Western Times News

Gujarati News

ધર્મજના સરપંચ સામે ભ્રષ્ટાચારના આક્ષેપથી ખળભળાટ

રૂ.૨૩.૫૩ લાખની ઉચાપત અંગે અરજી થતાં ચકચારઃ ઉચ્ચ અધિકારીઓ દ્ધારા તપાસનો ધમધમાટ

(પ્રતિનિધિ) પેટલાદ, ચરોતરના પેરિસ ગણાતા પેટલાદ તાલુકાનું સમૃદ્ધ ગામ એટલે ધર્મજ. ઉપરાંત એનઆરઆઈ ટાઉન તરીકે પ્રસિદ્ધ ગણાતા આ ગામની સંસ્થાઓ પણ આર્થિક રીતે મજબૂત માનવામાં આવે છે. અહિયાં પંચાયતી રાજ હોવા છતાં લગભગ બધી જ ખાનગી, કોર્પોરેટ અને રાષ્ટ્રીયકૃત બેંકો ધર્મજમાં પોતાની શાખા ધરાવે છે.

એવા આ સમૃદ્ધ ગામની પંચાયતના સરપંચ વિરૂદ્ધ ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે સ્થાનિક રહિશે અરજી કરતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. અરજદારે આક્ષેપ સાથે લાખો રૂપિયાની ઉચાપતનો આરોપ પણ મહિલા સરપંચ ઉપર લગાવતા ચકચાર મચી ગઈ છે. હાલ આ મુદ્દાને લઈ સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

જ્યારે આ અરજીના સંદર્ભે ઉચ્ચ અધિકારીઓ દ્ધારા તપાસનો ધમધમાટ શરૂ થતાં નવાજુનીનાં એંધાણ વર્તાઈ રહ્યાં હોવાની ચર્ચાઓએ જાેર પકડ્યું છે.

પ્રાપ્ત માહિતી મુજબ ધર્મજના બિરજુભાઈ ફરસુભાઈ પટેલે તા.૫ નવેમ્બર, ૨૦૨૨ના રોજ પેટલાદ તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારીને એક અરજી આપી હતી. જેમાં જણાવ્યું હતું કે ગ્રામ પંચાયતના સરપંચ તથા તલાટી કમ મંત્રીએ માટી પુરાણ, મોટી ગટરની સફાઈ તથા પંચાયતના કર્મચારીઓનો રજા રિપોર્ટ હોવા છતાં હાજરી ભરીને પગાર ચુકવવાનો આદેશ કરી અંદાજીત રૂ.૨૪ લાખ જેટલી રકમની ઉચાપત કરી ભ્રષ્ટાચાર આચર્યો હોવાનો આક્ષેપ આ અરજી દ્ધારા કરવામાં આવ્યો હતો.

ઉપરાંત આ માટે ખોટા બીલો રજૂ કરી સ્વભંડોળની રકમમાંથી પેમેન્ટ કર્યા હતા. આ સમગ્ર કામગીરી સંદર્ભે તાલુકા વિકાસ અધિકારી કે સક્ષમ અધિકારીની પૂર્વ મંજૂરી સિવાય આટલી મોટી રકમનું ચુકવણું કરવામાં આવ્યું છે.

અરજીમાં વધુ જણાવ્યું છે કે દિવાળીની રજાઓ બાદ ચાલુ દિવસમાં પણ ગ્રામ પંચાયત બંધ હોવાના કારણે અમો તપાસ કરવા ગયા હતા, હાજરીની પૂછપરછ કરતાં હતાં. તો સરપંચ અને તેઓના મળતીયા સભ્યોએ અમારી ઉપર તા.૨ નવેમ્બર ૨૦૨૨ના રોજ પેટલાદ રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેથી જ આ અરજી દ્ધારા એ દિવસના સીસીટીવી ફુટેજની માંગણી બિરજુ પટેલે કરી છે.

મળતી માહિતી મુજબ બિરજુ પટેલની અરજીના સંદર્ભમાં પેટલાદ તાલુકા પંચાયત દ્ધારા તપાસનો ધમધમાટ શરૂ થયો હતો. જેમાં જાણવા મળેલ કે ઘન કચરાનો નિકાલ, સૂરજ બા પાર્કમાં ભરાતાં વરસાદી પાણીનો નિકાલ આવે માટી પુરાણ વગેરે માટે જેસીબી, માટીફેરા, ટ્રેક્ટર ફેરા વગેરેના ચુકવણા સક્ષમ અધિકારીની પૂર્વ મંજૂરી સિવાય

કર્યા હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવવા પામી છે. ગૌચર તથા સૂરજ બા પાર્કમાં થયેલ માટીકામ સંદર્ભે નકશા, અંદાજ કે મંજૂરી પણ નહિ હોવાનું જાણવા મળે છે. અત્રે નોંધપાત્ર બાબત એ પણ છે કે કોઈપણ ગ્રામ પંચાયત પોતાના સ્વભંડોળમાંથી વિકાસલક્ષી કામો હાથ ધરી શકે છે.

પરંતુ તે માટે અંદાજપત્રમા જાેગવાઈ કરવી જરૂરી છે. જાે કોઈ આકસ્મિક કામની આવશ્યકતા ઉભી થાય તો પંચાયત સુધારેલ બજેટ મંજૂર કરાવી કામ હાથ ધરી શકે છે. પરંતુ ધર્મજ પંચાયત દ્ધારા આવી કોઈ પ્રક્રિયા કરેલ નહિ હોવાનું જાણવા મળે છે.

કોઈપણ વિકાસલક્ષી કામો કરવા પ્લાન, જાેગવાઈ વગેરે સાધારણ સભા કે ગ્રામ સભામાં તૈયાર કરવાના હોય, જે કરેલ નહિ હોવાનું તપાસમાં બહાર આવ્યું છે તેમજ સક્ષમ અધિકારી પાસેથી તાંત્રિક કે વહિવટી મંજૂરી પણ મેળવેલ નહિ હોવાનુ જાણવા મળે છે.

તાલુકા પંચાયતની તપાસમાં સરપંચ અને તલાટી દ્ધારા વહિવટી પ્રક્રિયાનું પાલન કર્યા સિવાય રૂ?.૨૩.૫૩ લાખનું અનધિકૃત ખર્ચનું ચુકવણું કર્યું હોવાની વિગતો સમગ્ર તાલુકામાં ચર્ચાનો વિષય બનવા પામ્યો છે. આ અંગેનો રિપોર્ટ તાલુકા વિકાસ અધિકારીએ આણંદ જીલ્લા વિકાસ અધિકારી તરફ કરતા તપાસનો દોર ઉચ્ચ અધિકારીઓના તાબા હેઠળ જતાં ચકચાર મચી જવા પામી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.