Western Times News

Gujarati News

એલજીમાં ફરજ દરમ્યાન મહીલા ડોકટરનાં ફોનની ચોરી

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : ગત કેટલાંક દિવસોમાં બનેલાં બનાવો પરથી ચોરો તથા ગઠીયાઓ હવે હોસ્પીટલ તથા ડોકટરો પર નજર ઠેરવી હોય એમ લાગી રહયું છે. ઈદનાં ગણતરીનાં દિવસો અગાઉ રાણીપની મહીલાઓને રૂપિયા અપાવવાનાં બહાને શારદાબેન હોસ્પીટલમાં દાગીના ઉતરાવી લેવાયાં હતા. બાદમાં વીએસના ભણતાં મેડીકલના વિધાર્થીઓનાં મોબાઈલ તથા લેપટોપની ચોરી થઈ હતી. ઉપરાંત વીએસનાં જ ડોકટરની કાર ચોરાવાનો કિસ્સો હજુ તાજા જ છે. ત્યાં વળી એલજી હોસ્પીટલમાં ફરજ દરમ્યાન જ મહીલા ડોકટરનાં ફોનની ચોરીની ફરીયાદ મણીનગર પોલીસ મથકમાં નોધાઈ છે.

આ અંગેની વિગત એવી છે કે અમરાઈવાડી સીટીએમ નજીક રહેતાં પ્રેષાબેન અતુલકુમાર વસાણી મણીનગર એલજી હોસ્પીટલમાં ઈન્ટર્ન ડોકટર તરીકે નોકરી કરે છે. ગઈકાલે રાબેતા મુજબ ફરજ પર હાજર હતા તે દરમ્યાન તેમણે પોતાનો મોબાઈલ ફોન એપ્રોનનાં ખિસ્સામાં મુકયો હતો. આશરે સવા અગીયાર વાગે સર્જીકલ વિભાગ ઓપીડીમાં કામ કર્યા બાદ તે પરત ફરતાં હતાં તે વખતે તેમણે પોતાનાં ખિસ્સા તપાસતાં મોબાઈલ ફોન મળી આવ્યો ન હતો. જેથી તેમણે ઓપીડી વિભાગ તથા અન્ય જગ્યાએ પણ તપાસ કરતાં મોબાઈલ ફોન મળી ન આવતા છેવટે મણીનગર પોલીસ સ્ટેશનમાં નજર ચુકવી કોઈ અજાણ્યો શખ્સ પોતાનો ફોન ચોરી ગયાની ફરીયાદ નોધાવી છે. પોલીસે તપાસ હાથ ધરી છે. થોડાં દિવસ અગાઉ વીએસનાં ડોકટરોની વસ્તુઓ તથા કાર ચોરાઈ હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.