Western Times News

Gujarati News

માત્ર કો-સ્ટાર નહીં પાડોશી પણ હતા અંગૂરી ભાભી અને મલખાન

મુંબઈ, કોમેડી સીરિયલ ‘ભાભીજી ઘર પર હૈ’માં અંગૂરી ભાભીનું પાત્ર ભજવનાર શુભાંગી આત્રેએ પોતાના કો-સ્ટાર દીપેશ ભાન સાથેની યાદો વાગોળી છે. ઉલ્લેખનીય છે કે, દીપેશ ભાન હવે આ દુનિયામાં નથી રહ્યા. ૪૧ વર્ષીય દીપેશના નિધનથી ભાભીજી ઘર પર હૈની આખી ટીમ સ્તબ્ધ છે.

૪૧ વર્ષીય દીપેશ પોતાની ફિટનેસ બાબતે ઘણાં સજાગ હતા. સવારના સમયે ક્રિકેટ રમતી વખતે તે એકાએક ઢળી પડ્યા હતા અને પછી બ્રેઈન ડેડ જાહેર કરવામાં આવ્યા હતા. દીપેશ ની અંતિમ યાત્રામાં સામેલ થયેલ અભિનેત્રી શુભાંગી આત્રે જણાવે છે કે, હું હજી પણ સ્તબ્ધ છું.

મને હજી વિશ્વાસ નથી થતો કે દીપુ હવે આપણી વચ્ચે નથી. હું વાત સ્વીકારી નથી શકતી. એક દિવસ પહેલા તો અમે લોકોએ સેટ પર શૂટિંગ કર્યુ હતું. તેમની તબિયત ત્યારે ઘણી સારી હતી. આટલુ જ નહીં, તેમણે અમને કહ્યુ હતું કે તે હવે ૪૦ની ઉંમરમાં હોવાને કારણે બોડી ચેકઅપ માટે ગયા હતા અને તમામ રિપોર્ટ નોર્મલ હતા. ઉલ્લેખનીય છે કે શુભાંગી આત્રે અને દીપેશ ભાન એક જ બિલ્ડિંગમાં રહેતા હતા.

શુભાંગી જણાવે છે કે, મેં જ દિપેશને સલાહ આપી હતી કે તે મારી બિલ્ડિંગમાં ફ્લેટ ખરીદે અને અહીં શિફ્ટ થઈ જાય. તેણે અહીં ફ્લેટ લીધો, લગ્ન કર્યા અને તેઓ એક બાળકના માતા-પિતા બન્યા. તેણે એકવાર અમને કહ્યુ હતું કે, તે જ્યારે મોટો થઈ રહ્યો હતો ત્યારે તેના પિતા તેમની સાથે નહોતા.

તે સુનિશ્ચિત કરવા માંગતો હતો કે તે પોતાના દીકરાને ખૂબ પ્રેમ કરે. અભિનેત્રીએ આગળ જણાવ્યું કે, જ્યારે અમારી મુલાકાત સેટ પર નહોતી થતી ત્યારે બિલ્ડિંગમાં થતી હતી. અમે પાછલા છ વર્ષથી એકસાથે કામ કરતા હતા. અમે સેટ પર ખૂબ મસ્તી કરતા હતા.

તેના વગર સેટ પર જાણે સન્નાટો છવાઈ જશે. દીપેશે ઘણાં સપના સેવ્યા હતા. તે જીવનમાં ઘણું કામ કરવા માંગતો હતો. તે વેબ સીરિઝ અને ફિલ્મોમાં કામ કરવા માંગતો હતો. જીવન ખરેખર તકલાદી છે. એક્ટર આસિફ શેખે કહ્યું કે દીપેશ ભાન છેલ્લાં થોડા સમયથી જિમ અને રનિંગ કરતો હતો.

ત્યારે મેં તેને કહ્યું હતું કે ૪૦ની ઉંમર પછી થોડા ધીમા થઈ જવું અને શરીરને આટલું વધારે પ્રેશર આપવું જાેઈએ નહીં. થોડા સમય પહેલા જ્યારે દીપેશ ભાનનું વજન વધી ગયું હતું ત્યારે તેને કહ્યું હતું કે વજન ઓછું કરી દે અને ડાયટનું ધ્યાન રાખ. ત્યારે દીપેશ ભાને કહ્યું હતું કે તે દરરોજ ૩ કલાક જિમ કરે છે અને રાત્રે જમતો પણ નથી. હું હંમેશાં દીપેશ ભાનને કહેતો હતો કે આટલી વધારે કસરત ના કર.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.