Western Times News

Gujarati News

કૃષિમંત્રીના હસ્તે અમદાવાદ હાટ ખાતે કેસર કેરી મહોત્સવ-2023 ખુલ્લો મુકાયો

80 જેટલા સ્ટોલ પરથી ખેડૂતો, ખેડૂત સંગઠનો એક મહિના સુધી કાર્બાઇડમુક્ત અને ગુણવત્તાયુક્ત કેસર કેરીનું કરશે વેચાણ

વૈજ્ઞાનિક પદ્ધતિથી ખેતી – ખેતીનું આધુનિકીકરણ – ખેત પેદાશો માટે બજારની ઉપલબ્ધતા – એક્સપોર્ટ સુધીનાં તમામ કાર્યોમાં સરકાર હરહંમેશ ખેડૂતોની સાથે રહી છે : કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલ

આજે કેસર કેરી માત્ર જૂનાગઢ કે ગુજરાત જ નહિ પણ ભારતની ઓળખ બનીને વિશ્વભરમાં પહોંચી રહી છે : શ્રી રાઘવજી પટેલ Saffron Mango Festival-2023 opened at Ahmedabad Haat

ખેતી વિષયક માર્ગદર્શન, વીજળી- સિંચાઈની સુવિધા જેવી તમામ બાબતોની દરકાર કરી સરકાર ખેડૂતોને સમૃદ્ધ બનાવવા માટે કટિબદ્ધ : શ્રી રાઘવજી પટેલ

અમદાવાદના હાર્દ સમા વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલા અમદાવાદ હાટ ખાતે આજે રાજ્યના કૃષિમંત્રી શ્રી રાઘવજી પટેલના હસ્તે કેસર કેરી મહોત્સવ 2023 ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. અહીં ઉપસ્થિત ખેડૂતો, ખેડૂત સંગઠનના હોદ્દેદારો, અને ઉપસ્થિત શહેરીજનોને સંબોધિત કરતા કૃષિમંત્રી શ્રી રાઘવજી પટેલે જણાવ્યું હતુ કે, ખેડૂતોની આવક બમણી કરવી એ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની નેમ છે.

તેમના નેતૃત્વમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર ખેડૂતોની આવક વધારવા માટે અનેક પ્રયાસો કરી રહી છે. બજેટ હોય કે ખેતી વિષયક માર્ગદર્શન, વીજળી હોય કે સિંચાઈની સુવિધા આ તમામ બાબતોની દરકાર કરી સરકાર ખેડૂતોને સમૃદ્ધ બનાવવા માટે કટિબદ્ધ છે. સ્વાનુભવ વર્ણવતા કૃષિમંત્રીશ્રીએ ઉમેર્યું કે, જ્યારે જ્યારે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાથે મુલાકાત થાય છે. ત્યારે તેમની આંખો અને વાતોમાં ભારતના ખેડૂતની ચિંતા, ખેડૂતો પ્રત્યેની સંવેદના જોવા મળે છે.

સાથોસાથ તેમણે કહ્યું કે વૈજ્ઞાનિક પદ્ધતિથી ખેતી કરવામાં, ખેતીના આધુનિકીકરણ અને યાંત્રિકીકરણ કરવામાં તેમજ ખેત પેદાશોનું બજાર વધારી એક્સપોર્ટ કરવા સુધીનાં તમામ કાર્યોમાં સરકાર હરહંમેશ ખેડૂતોની સાથે ઊભી છે. વડાપ્રધાનશ્રીએ આપેલા :”આત્મા ગામડાનો, સુવિધા શહેરની” સૂત્રનો ઉલ્લેખ કરતા મંત્રીશ્રીએ જણાવ્યું કે શહેરની સુવિધા ગામડાંઓમાં ઉપલબ્ધ કરાવવાનું ભગીરથ કાર્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાનીમાં ચાલી રહ્યું છે. જેમાં અત્યાધુનિક આરોગ્ય કેન્દ્રો થકી આરોગ્ય સુવિધાઓ, શૈક્ષણિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર તેમજ રોજગારી વધારવાની દિશામાં અસરકારક કામગીરી થઈ છે, એવું તેમણે ઉમેર્યું હતું.

સરકાર દ્વારા ખેડૂત કલ્યાણના પ્રયાસોનો ઉલ્લેખ કરતા મંત્રીશ્રીએ જણાવ્યું કે, સિંચાઈ માટે સૌની યોજના, વગર વ્યાજે પાક ધિરાણ, 24 કલાક થ્રી ફેઝ વીજળી આપવાની સાથે બજારમાં ભાવ ન મળે ત્યારે ટેકાના ભાવે પારદર્શકતાપૂર્વક ખરીદી કરીને સરકાર ખેડૂતો સદ્ધર બને તે માટે પ્રયાસરત છે. સાથોસાથ કુદરતી આપત્તિના સમયમાં રાહત પેકેજ જાહેર કરીને સરકાર ખેડૂતોની હમદર્દ બનવાનો પ્રયાસ કરે છે, એમ તેમણે ઉમેર્યું હતું. શ્રી રાઘવજી પટેલે કેસર કેરી મહોત્સવ વિશે વાત કરતા જણાવ્યું કે, તત્કાલિન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના કાર્યકાળમાં 2010માં કેસર કેરી મહોત્સવ શરૂ થયા હતા.

શહેરીજનોના અભૂતપૂર્વ પ્રતિસાદને કારણ હવે પ્રતિવર્ષ તેનું આયોજન થઈ રહ્યું છે. તેમણે કહ્યું કે, આવા આયોજનોથી ખેડૂતોને સીધો ફાયદો મળે છે અને ગ્રાહકોને કેમિકલમુક્ત તથા ગુણવત્તાયુક્ત આરોગ્યપ્રદ કેરી મળે છે. કેસર કેરીની આગવી ઓળખ વિશે વાત કરતા મંત્રીશ્રીએ કહ્યું કે, શાલે મહોમ્મદની ખાખડીના નામથી પ્રચલિત કેરીની આ વિશિષ્ટ જાતને જૂનાગઢના નવાબે તેના સ્વાદ અને સોડમના આધારે કેસર નામ આપ્યું હતું. આજે કેસર કેરી માત્ર જૂનાગઢ કે ગુજરાત જ નહીં પણ ભારતની ઓળખ બનીને વિશ્વભરમાં પહોંચી રહી છે.

ત્યારે કેસર કેરીનું ઉત્પાદન વધે તેમજ ઉત્પાદન કરતા ખેડૂતોને સારા ભાવો મળે તે ચિંતિત બાગાયત ખાતાનો આ પ્રયાસ પ્રશંસનીય છે. સમગ્ર આયોજન બદલ તેમણે ગુજરાત એગ્રો ઈન્ડસ્ટ્રી કોર્પોરેશન અને તમામ સહયોગી એકમોના અધિકારીશ્રીઓ અને કર્મચારીઓને અભિનંદન પાઠવ્યા હતા. મંત્રીશ્રીએ શહેરીજનોને મોટી સંખ્યામાં કેસર કેરી મહોત્સવની મુલાકાત લઈને ખરીદી કરી ખેડૂતોને લાભ કરાવવા અપીલ પણ કરી હતી. કાર્યક્રમના પ્રારંભે ગુજરાત એગ્રોના મેનેજિંગ ડાયરેક્ટર શ્રી દિપેશ શાહે સ્વાગત સંબોધન કર્યું હતું.

આજના પ્રસંગે ઉપસ્થિત શહેરના ડેપ્યુટી મેયર શ્રીમતી ગીતાબેન પટેલે કેરી તથા મિલેટ આધારિત પેદાશો ખરીદવા માટે પ્રોત્સાહિત કરવા તમામ કોર્પોરેટર્સ સાથે કેસર કેરી મહોત્સવની મુલાકાત લેશે, તેવી જાહેરાત કરી હતી. આજના ઉદઘાટન સમારોહમાં વેજલપુરના ધારાસભ્ય શ્રી અમિતભાઈ ઠાકર, અમદાવાદ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેન શ્રી હિતેષ બારોટ, કાઉન્સિલર શ્રી દીપ્તીબેન અમરકોટિયા અને શ્રી દિલીપભાઈ તેમજ કૃષિ વિભાગના ઈન્ચાર્જ અધિક સચિવ શ્રી કે. એમ. ભીમજીયાણી, ખેતી નિયામક શ્રી એસ. જે. સોલંકી, બાગાયત નિયામક શ્રી પી. એમ. વઘાસિયા, સહયોગી એકમોના વરિષ્ઠ અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ઉલ્લેખનીય છે કે 2010થી શરૂ થયેલી કેસર કેરી મહોત્સવના આયોજનની પરંપરા આ વર્ષે પણ અકબંધ રહી છે. જૂનાગઢ અને આસપાસનાં ગામડાંઓમાંથી 80 જેટલા સ્ટોલ પરથી ખેડૂતો, ખેડૂત સંગઠનો એક મહિના સુધી કાર્બાઈડમુક્ત અને ગુણવત્તાયુક્ત કેસર કેરીનું વેચાણ કરશે. આગામી 17 જૂન 2023 સુધી એક મહિનો સવારે 9 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધી કેસર કેરી મહોત્સવ ખુલ્લો રહેશે. જ્યાંથી શહેરીજનો કેસર કેરીની ખરીદી કરી
શકશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.