Western Times News

Gujarati News

રાજપીપલામાં ”હર ઘર તિરંગા’’ અભિયાન અંતર્ગત પ્રાથમિક શાળામાં યોજાઈ વિવિધ સ્પર્ધાઓ

રાષ્ટ્રીય પર્વને વધાવવા બાળકોમાં જોવા મળ્યો અનેરો ઉત્સાહ અને જુસ્સો

રાજપીપલા, ‘હર ઘર તિરંગા’ અભિયાન હેઠળ નર્મદા જિલ્લામાં વિવિધ શાળાઓના બાળકોમાં દેશપ્રેમ અને એકતાની ભાવના જગાડવાના ઉમદા આશયથી નિબંધલેખન સ્પર્ધા, વકતૃત્વ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા, ગીત સ્પર્ધા સહિત રાષ્ટ્રધ્વજના સન્માનમાં રાષ્ટ્રધ્વજ સાથે તિરંગા યાત્રા નિકળી રહી છે. જે અંતર્ગત જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી જયેશભાઈ પટેલના માર્ગદર્શન તેમજ નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી ડો.વર્ષાબેન વસાવાની ઉપસ્થિતિમાં વીર બિરસામુંડા પ્રાથમિક શાળા, રાજપીપલા ખાતે ‘હર ઘર તિરંગા’ અભિયાનને અનુલક્ષીને વિવિધ સ્પર્ધાઓ યોજાઇ હતી.

‘હર ઘર તિરંગા’ અભિયાન અન્વયે રાષ્ટ્રધ્વજનું મહત્વ અને દેશની આઝાદીમાં વીર શહીદો તેમજ મહામાનવોના સંઘર્ષ અને બલિદાનો વિશે સમજાવતા શિક્ષકોએ વધુમાં બાળકોને પોતપોતાના ઘરે તિરંગો ફરકાવી ફળિયામાં આ અભિયાન વિશે જાગૃત કરવા જણાવ્યું હતું. ખરેખર ‘હર ઘર તિરંગા’ અભિયાન અંગે બાળકોમાં અનેરો ઉત્સાહ અને જુસ્સો જોવા મળી રહ્યો છે. બાળકોએ આ અભિયાનની થીમ પર રાષ્ટ્રધ્વજ દોરી તેની વિકાસયાત્રા તેમજ ચિત્રસ્પર્ધામાં પોતાની અદભુત કલાકૃતિનું પ્રદર્શન કર્યું હતું.

આ પ્રસંગે નિર્ણાયક તરીકે બી.એડ. કોલેજ, રાજપીપલાના લેક્ચરરશ્રી રોબિનભાઈ, શ્રી મહેશભાઈ વસાવા, શ્રી રાજેન્દ્રભાઈ તેમજ ડાયેટમાંથી શ્રી દિપકભાઈ હાજર રહ્યાં હતાં. ગીત સ્પર્ધામાં નિર્ણાયક તરીકે હિરલબેન રાવે સેવા આપી હતી. રાજપીપલા કલસ્ટરના સી.આર.સી રાકેશભાઈ પંચોલી અને સી.આર.સી કલમભાઇ વસાવા, વીર બિરસામુંડા શાળાના શિક્ષકશ્રી સરાધભાઇ સહિત બાળકોની ઉપસ્થિતિમાં કાર્યક્રમ સફળ બન્યો હતો.

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના આ સરાહનીય પહેલનો હેતુ લોકોમાં દેશપ્રેમ અને એકતાની ભાવના જગાડી રાષ્ટ્રધ્વજના સન્માનમાં ઘરે-ઘર, મહોલ્લા, દુકાનો, સરકારી-ખાનગી કચેરીઓ સહિત દરેક સ્થળે તિરંગો ફરકાવવાનો છે. તા. ૧૩ થી ૧૫ ઓગસ્ટ દરમિયાન હર ઘર તિરંગાની ઉજવણી હાથ ધરાઇ છે અને વડાપ્રધાનશ્રીએ પણ દેશવાસીઓને ઘરે-ઘર તિરંગો ફરકાવવાની હાકલ કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.