Western Times News

Gujarati News

પાન મસાલાના મોટા વેપારીના ધંધાના સ્થળે EDના દરોડા, જુહાપુરા અને દાણીલીમડામાં તપાસ

પ્રતિકાત્મક

હવાલા કેસમાં તપાસનો ધમધમાટ, પૂરતા બંદોબસ્ત સાથે ટીમો ત્રાટકી

(એજન્સી)અમદાવાદ, વર્ષ ર૦ર૬ની શરૂઆતથી જ અમદાવાદમાં ઈડીના દરોડા વધી ગયા છે. ૪૦ દિવસમાં અમદાવાદમાં ઈડીના પાંચમી વખત દરોડા પડયા છે. અમદાવાદના પાન મસાલાના મોટા વેપારીના જુહાપુરા અને દાણીલીમડામાં આવેલી ત્રણ પ્રિમાઈસિસ પર ઈડીની ટીમે દરોડા પાડી હવાલાની વિગતો એકત્રિત કરી છે.

મોટી સંખ્યામાં આવેલા અધિકારીઓ પૂરતા પોલીસ બંદોબસ્ત સાથે દરોડા પાડી હવાલા સંબંધિત તપાસ કરી હતી. બેન્ક એકાઉન્ટ અને મિલકતોની પણ ખરાઈ કરવામાં આવી છે. અધિકારીઓએ કોઈ મિલકતો ટાંચમાં લીધી કે બેન્ક એકાઉન્ટ ફ્રિઝ કર્યા છે કે કેમ તેની વિગતો જાણી શકાઈ નથી. ભૂતકાળમાં કરોડો રૂપિયાના હવાલા અંગે શરૂ થયેલી તપાસમાં ઈડીના અધિકારઓ તપાસ કરી રહ્યા છે.

અમદાવાદના પાન મસાલાના મોટા વેપારી અને ભૂતકાળમાં પાન મસાલાનું ઉત્પાદન પણ કરતાં ગ્રુપના જુહાપુરા અને દાણીલીમડામાં આવેલી ઓફિસ અને નિવાસસ્થાન પર સોમવારે ઈડીના અધિકારીઓ પૂરતા પોલીસ બંદોબસ્ત સાથે ત્રાટકતા હતા. હાલમાં જે પાન મસાલા બજારમાં ધૂમ મચાવી રહ્યા છે તેના કરતા મોટા વેપારી ગ્રુપ દ્વારા ઘણા સમય પહેલાં પ્રોડકશનના યુનિટ વેચી દીધા હોવાનું પણ જાણવા મળ્યું છે.

જો કે, તેમણે ભૂતકાળમાં આચરેલી નાણાંકીય ગેરરીતિઓ અને વિદેશમાં પડેલા કરોડોના હવાલા અંગે તે સમયે ફરિયાદ નોંધવામાં આવી હતી જેની તપાસ હવે ઈડીની ટીમ કરી રહી છે.

આ તપાસના અનુસંધાનમાં અધિકારીઓએ દરોડા પાડી તપાસ કરી હતી. પાનમસાલાના વેપારીના ઘરમાં મળી આવેલા દસ્તાવેજોની ખરાઈ કરવામાં આવી રહી છે. હાલ કોઈ રોકડ જપ્ત કરવામાં આવી હોવા કે બેન્ક એકાઉન્ટ ફ્રિઝ કરવામાં આવ્યા હોવા અથવા કોઈ મિલકતો ટાંચમાં લેવામાં આવી હોવાની માહિતી મળી નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.