Western Times News

Gujarati News

મધુ શ્રીવાસ્તવે ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું

દબંગ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે કહ્યું કે તેઓ અપક્ષ ચૂંટણી લડશે અને શિવસેના તેમને સપોર્ટ કરે છે

(એજન્સી)વડોદરા, પોતાના વિવાદાસ્પદ નિવેદનો માટે જાણીતા વડોદરાના દબંગ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે વિધાનસભા ચૂંટણીની ટિકિટ ન મળવાથી ભાજપને રામરામ કહ્યા છે. મધુ શ્રીવાસ્તવે ભાજપ છોડી દીધો છે અને ધારાસભ્ય પદેથી પણ રાજીનામું આપી દીધું છે.

આ પ્રસંગે તેમણે કહ્યું કે તેઓ અપક્ષ ચૂંટણી લડવાના છે અને શિવસેના તેમને સપોર્ટ કરવાની છે. મધુ શ્રીવાસ્તવના કારણે ભાજપ માટે અનેક વખત મુશ્કેલની સ્થિતિ પેદા થઈ છે. આ વખતે પણ તેમણે વાઘોડિયા બેઠક માટે ટિકિટ માગી હતી, પરંતુ ભાજપે અન્ય ઉમેદવાદને પસંદ કરતા મધુ શ્રીવાસ્તવે ભાજપ છોડી દીધો છે. આ વાતના અણસાર તેમણે થોડા દિવસો અગાઉ જ આપી દીધા હતા.

બાહુબલી ધારાસભ્ય તરીકે ઓળખાતા મધુ શ્રીવાસ્તવ પોતાના મતક્ષેત્રમાં ભારે પ્રભાવ ધરાવે છે તેવું રાજકીય પંડિતો પણ માને છે. કારણ કે અગાઉ પણ તેઓ અપક્ષ તરીકે ચૂંટાયા હતા અને પછી ભાજપમાં જાેડાયા હતા. તેથી ભાજપ તેમને હળવાશથી લઈ શકે તેમ નથી.

વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે કહ્યું હતું કે આટલા વર્ષોની જાહેર જીવન દરમિયાન તેમણે ક્યારેય એક રૂપિયાનો પણ ભ્રષ્ટાચાર કર્યો નથી. પરંતુ પાર્ટીએ મને ટિકિટ આપી નથી. મારા ટેકેદારોની માંગણી હતી કે મારે ચૂંટણી લડવી જાેઈએ. તેથી તેમની માંગણીને માન આપીને હું ચૂંટણી લડીશ.

બે દિવસ અગાઉ મધુ શ્રીવાસ્તવની ઓફિસે ટેકેદારોની એક બેઠક મળી હતી જેમાં એવું નક્કી કરાયું હતું કે તેઓ અપક્ષ ઉમેદવારી નોંધાવશે. તેમણે એવો વસવસો પણ કર્યો હતો કે તેમણે આટલા વર્ષો સુધી પાર્ટી માટે કામ કર્યું છતાં ભાજપે તેમની કદર ન કરી.

એક સામાન્ય ટ્રક ડ્રાઈવરથી શરૂઆત કરનાર મધુ શ્રીવાસ્તવ વડોદરાની વાઘોડિયા બેઠક પર ભારે પ્રભાવ ધરાવે છે. તેઓ છેલ્લી છ ટર્મથી આ બેઠક પરથી ચૂંટાઈ રહ્યા છે. તેમણે ૧૯૯૫માં જીતવાની શરૂઆત કરી હતી અને ૨૦૧૭ની ચૂંટણી સુધી જીતતા આવ્યા છે. ગઈ વિધાનસભાની ચૂંટણીમાં તેમણે કોંગ્રેસના ધર્મેન્દ્રસિંહ વાઘેલાને હરાવ્યા હતા. તાજેતરમાં ભાજપે સેન્સ પ્રક્રિયા યોજી ત્યારે પણ તેમને મિટિંગથી દૂર રાખવામાં આવ્યા હતા.

એક સમયે ટ્રક ચલાવવાનું કામ કરનારા મધુ શ્રીવાસ્તવે ફિલ્મોમાં અભિનય પણ કર્યો છે. ૨૦૦૨માં ગોધરાકાંડ પછી કોમી તોફાનો વખતે વડોદરામાં બેસ્ટ બેકરી સળગાવી દેવાઈ હતી જેમાં ૧૪ લોકોના મોત નિપજ્યા હતા. તે સમયે ભાજપના ધારાસભ્ય શ્રીવાસ્તવ પર આરોપ હતો કે તેમણે આ કેસના સાક્ષીઓને નિવેદન બદલવા માટે ધમકાવ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.