Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

ક્ષમા વીરસ્ય ભૂષણમ્: …અને સસરા જમાઈ પાસે જઈ બે હાથ જોડી માફી માંગે છે

દ્યૃતિઃ ક્ષમા દમ અસ્તેય શૌચ ઇન્દ્દિય નિગ્રહ દ્યીઃ વિદ્યા સત્ય અને અક્રોધ..આ દશ સનાતન ધર્મનાં લક્ષણ છે.સહનશીલતા અને ક્ષમા માનવનો સૌથી મોટો ગુણ છે.પોતાનો કોઇ૫ણ જાતનો અ૫રાધ કરવાવાળાને કોઇ૫ણ પ્રકારનો દંડ ન આપવાની ઇચ્છા રાખીને ક્ષમા કરી દેવાવાળાને “ક્ષમી’’ કહેવામાં આવે છે.

અ૫રાધ કરવાવાળાને શિક્ષા કરવાનું સામર્થ્ય હોવા છતાં ૫ણ તેના અ૫રાધને સહન કરી લેવો અને તેને માફ કરી દેવો એ ક્ષમા છે.જો મનુષ્ય પોતાના માટે કોઇની પાસેથી કોઇપણ પ્રકારની સુખની આશા ન રાખે અને પોતાના ઉ૫ર અ૫કાર કરવાવાળાનું ખરાબ ન ઇચ્છે તો તેનામાં ક્ષમાભાવ પ્રગટ થાય છે.

સત્યનિષ્‍ઠ અને સહનશીલ(ક્ષમાવાન) જગતને જીતવામાં સમર્થ છે.ક્ષમા કરવા છતાં ૫ણ કોઇ અપકાર કરે તેમ છતાં ક્રોધ ના કરવો..દૈવવશ ક્રોધ ઉત્પન્ન થાય તો ૫ણ તેને રોકવો.પોતાના મનોરથોમાં વિધ્ન નાખનાર પ્રત્યે ૫ણ ચિત્ત નિર્વિકાર રાખવું.

વ્યવહારમાં સામાન્ય ભૂલ થાય તો સજા થાય છે પણ પરમાર્થમાં કદાચ મોટી ભૂલ થાય તો પણ પ્રભુ ક્ષમા કરે છે.પરમાર્થ સહેલો છે.વ્યવહાર કઠણ છે.વ્યવહારમાં થોડી પણ ભૂલ થાય તો લોકો ક્ષમા આપતા નથી.વ્યવહારમાં બહુ સાવધાનીની જરૂર છે.

પારકા દોષ દેખી માણસનો પારો આસમાને ચઢે છે પરિણામે તેનું સ્વાસ્થ્ય પણ કથળે છે, અનેક રોગ થાય છે.ક્ષમાનો ગુણ અપનાવવાથી સુખ-ચેન અને શાંતિથી જીવન જીવાય છે.ક્ષમા આપવી એ મોટામાં મોટો સદ્‌ગુણ છે.ક્ષમા એટલે કોઈકની ગેરવર્તણૂંક કે અપકૃત્યને માફ કરી દેવું.

કોઈકે તેના વર્તન કે વાણી દ્વારા નુકસાન પહોંચાડ્યું હોય કે નુકસાન પહોંચાડવામાં મદદ કરી હોય, તો એ નુકસાન વેઠીને પણ તેના પ્રત્યે ઉદાર વલણ દાખવવું.ઉદારતા એ ક્ષમાની જનની છે.પોતાની ભૂલ ન હોય અને અન્યની ભૂલને પોતાને માથે લઈ, ક્ષમા માગવી એ અતિ મોટો સદગુણ છે.

એક શેઠ પોતાના જમાઇને વ્યાપાર માટે ત્રણ લાખ રૂપિયા આપે છે.જમાઇનો વ્યાપાર ઘણો જ સારો ચાલે છે પરંતુ પોતાના સસરા પાસેથી ઉધાર લીધેલ પૈસા તે પરત આપતો નથી.છેવટે સસરા-જમાઇ વચ્ચે ઝઘડો થાય છે.ઝઘડો એટલી હદ સુધી પહોંચી ગયો કે એકબીજાના ઘેર આવવા-જવાનું પણ બંધ થઇ જાય છે.ઘૃણા અને દ્વેષ એટલાં વધી ગયાં કે શેઠજી જ્યાં પણ જાય ત્યાં પોતાના જમાઇની નિંદા-આલોચના કરે છે તેમના વિશે ખરાબ બોલે છે.

શેઠજી સત્સંગી હતા આમ હોવાછતાં તેમની સાધના ઘટવા લાગી.પૂજા-પાઠ,સેવા-સુમિરણ-સત્સંગના સમયે પણ તેમને જમાઇનું જ ચિંતન થાય છે.માનસિક વ્યથાનો પ્રભાવ શરીર ઉપર પડે છે.બેચૈની વધવા લાગી અને કોઇ સમાધાન ન મળતાં છેલ્લે શેઠજી એક સંતની પાસે જઇને પોતાની વ્યથા કહે છે.

સંતે કહ્યું કે બેટા ! તૂં ચિંતા ના કરીશ.ઇશ્વર કૃપાથી બધું સારૂં થઇ જશે.તમે કેટલાક ફળ અને મીઠાઇ લઇને કાલે તમારા જમાઇના ઘેર જાઓ અને જમાઇને મળીને એટલું જ કહેવાનું કે બધી ભૂલ મારી હતી એટલે મને માફ કરો.ત્યારે શેઠજી કહે છે કે મેં તેમને મદદ કરી અને ક્ષમા પણ મારે જ માંગવાની ? ત્યારે સંત જવાબ આપે છે કે દરેક પરીવારમાં જે ઝઘડાઓ થાય છે તેમાં ક્યારેય એક પક્ષનો વાંક હોતો નથી.વત્તા-ઓછા અંશે બંન્ને પક્ષોની ભૂલ હોય છે.

સંતની વાત શેઠની સમજમાં આવતી નથી.શેઠ કહે છે કે મારાથી કોઇ ભૂલ થઇ જ નથી.ત્યારે સંત કહે છે કે બેટા..તમે મનોમન પોતાના જમાઇને ખરાબ સમજ્યા એ તમારી પહેલી ભૂલ છે.તમે તેમની નિંદા કરી,આલોચના અને તિરસ્કાર કર્યો એ તમારી બીજી ભૂલ છે.પોતાના કાનથી તેમની નિંદા સાંભળી એ તમારી ચોથી ભૂલ છે અને તમારા હ્રદયમાં જમાઇના પ્રત્યે ક્રોધ અને ઘૃણા છે-આ તમારી છેલ્લી ભૂલ છે.

તમારી આ ભૂલોથી તમે જમાઇને દુઃખ આપ્યું છે અને આ તમારા દ્વારા જમાઇને આપવામાં આવેલ દુઃખ અનેક ઘણું થઇને પાછું તમારી પાસે આવ્યું છે માટે જાઓ..તમારી ભૂલો માટે જમાઇની માફી માંગો,નહીતર તમે ચૈનથી જીવી પણ નહી શકો અને ચૈનથી મરી પણ નહી શકો..ક્ષમા માંગવી એ ઘણી મોટી સાધના છે અને તમે તો ઘણા મોટા સાધક છો.શેઠની આંખ ખુલી જાય છે.સંતને પ્રણામ કરીને તે જમાઇના ઘેર જાય છે.

તમામ લોકો ભોજનની તૈયારી કરી રહ્યા હતા તે જ સમયે શેઠજી ત્યાં પહોંચીને દરવાજો ખટખટાવે છે.દિકરીનો દિકરો આવીને દરવાજો ખોલે છે.સામે દાદાજીને આવેલા જોઇને અવાક્ બનીને ખુશીમાં નાચીને જોર જોરથી બૂમો પાડે છે કે મમ્મી..પપ્પા..જુઓ કોન આવ્યું છે? દાદાજી આવ્યા છે..દાદાજી આવ્યા છે !!

દિકરી-જમાઇ દરવાજાની તરફ જુવે છે અને વિચાર કરે છે કે અમે સ્વપ્નું તો નથી જોતાને? દિકરીને ઘણી જ ખુશી થાય છે કે ઓહ..પંદર વર્ષ પછી મારા પિતાજી મારા ઘેર આવ્યા છે.પ્રેમના ભાવાવેશમાં તેનું ગળું ભરાઇ જાય છે,તે બોલી શકતી નથી.શેઠજીએ મીઠાઇ તથા ફળફળાદિ ટેબલ ઉપર મુકીને બંન્ને હાથ જોડીને જમાઇને કહે છે કે બેટા..બધી ભૂલ મારી હતી,મને ક્ષમા કરો.

ક્ષમા શબ્દ સાંભળતાં જ જમાઇના હ્રદયમાંથી પ્રેમ અશ્રુ બનીને વહેવા લાગે છે.જમાઇ સસરાના પગમાં પડી જાય છે અને રડતાં રડતાં પોતાની ભૂલ બદલ ક્ષમાયાચના કરે છે.સસરાના પ્રેમાશ્રુ જમાઇની પીઠ ઉપર અને જમાઇના પશ્ચાતાપ અને પ્રેમમિશ્રિત અશ્રુ સસરાના ચરણોમાં પડવા લાગ્યા.

પિતા પોતાની પૂત્રીની અને પૂત્રી પોતાના વૃદ્ધ પિતાની ક્ષમા માંગે છે.ક્ષમા અને પ્રેમનો અથાહ સાગર છલકાઇ રહ્યો છે. તમામ શાંત છે,ચૂપ છે,તમામની આંખોમાં આંસુઓની ધારા વહી રહી છે.જમાઇ ઉભા થાય છે અને તિજોરીમાંથી પૈસા લઇને સસરાની સામે મુકે છે ત્યારે સસરા કહે છે કે બેટા..આજે હું આ રૂપિયા લેવા માટે નથી આવ્યો.હું મારી ભૂલ સુધારવા,મારી સાધનાને સજીવ કરવા તથા દ્વેષનો નાશ કરી પ્રેમની ગંગા વહેવડાવવા આવ્યો છું.

મારૂં અહી આવવું સફળ થયું છે,મારૂં દુઃખ દૂર થયું છે.હવે મને આનંદનો અહેસાસ થઇ રહ્યો છે.ત્યારે જમાઇ કહે છે કે પિતાજી..જ્યાંસુધી આપ આ પૈસા નહી સ્વીકારો ત્યાંસુધી મારા હ્રદયની આગ શાંત નહી થાય,માટે કૃપા કરીને આ રૂપિયા સ્વીકારી લો.

શેઠજીએ જમાઇ પાસેથી પૈસા લઇને પોતાની ઇચ્છાનુસાર પોતાની દિકરી અને દિકરીના દિકરા-દિકરીઓને વહેંચી દીધા.દિકરીનો તમામ પરીવાર કારમાં બેસીને શેઠને ઘેર આવે છે.પંદર વર્ષ પછી અડધી રાત્રીએ જ્યારે ર્માં-દિકરી,ભાઇ-બહેન,નણંદ-ભાભી તથા તમામ બાળકોનું મિલન થાય છે તો એવું લાગતું હતું કે જાને સાક્ષાત પ્રેમ જ શરીર ધારણ કરીને ત્યાં પહોચ્યો ના હોય !!

સમગ્ર પરીવાર પ્રેમના અથાહ સાગરમાં હિલોળા લઇ રહ્યો હતો.ક્ષમા માંગ્યા બાદ શેઠજીનું દુઃખ,  ચિંતા,તનાવ,ભય, નિરાશારૂપી માનસિક રોગ મૂળમાંથી મટી જાય છે  અને તેમની સાધના સજીવ બને છે. અમારે પણ અમારા દિલમાં ક્ષમાનો ભાવ રાખવો જોઇએ.પોતાની સામે નાનો હોય કે મોટો,અમારી ભૂલ હોય કે ના હોય તેમછતાં ક્ષમા માંગી લેવાથી તમામ ઝઘડાઓ સમાપ્ત થાય છે.

ક્ષમા બડનકો ચાહિએ છોટનકો ઉત્પાત,ક્યા ઘટા હરીકા જો ભૃગુને મારી લાત.. – વિનોદભાઇ માછી નિરંકારી ૯૭૨૬૧૬૬૦૭૫(મો)

Copyright © All rights reserved. | Developed by Aneri Developers