Western Times News

Gujarati News

પાક વીમા યોજના ફરજીયાત નહીં પણ મરજીયાત હોવી જોઈએ – પરેશ ધાનાણી

ગાંધીધામ ખાતેના સરકારી ગોડાઉનોમાં મગફળીની ગુણોને તોડતાં તેમાંથી મગફળી કરતાં માટી, પથ્થર અને કાંકરાનું પ્રમાણ વધુ સામે આવ્યું છે ત્યારે આ અંગે પ્રતિક્રિયા આપતાં ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતાશ્રી પરેશભાઈ ધાનાણીએ જણાવ્યું હતું કે, ૨૦૧૭ની ચૂંટણી પહેલાં રાજકીય રોટલા શેકવા માટે જગતના તાતને લાઈનમાં ઉભા રાખી ટેકાના ભાવે મગફળી ખરીદવાના ષડયંત્રનો સમગ્ર ગુજરાતના લાખો ખેડૂતો ભોગ બન્યા હતા. ૯૦૦ રૂપિયે મણ મગફળી ખરીદવા માટે થઈને ખેડૂતોને લાઈનમાં ઉભા રાખ્યા. વ્હાલા-દવલાની નીતિ કરીને નબળી ગુણવત્તાની મગફળી ગોડાઉન સુધી પહોંચાડવામાં ક્યાંયને ક્યાંય ભાજપના મળતિયાઓ જોડાયેલા છે.

અમે વારંવાર આ અંગે રાજ્ય સરકારને રજૂઆત કરી. ફેબ્રુઆરી-૨૦૧૮થી સતત વિધાનસભાની અંદર, વિધાનસભાની બહાર, ગામની ગલીઓમાં, જ્યાં મગફળીનો સ્ટોક કર્યો હતો તેવા ગોડાઉનના દરવાજે જઈને આંદોલન કરવા છતાં આ આંધળી-બહેરી-મૂંગી ભાજપ સરકાર મગફળીકાંડ કરનારા લોકોને સતત છાવરી રહી છે. મને લાગે છે કે ક્યાંક સરકારમાં બેઠેલા લોકો જ સીધી રીતે આમાં જોડાયેલા છે અને મગફળીકાંડના તાર ક્યાંક મુખ્યમંત્રી કાર્યાલય સુધી જોડાયેલા હોઈ વારંવાર મગફળીકાંડને દબાવવાનો સરકારે સતત પ્રયાસ કર્યો છે. અમે ઉચ્ચ ન્યાયપાલિકાના સીટીંગ જજના નેતૃત્વ નીચે આની નિષ્પક્ષ તપાસ કરવાની અમે વિધાનસભાની અંદર અને વિધાનસભાની બહાર વારંવાર માંગણી કરી હોવા છતાં સરકાર આ માંગણી સ્વીકારતી નથી એનો મતબલ “ચોકીદાર ખુદ ચોર છે’.

ગાંધીધામના ગોડાઉને ભુતકાળમાં ઉપવાસ કર્યા હતા ત્યારે વિરોધપક્ષના નેતાને પણ આ ગોડાઉનમાં પ્રવેશવાની સરકારે પ્રવેશબંધી કરી હતી. આજે એ જ ગાંધીધામના ગોડાઉનમાં મગફળીકાંડના પુરાવાઓ મડદા સ્વરૂપે હવે ઉભા થઈ રહ્યા છે. ગઈકાલે ગાંધીધામ ખાતેના મગફળી ગોડાઉનમાં ફરી પાછી મગફળી વેચવા કાઢતા એ ષડયંત્ર ખુલ્લું પડયું છે, ચોરી પકડાઈ છે અને સરકારના મળતિયાઓ દ્વારા ૪૦૦૦ કરોડ રૂપિયાની લુંટ સરકારી તિજોરીમાંથી ચલાવવામાં આવી એ હવે ખુલ્લું થયું છે ત્યારે આવતા દિવસોમાં કોંગ્રેસ પક્ષ મગફળીકાંડને લઈ વધુ આક્રમકતાથી ચોરોને પકડાવવા માટે થઈને આગળ વધશે.

ભાજપના લોકો ચોરી ઉપરથી સીનાજોરી કરી રહ્યા છે. ભારે મોટી બહુમતીના કારણે અહંકારમાં રાચતા લોકોને જાણે ભ્રષ્ટાચાર કરવાનો પીળો પરવાનો મળતો હોય તેમ ખુલ્લેઆમ સરકારી તિજોરીને લૂંટી રહ્યા છે. તાજેતરમાં એનું ઉદાહરણ ગાંધીધામનું ગોડાઉન છે. અમે વારંવાર કહેતા આવ્યા છીએ કે આને માટે સીધીને સીધી રાજ્ય સરકાર જવાબદાર છે.

રાજ્યના કૃષિ મંત્રીશ્રીના અધ્યક્ષતામાં રાજ્યસ્તરની નોડલ એજન્સીઓની પસંદગી કરવામાં આવી, ૨૫૦ કરતાં વધુ ખરીદ કેન્દ્રોની પસંદગી કરવામાં આવી અને ખરીદી કરતી વખતે ધારાધોરણોનું પાલન કરીને આવી મગફળી રાજ્ય સરકાર દ્વારા પસંદ થયેલ નોડલ એજન્સીએ રાજ્ય સરકારે નક્કી કરેલ ગોડાઉનોમાં પહોંચાડવાની જવાબદારી હતી. ક્યાંય ખેડૂતો પાસેથી તો નબળો માલ ખરીદવામાં આવ્યો નથી તો ગોડાઉનની અંદર પહોંચતા આવી મગફળી માટી, પથ્થર અને કાંકરા કેમ થઈ ગઈ ? એનો રાજ્ય સરકારે જવાબ આપવો જોઈએ.

પહેલાં નાફેડ ઉપર દોષારોપણ કરતા હતા હવે ચૂંટણીઓ પૂરી થઈ પછી એ જ નાફેડ મારફતે ફરી પાછી રાજ્ય સરકારે ખરીદી શું કામ કરાવી ? જો નાફેડે જ ચોરી કરી હતી તો આવા ચોર સાથે રાજ્ય સરકારે ભાગીદારી શું કામ કરી ? હું સ્પષ્ટપણે માનું છું કે આમાં નાફેડ કરતાં વધુ ગુજરાત સરકાર જવાબદાર છે અને ગુજરાત સરકારે એના મળતિયાઓ મારફતે સરકારી તિજોરીને લૂંટવા મગફળીકાંડમાં પીળો પરવાનો આપ્યો હતો. હવે સમગ્ર ગુજરાત સવાલ પૂછે છે કે, આ ટેકાના ભાવે મગફળી જે ખરીદી હતી તે મગફળીકાંડમાં ૪૦૦૦ કરોડ રૂપિયા કોણ ખાઈ ગયું એનો ગુજરાત સરકાર જવાબ આપે.

આજે ટીવી માધ્યમથી, કેમેરા સામે, ગાંધીધામ ખાતેના સરકારી ગોડાઉનોમાં મગફળીની ગુણોને તોડતાં તેમાંથી મગફળી કરતાં માટી, પથ્થર અને કાંકરાનું પ્રમાણ વધુ સામે આવ્યું છે. ત્યારે પોતાની આંખે પાટો બાંધીને બીજા લોકોને દેખાતું નથી તેવું કહેનારી રાજ્ય સરકારે પોતાની આંખેથી પાટો ઉતારવો જોઈએ અને ૨૦૧૭માં ટેકાના ભાવે ખરીદેલી મગફળીકાંડની ઉચ્ચ તપાસ માટે ફરીથી શરૂઆતથી લઈ અંત સુધીના તમામ ભાગને વણી લેતી ઉચ્ચન્યાયપાલિકાના સીટીંગ જજના નેતૃત્વ હેઠળ નિષ્પક્ષ તપાસ કરવી જોઈએ.

મગફળીકાંડનો પાયો ઓક્ટોબર-૨૦૧૭માં નંખાયો હતો. ચૂંટણીઓ થઈ. ૪૦૦૦ કરોડ રૂપિયાની મગફળી ખરીદાઈ અને એ મગફળી જે ગોડાઉનમાં હતી તે ગોડાઉનો ઈરાદાપૂર્વક ક્યાંયને ક્યાંય સરકારના મળતિયાઓ મારફત સળગાવી દેવામાં આવ્યા, એનો આજ દિવસ સુધી રિપોર્ટ ગુજરાતની જનતા સમક્ષ આવ્યો નથી.

મગફળીકાંડમાં મોટા માથાઓ સંડોવાયેલા છે, પૂરતા આધાર-પુરાવા હોવા છતાં માછલાઓને મારીને મગરમચ્છોને ખુલ્લા મેદાનમાં મૂકવાનું કામ ભાજપ સરકારે કર્યું છે. આવતા દિવસોમાં મગરમચ્છો પણ જેલના સળિયા પાછળ ધકેલાય તે માટે ઉચ્ચન્યાયપાલિકાના સીટીંગ જજના નેતૃત્વ હેઠળ નિષ્પક્ષ તપાસ થાય તેવી માંગણી કોંગ્રેસ પક્ષે વિધાનસભાની અંદર અને બહાર દોહરાવી છે. કમનસીબે ચોકીદાર ખુદ ચોર છે.

એટલે મગફળીકાંડની તપાસથી દૂર ભાગી રહ્યા છે. આવતા દિવસોમાં કોંગ્રેસ પક્ષ ગામની ગલીઓમાં, જનતાની અદાલતમાં આ મુદ્દાને લઈ જશે અને જે કોઈ મગરમચ્છોએ મગફળીકાંડમાં મલાઈ તારવી છે એને જેલના સળિયા પાછળ ધકેલવા રાજ્ય સરકાર મજબુર થાય તે માટે ગુજરાતના ખેડૂતોનું સમર્થન માંગશે.

પાક વીમો ફરજિયાત નહીં પરંતુ મરજિયાત હોવો જોઈએ તે અંગે પ્રતિક્રિયા આપતાં શ્રી પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, સમગ્ર ગુજરાતના ખેડૂતો એની પરસેવાની કમાણીમાંથી મોંધા ખાતર, બિયારણ અને દવાથી પાક લેવા મથતા હોય ત્યારે ઉંચા દરના પ્રિમિયમો પરાણે વસુલીને જ્યારે પાક વીમો મેળવવાનો થાય ત્યારે ખેડૂતના દીકરાએ નામદાર કોર્ટમાં કુસ્તી કરવા-લડવા માટે નીકળવું પડે તેવી દયનીય પરિસ્થિતિનો ગુજરાત સહિત સમગ્ર દેશનો ખેડૂત આજે સામનો કરી રહ્યો છે ત્યારે પાક વીમા યોજના મરજીયાત હોવી જોઈએ તેવી સમગ્ર ગુજરાતના ખેડૂતોની લાગણી છે અને ભારત સરકાર આ અંગે સકારાત્મક નિર્ણય કરે તેવી અપેક્ષા રાખું છું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.