Western Times News

Gujarati News

કોઈપણ વ્યસન વ્યક્તિના મનોબળથી ક્યારેય બળવાન હોતું નથી

પ્રતિકાત્મક

ભારતનો યુવાન એકવાર આગળ વધવાનું નક્કી કરે પછી એને દુનિયાની કોઈ તાકાત પાછળ પાડી શકે એમ નથી

થોડા સમય પહેલાં શાહરૂખ ખાનના બેટા આર્યન ખાનની ડ્રગ એડિકશનની જબરી ચર્ચાઓ ચાલી રહી હતી. મુંબઈના ક્રૂઝ ડ્રગ્સ પાર્ટીમાં એનસીબીની રેડમાં આર્યન ઝડપાઈ ગયો હતો. આર્યન સાથે બીજા પણ નબીરાઓ એનસીબીની ઝપટે ચડી ગયા, એનસીબીએ આપેલા એક અહેવાલમાં જણાવ્યું હતું કે, નશીલી દવાઓના આ કાળા કારોબારે બોલીવુડ ઉપરાંત સાઉથની કન્નડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો પણ ભરડો લીધો છે. ભારતના આ ડ્રગ્સ માફિયાઓનું કનેકશન પશ્ચિમી યુરોપ, કેનેડા, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ અમેરિકાના દેશો સાથે હોવાનું એનસીબી જણાવે છે.

ભારત સહિત વિશ્વના ઘણા દેશોમાં આજે ડ્રગ એડિકશનની સમસ્યા દિનપ્રતિદિન વિકરાળ બનતી જાય છે. અલભ્ય આધ્યાત્મિક અને ભવ્ય સાંસ્કૃતિક વિરાસત ધરાવતા ભારત જેવા રાષ્ટ્રના મૂળિયા ઉખાડવા માટે નશીલા પદાર્થોની તશ્કરીનું એક આયોજનબદ્ધ ષડયંત્ર ઈન્ટરનેશનલ લેવલે ચાલી રહ્યું છે. આર્યન જેવા કિસ્સાઓ ‘આઈ ઓપનર’ કહેવાય.

સંસ્કાર અને સંસ્કૃતિમાં જેનો જાેટો જડે નહી એવા હિન્દુસ્તાનને તોડવા અને કમજાેર કરવા માટે આવા અવળા માર્ગો અપનાવવાની સાજીશનું શિકાર ભારતનું યુવાધન ન બને એ માટે સરકારના મજબુત પ્રયાસોની સાથે પ્રત્યેક ભારતવાસીએ નિષ્ઠાપૂર્વક આગળ આવવું પડશે. એ સમજવાની કોશિશ કરીએ કે ડ્રગ એડિકશનથી રાષ્ટ્રની સુરક્ષા સામે શો ખતરો છે ? સૌથી પહેલા  તો જે વ્યક્તિ નશીલા પદાર્થોનું સેવન કરે છે એની માનસિક તાકાત અને શારીકિ શક્તિ નષ્ટ થતી જાય છે. સ્વાભાવિક રીતે જ જે યુવાન ડ્રગ એડિકટ હોય એની માનસ્થિતિ અને શરીરની સ્થિતિ નબળી બની જતી હોય છે.

ડ્રગ એડિક્ટ યુવાન ભારતીય સેનામાં ઈચ્છે તો પણ જાેડાઈ ન શકે. પરિણામે ભારતીય લશ્કરમાં યુવાનો ઓછા જાેડાય. ઈન્ડિયન આર્મીની સ્ટ્રેંથ માટે આ એક મોટો પડકાર ઉભો થઈ શકે છે. બીજાે મહત્વનો મુદ્દો એ છે કે, નશીલા પદાર્થોના કારણે જ મગજ નબળું પડી જવાથી દેશના યુવાનની વૈચારિક અને બૌદ્ધિક ક્ષમતા ક્ષીણ થતી જાય. આપણે કદી વિચાર્યું છે કે, અમેરિકા, જાપાન, ઓસ્ટ્રેલિયા, કેનેડા જેવા વિકસીત દેશોની નેશનલ-મલ્ટિનેશનલ કંપનીઓ ભારતીય યુવાનોને જાેબ કેમ વધારે ઓફર કરે છે ? એનું કારણ એટલું જ છે કે, એમના દેશો કરતા ભારતના યુવાનો વધુ ક્ષમતા ધરાવતા હોવા છતાં આ કંપનીઓને ૭૦ ટકા ઓછું વેતન ચુકવવું પડે છે. વળી કામની ગુણવત્તા ભારતના યુવાનો પાસેથી ઉત્કૃષ્ટ મળે છે. વિકસીત દેશોમાં ૬૦ ટકા ઉપરાંત યુવાનો ડ્રગ્સના બંધાણી હોય છે. એટલે જ આ બધી જાેબ ભારતના યુવાનોના ભાગે આવે છે.

હવે વિચારી જુઓ જે દેશમાં તેજીલા તોખાર જેવા કૌશલ્યવાન યુવાનો હોય એમને નશીલી દવાના રવાડે ચડાવી દેવાય તો કયો વિકસીત દેશ ડ્રગ્સના બંધાણી યુવાનોને જાેબ ઓફર કરશે ? આ બધી જાેબ અન્ય દેશના યુવાનોને ભાગે જતી રહેશે. કહેવાય છે કે પહેલો સગો પડોશી છે. સુખ અને દુઃખમાં પડોશી સૌથી પહેલો ઉભો રહેતો હોય છે, પરંતુ ભારતના કમનસીબે એના પડોશી દેશો દોસ્તી કરતા દુશ્મનીમાં વધુ રસ ધરાવે છે. સામી છાતીએ ભારતનો મુકાબલો કરવાનું એમનું ગજું નથી એટલે આવા અવળા રસ્તા અપનાવવાની કુચેષ્ટાઓમાં રાચે છે.

આવા દેશોની એક કાંકરે બે પક્ષીઓ મારવાની મેલી મુરાદ છે, એક તરફ તો ભારતના યુવાધનને નશીલા પદાર્થના રવાડે ચડાવી એમનું બૌદ્ધિક સ્તર ઘટાડવું અને બીજી તરફ ડ્રગ્સના વેપાર દ્વારા એમના દેશમાં અબજાે રૂપિયાની આવક રળીને એમના દેશને આર્થિક રીતે સમૃદ્ધ બનાવવો. આપણા દેશના યુવાનોને નશીલી દવાઓની આદત પાડી એમની પાંચેય આંગળીઓ ઘીમાં હોવાનું સમજી રહ્યાં છે. દેશના યુવાનોને ડ્રગ્સની આદત કેવી રીતે પડે છે એની મોડસ ઓપરેન્ડિ પણ સમજવા જેવી છે.

પહેલા વહેલા કોઈ બર્થ ડે પાર્ટીમાં કે રેસ્ટોરન્ટમાં મિત્રો સાથે જનારા સીધા સાદા યુવાનને યારીની કસમો અપાય છે. કહેવાય છે કે, ‘યાર એક વાર ટ્રાય કર… મજા આવશે.. જન્નતની સેર કરતો હોઈશ એમ લાગશે.. કમ ઓન યાર.. બી અ સ્ટ્રોંગ મેન..’ વગેરે વગેરે.. આમ જ નશીલા પદાર્થના બંધાણી બનવાની શરૂઆત થતી હોય છે. કેન્ટીનો, રેસ્ટોરન્ટો, ચાર રસ્તાના નુક્કડો, કોલેજ સ્કૂલની બહારની ચા-નાસ્તાની લારીઓ વગેરે સ્થળો આસાનીથી ડ્રગ સપ્લાઈંગ સેન્ટર બની જતા હોય છે. આની સાથો સાથ નકલી ડિએડિકશન સેન્ટરોમાં પણ ડ્રગ્સનો વેપલો ચાલે છે. આ બધી જગ્યાએ નશીલા પદાર્થો આસાનીથી મળી જાય છે. સરકાર એની રીતે તમામ પ્રયાસો મજબુતાઈથી કરી જ રહી છે.

પરંતુ આની સાથે સાથે આ દુષણને નાથવા ભારતના પ્રત્યેક નાગરિકે આગળ આવવું પડશે. પ્રબુદ્ધો અને ચિંતક લેખકોએ ડ્રગના દુષણ સામે જાગૃતિ લાવવા તેમની કલમનો શસ્ત્ર તરીકે ઉપયોગ કરીને રાષ્ટ્રને બચાવવાનું સત્કાર્ય તત્કાળ આરંભવું પડશે. શાળા કોલેજાેમાં વિદ્યાર્થીઓને ડ્રગ્સના સેવનની ગંભીરતા અંગે રીતસર ઝુંબેશ ચલાવવી પડશે. પ્રત્યેક વિદ્યાર્થીએ રામ બનીને ડ્રગ્સના રાવણને હણવાનો નિષ્ઠાપૂર્વક પ્રયત્ન કરવો પડશે. નશીલા દ્રવ્યોના રવાડે ચડી ગયેલા એમના મિત્રોને પાછા વાળવા મચી પડવાનું રહેશે.

નશીલા પદાર્થો પ્લેઝર નથી પોઈઝન છે, એવી સાચી સમજ ફેલાવવામાં પ્રત્યેક દેશવાસીની નકકર ભુમિકા જાેઈશે, શાળા-કોલેજાેમાં ભારતની આધ્યાત્મિક અને સાંસ્કૃતિક શક્તિઓને ઉજાગર કરતા પરિસંવાદો, નાટિકાઓ અને જાેશીલા-રસપ્રદ ગીતો-ગઝલોના કાર્યક્રમો યોજવા જાેઈશે. કેન્ટીનો, ચા-નાસ્તાની લારીઓ, શાળા-કોલેજાેમાં ડ્રગ વેચવાનો વેપલો કરનારાઓએ રાષ્ટ્રપ્રેમ અને દેશદાઝ દાખવવાનો સોનેરી અવસર સમજીને બે પૈસા વધારે કમાવાની લાલચ છોડીને આવો કાળો વેપાર છોડી દેવા મકકમ નિર્ધાર કરવાનો રહેશે. એ લોકોએ દેશના સાચા નાગરિક બની રાષ્ટ્રહિત માટે આગળ આવવું પડશે.

એકવાર દેશના યુવાનના મનમાં આપણી ગૌરવવંતી સંસ્કૃતિના બીજ રોપાય, આધ્યાત્મિક ચેતનાની ચિનગારી ઉજાગર થાય પછી ડ્રગ્સની નકારાત્મક વિચારસરણીને પરાસ્ત થતા વાર નહી લાગે. ઉચ્ચ વિચારોમાં એકવાર રસ પડવાનો શરૂ થાય પછી નશાખોરીનો બદબુદાર રસ આપોઆપ બંધ થઈ જશે. ભાતિગળ ભારતની ધરોહર તેનું કૌશલ્યવાન યુવાધન છે. ભારતનો યુવાન એકવાર આગળ વધવાનું નકકી કરે પછી એને દુનિયાની કોઈ તાકાત પાછળ પાડી શકે એમ નથી, કોઈપણ વ્યસન વ્યક્તિના મનોબળથી ક્યારેય બળવાન હોતું નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.