Western Times News

Gujarati News

ઝઘડિયા મુખ્ય પોસ્ટ ઓફિસની કમ્પ્યુટર સર્વર સિસ્ટમ છેલ્લા ૧૧ દિવસથી બંધ હાલતમાં

કોમ્પ્યુટર સર્વર સિસ્ટમ બંધ રહેતા મુખ્ય પોસ્ટ ઓફિસ અને તેની સાથે સાંકળયેલી તાલુકાની તમામ ૧૬ બ્રાન્ચ પોસ્ટ ઓફિસની કામગીરીને અસર થઈ. –પોસ્ટની બેદરકારીના પગલે પોસ્ટની નવ થી વધુ સેવાઓ સદંતર બંધ રહેતા હજારો ગ્રાહકો,પોસ્ટ એજન્ટોની હાલત ખરાબ થઈ રહી છે. ડિલિવરી કરવાની ટપાલો સર્વર બંધ રહેતા ટપાલોના ઢગલા થઈ પડ્યા છે.

ભરૂચ: ભરૂચ જીલ્લા ની ઝઘડિયા ની મુખ્ય પોસ્ટ ઓફિસમાં કોમ્પ્યુટર સર્વર સિસ્ટમ છેલ્લા ૧૧ દિવસથી બંધ રહેતા મુખ્ય પોસ્ટ ઓફિસને સંલગ્ન ૧૬ જેટલી બ્રાન્ચ પોસ્ટ ઓફિસની કામગીરીને અસર થતા ઝઘડિયા તાલુકાના હજારો પોસ્ટ ગ્રાહકો અને એજન્ટો એક અઠવાડિયાથી હાલાકીનો સામનો કરી રહ્યા છે. જવાબદાર પોસ્ટની બેદરકારીના પગલે  સર્વર સિસ્ટમ બંધ રહેતા પોસ્ટની નવ થી વધુ સેવાઓને અસર પહોંચી છે.

ઝઘડિયા તાલુકા મથકે ભારતીય પોસ્ટની મુખ્ય પોસ્ટ ઓફિસ આવેલી છે.છેલ્લા કેટલા સમય થી અહીં અવારનવાર સર્વર સિસ્ટમમાં સમસ્યા ઉભી થયા કરે છે.આવી સમસ્યાના કારણે તાલુકાભરની ૧૬ બ્રાન્ચ પોસ્ટ ઓફિસને પણ અસર પહોંચે છે તેમ છતાં જિલ્લા પોસ્ટ ના જવાબદાર અધિકારીઓ દ્વારા સર્વર સિસ્ટમ ખરાબ થયા કરવાના બાબતે કોઈ ઠોસ નિરાકરણ લાવવામાં આવતું નથી.

હાલમાં છેલ્લા ૧૧ દિવસ થી ઝઘડિયા મુખ્ય પોસ્ટ ઓફિસના કમ્પ્યુટર સર્વર સિસ્ટમ માં ખરાબી આવી છે.૧૧ દિવસથી મુખ્ય સહીત બ્રાન્ચ પોસ્ટ ઓફિસો બંધ રહ્યા બાદ પણ જવાબદાર પોસ્ટ અધિકારીઓના પેટનું પાણી હાલતું નથી.થાય છે અને કરાઈ છે જેવી આળસ ભરેલી બેદરકારી દાખવાઈ રહી છે.

ગ્રાહકો ધરમધક્કા ખાઈને રોજ પાછા જાય છે.ગ્રાહકોને રોજ એકજ જવાબ આપી દેવામાં આવે છે કે સર્વર ખરાબ થયું છે.સર્વર ક્યારે ચાલુ થશે તેનો કોઈ જવાબ ગ્રાહકને મળતો નથી.ઝઘડિયાની મુખ્ય પોસ્ટ ઓફિસ ખાતે ઝઘડિયા જીઆઈડીસી,ઝઘડિયા કોર્ટ,તાલુકા પંચાયત,મામલતદાર કચેરી,નાયબ કલેક્ટર કચેરી ઉપરાંત હજારો ગ્રાહકોને ટપાલ,રજીસ્ટર એડી સહિત નાણાકીય રોકાણની યોજના ના અલગ અલગ કામો હોઈ છે.

તે બધીજ કામગીરી સામાન્ય બાબતે છેલ્લા  ૧૧ દિવસથી ખોરંભે પડી છે.ઝઘડિયા મુખ્ય પોસ્ટ ઓફિસનું કોમ્પ્યુટર સર્વર સિસ્ટમ ખરાબ થતા પોસ્ટ ની એનએસસી,કેવીપી,એમઆઈએસ,ટાઈમ ડિપોઝિટ,પીપીએફ,રજીસ્ટર એડી,રજીસ્ટર પાર્સલ, પીએલઆઈ,આરપીએલઆઈ જેવી મુખ્ય સેવાઓ બંધ છે.પોસ્ટ ઓફિસમાં ટપાલોના ઢગલા પડ્યા છે.

કોમ્પ્યુટર સર્વર સિસ્ટમ છેલ્લા ૧૧ દિવસથી બંધ રહેતા મુખ્ય પોસ્ટ ઓફિસને સંલગ્ન ૧૬ જેટલી બ્રાન્ચ પોસ્ટ ઓફિસની કામગીરીને અસર થતા ઝઘડિયા તાલુકાના હજારો પોસ્ટ ગ્રાહકો અને એજન્ટો બે અઠવાડિયાથી હાલાકીનો સામનો કરી રહ્યા છે.સર્વર સિસ્ટમ બંધ રહેતા ઝઘડિયા મુખ્ય પોસ્ટ ઓફિસના પોસ્ટ ઇન્સ્પેક્ટર સાથે ટેલિફોનિક સંપર્ક દરમિયાન તેમને વાત કરવાની તસ્દી લીધી નથી.જીલ્લા મથકે સુપ્રિટેન્ડન્ટ ઓફ પોસ્ટનો સંપર્ક કરતા તેમના ટેલિફોનો બંધ હાલતમાં હોવાના મેસેજ મળ્યા છે.હાલમાં વિધવા સહાયના લાભાર્થીઓના ફોર્મ ભરવાની કાર્યવાહી થઈ રહી છે

ત્યારે સરકારનો એવો અભિગમ છે કે વિધવા સહાયના લાભાર્થીઓ પોસ્ટ માં જ ખાતા ખોલાવે ત્યારે આવા સમયે ઝઘડિયા પોસ્ટ માસ્ટર અને જિલ્લા પોસ્ટ માસ્ટરની ફરજમાં બેદરકારીનો સામનો લાભાર્થીઓ કરી રહ્યા છે. જીલ્લાના પોસ્ટ માસ્ટર ઝઘડિયાની આટલી મોટી પોસ્ટ ઓફિસ માટે બેદરકારી દાખવી શરમજનક બાબત છે.જીલ્લા પોસ્ટ માસ્ટર વિરૃદ્ધ પગલાં ભરાવવા જોઈએ તેવી માંગ પોસ્ટ ગ્રાહકો કરી રહ્યા છે સત્વરે પોસ્ટની સર્વર સિસ્ટમ સમારકામ કરી પોસ્ટના ગ્રાહકોની સેવા કાર્યાન્વિત કરવામાં આવે તે ઈચ્છનીય છે.

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.