Western Times News

Gujarati News

મ્યુનિ.શાળામાં પ્રવેશ લેવા વાલીઓનો ઘસારો

File Photo

પ૦ શાળામાં વેઈટીંગ : પાંચ વર્ષમાં ખાનગી
શાળાના 
ર૧ હજાર વિધાર્થીઓ આવ્યા

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : અમદાવાદ નગરપ્રાથમિક શિક્ષણ સમિતિના ઈતિહાસમાં કદાચ પ્રથમ વખત ધો.૧ના પ્રવેશ માટે “વેઈટીંગ લીસ્ટ” બનાવવાની ફરજ પડી છે. સાથે-સાથે ખાનગી શાળાના વિધાર્થીઓ પણ મ્યુનિ.શાળામાં પ્રવેશ લઈ રહયા છે. જેના માટે શિક્ષણ સ્તર તથા માળખાકીય સુવિધાઓમાં થઈ રહેલ સુધારાને જવાબદાર માનવામાં આવે છે. છેલ્લા પાંચ વર્ષ દરમ્યાન ખાનગી શાળાના ર૦ હજાર કરતા પણ વધુ વિધાર્થીઓ મ્યુનિ.શાળામાં અભ્યાસ કરવા માટે આવ્યા છે.

મ્યુનિ.સ્કૂલબોર્ડને ભ્રષ્ટાચાર અને કૌભાંડોનું એ.પી. સેન્ટર માનવામાં આવી રહયું હતું. પરંતુ છેલ્લા બે-ત્રણ વર્ષથી કૌભાંડો અને ભ્રષ્ટાચારનું સ્થાન તાલીમબધ્ધ શિક્ષકો અને શિક્ષણે લીધુ છે. જેના કારણે મ્યુનિ.શાળામાં વિધાર્થીઓની સંખ્યામાં વધારો થઈ રહયો છે. ગત શૈક્ષણિક વર્ષમાં ૩૧ ઓગષ્ટ સુધી ધો.૧ માં ૧૪ હજાર બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો.

જયારે નવા શૈક્ષણિક વર્ષમાં ૧૦ જુનથી રપ જુન સુધી માત્ર ૧પ દિવસના સમયગાળામાં જ ૧૩ હજાર બાળકોએ પ્રવેશ લીધો છે. મતલબ કે, માત્ર ૧પ દિવસમાં ૯૩ ટકા ટાર્ગેટ પૂર્ણ થયું છે. તથા ૩૧ ઓગષ્ટ સુધી ૧પ૦ ટકા ટાર્ગટ પૂર્ણ થાય તેવી શકયતા શાસનાધિકારી વ્યકત કરી રહયા છે.

સ્કુલ બોર્ડના શાસનાધિકારી લબ્ધીરભાઈ દેસાઈના જણાવ્યા મુજબ ગત શૈક્ષણિક વર્ષ ની સરખામણીમાં તમામ ઝોનમાં ૯૦ ટકા કરતા વધુ ટાર્ગેટ પુરા થયા છે. પરંતુ મધ્યઝોનમાં ૧૦૭ ટકા લક્ષ્યાંક પૂર્ણ થયો છે. ર૦૧૮ ના વર્ષમાં મધ્યઝોનમાં ધો.૧ માં ૧૩૬ર બાળકોના નામાંકન કરવામાં આવ્યા હતા.

જેની સામે નવા સત્રમાં રપ જુન સુધી ૧૪પ૪ બાળકોના નામાંકન થયા છે. હિન્દી અને ઉર્દુ માધ્યમની શાળાઓમાં પણ ૮૦ ટકા લક્ષ્યાંક પૂર્ણ થયા છે. જયારે પ૦ કરતા વધુ શાળાઓમાં ધો.૧ માં નામાંકન માટે પ્રતીક્ષાયાદી તૈયાર કરવાની ફરજ પડી છે. મ્યુનિ.શાળામાં નવા એડમીશન (નામાંકન) ની સાથે સાથે ખાનગી શાળાઓમાંથી પણ ખૂબ જ મોટી સંખ્યામાં વિધાર્થીઓ આવી રહયા છે.

નવા શૈક્ષણિક વર્ષમાં ૧૦ જુન થી રપ જુન સુધી ખાનગી શાળાના ત્રણ હજાર વિધાર્થીઓએ મ્યુનિ. શાળામાં એડમીશન લીધા છે. ધો.૧માં ૧૭, ધો.રમાં ૪૯૦ ધો.૩ માં.પ૩૬, ધો.૪ માં પપ૪, ધો.પ માં પ૩૬, ધો.૬ માં ૪૭૦ ધો.૭માં ૩૮૮ તથા ધો.૮ માં ૧૯૩ વિધાર્થીઓ ખાનગીશાળામાંથી મ્યુનિ.શાળામાં ભણવા માટે આવ્યા છે.

ર૦૧૪-૧પથી ર૦૧૮-૧૯ સુધીના સમયગાળા દરમ્યાન ખાનગી શાળામાં ર૧૦૪ર વિધાર્થીઓ મ્યુનિ.શાળામાં આવ્યા છે. જેમાં ૧૧ર૧૭ વિધાર્થી તથા ૯૮રપ વિધાર્થીનીઓ છે. ર૦૧૪-૧પના શૈક્ષણીક વર્ષમાં ૩૬ર૦, ર૦૧પ-૧૬માં ૪૪૯૮,ર૦૧૬-૧૭ માં ૪૯૪૬,ર૦૧૭-૧૮ાં ૪૬૮૭ તથા ર૦૧૮-૧૯ માં ૩ર૯૧ વિધાર્થીઓ ખાનગીશાળામાંથી આવ્યા હતા. જેમાં ધો.રમાં ર૮૬૮, ધો.૩માં ૩૪૧૧,ધો.૪ માં ૩૭૬૦, ધો.પમાં ૩૩૦૩, ધો.૬માં ૩૪પ૭, ધો.૭માં ર૬૧પ અને ધો.૮માં ૧૬ર૮ વિધાર્થીઓનો સમાવેશ થાય છે.

ખાનગી શાળાઓમાંથી વિધાર્થીઓ મ્યુનિ.શાળામાં પ્રવેશ લઈ રહયા છે. તેના માટે સરકારની યોજનાઓ મુખ્ય કારણ છે. વિધાસુધી બોન્ડ, મફત પાઠયપુસ્તકો, મધ્યાહન ભોજન, જેવી વિવિધ યોજનાના લાભ વિધાર્થીઓને આપવામાં આવી રહયા છે. તદ્દઉપરાંત મ્યુનિ.શાળાઓમાં વધી રહેલી સુવિધાઓ આધુનિક પ્રયોગશાળા કોમ્પ્યુટર લેબ,રમત ગમત ના પુરતા મેદાન, ૬૦ નવા બિલ્ડીંગ તથા ખાનગીશાળાની તોતિંગ ફી ના કારણે વાલીઓ અને વિધાર્થીઓ મ્યુનિ.શાળાઓ તરફ આવી રહયા છે.

મ્યુનિ. સ્કુલ બોર્ડ દ્વારા ટુંક સમયમાં દસ હાઈટેક શાળાઓ શરૂ કરવામાં આવશે. જેના માટે સર્વે થઈ રહયો છે. હાઈટેક શાળાઓ માટે રૂ.૧૦૦ કરોડની ફાળવણી કરવામાં આવી છે. પ્રત્યેક શાળા દીઠ રૂ. દસ કરોડનો ખર્ચ કરવામાં આવશે. હાઈટેક શાળાઓ અંગ્રેજી અને ગુજરાતી માધ્યમની રહેશે. શહેરના વટવા, લાંભા બાપુનગર, અસારવા, વટવા, વસ્ત્રાપુર તથા નિકોલ વિસ્તારમાં હાઈટેક શાળા શરૂ કરવા માટે આયોજન કરવામાં આવ્યું છે તેમ શાસનાધિકારીએ વધુમાં જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.