૭૦૦થી વધુ ટ્રકોની આવનજાવન છે.

જેને લઈને આસપાસના વિસ્તારના લોકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. મગદલ્લા પોર્ટ ઉપર ઊતરતા કોલસાને લઇ સુરત શહેરની તાપી નદીને પણ પ્રદૂષણની વ્યાપક અસર થઇ રહી છે. તાપી નદી અને અરબી સમુદ્રના મુખમાં પણ પ્રદૂષણ ફેલાઇ રહ્યું છે.

આ અંગે શહેરના પયાર્વરણીયશાસ્ત્રીઓએ અવારનવાર રજૂઆતો કરી હતી. પરંતુ સ્થાનિક લોકોના આરોગ્યના ભોગે પોર્ટ ઉપર બેરોકટોક કોલસો ઊતરી રહ્યો છે અને સાથે જ સ્ટોરેજ પણ કરવામાં આવી રહ્યો છે. અને તેની સમાંતરે ચાર ગણી સ્પીડે રોજ વહન પણ થઇ રહ્યો છે. મગદલ્લા પોર્ટ ઉપરથી પસાર થતી કોલસા ભરેલી ટ્રકો પૂરેપૂરી તાડપત્રીથી ઢાંકેલી પણ નથી હોતી.

જ્યારે જે ટ્રકો ઉપર તાડપત્રી પાથરેલી જાેવા મળે છે તે પણ તૂટેલીફૂટેલી હોય છે. જેને લઇને મગદલ્લા પોર્ટ ઉપરથી કોલસા ભરી પસાર થતી ટ્રકો આખા રસ્તે કોલસાની ભૂકી વેરતા વેરતા જાય છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.