Western Times News

Gujarati News

રાજકોટ- વેરાવળ વચ્ચે વધારાની બે લોકલ અને બે ડેમુ ટ્રેન દોડાવવા માંગણી

File Photo

સાંજની રાજકોટ- વેરાવળ ટ્રેન નિયમિત રીતે અનિયમિત

માળિયા હાટીના, રાજકોટ- વેરાવળ વચ્ચે બીજી વધારાની બે પેસેન્જર ટ્રેન તેમજ ર ડેમુ ટ્રેન શરૂ કરવા માગણી થઈ છે. હાલ રાજકોટથી સાંજે ૬ઃરપ મિનિટે ઉપડતી રાજકોટ- વેરાવળ લોકલ પેસેન્જર ટ્રેન છેલ્લા ઘણા મહિનાથી નિયમિત રીતે અનિયમિત ચાલતા મુસાફરો ત્રાહિમામ પોકારી ગયા છે.

આ ટ્રેન રાજકોટથી તો નિયમિત તેના સમય પ્રમાણે ૬ઃરપ મિનિટે ઉપડી જાય છે પરંતુ ગોંડલ, વિરપુર આસપાસ આ ટ્રેન છેલ્લા ર થી ૩ મહિનાથી અનિયમિત ચાલે છે. જૂનાગઢ પહોંચવાનો સમય સાંજે ૮.૧પ આસપાસનો અને માળિયા હાટીના પહોંચવાનો સમય ૯.૩૦ આસપાસનો છે પરંતુ છેલ્લા ર થી ૩ મહિનાથી આ ટ્રેન જૂનાગઢ અને માળિયાહાટીના પોણી કલાક મોડી આવે છે જેના કારણે દરરોજ અપડાઉન કરતા સેકડો મુસાફરો, રાજકોટ હોસ્પિટલ કામે જતા અનેક ગામડાના સેકડો દર્દીઓ હેરાન પરેશાન થાય છે.

આ બાબતે મુસાફરોએ અનેક વખત રેલવેના ઉચ્ચ અધિકારીઓને રજુઆતો કરી છે. છતાં પગલાં લેવાતા નથી. આ ટ્રેનમાં કોચ પણ ઓછા હોય છે, જેના કારણે ભારે ટ્રાફિક જોવા મળે છે. આ ટ્રેનમાં ચાર કોચ વધારવા મુસાફરોની માંગણી છે.

રાજકોટ- વેરાવળ પેસેન્જર ટ્રેન અને વેરાવળથી ઉપડતી વેરાવળ- અમદાવાદ ટ્રેનનું દરરોજ ચોરવાડ રોડ રેલવે સ્ટેશનમાં ક્રોસિંગ થાય છે. રાજકોટ- વેરાવળ પેસેન્જર ટ્રેન દરરોજ મોડી આવવાથી માળિયાહાટીના રેલવે સ્ટેશને ક્રોસિંગ કરવામાં આવે છે.

નિયમ પ્રમાણે રાજકોટ- વેરાવળ ટ્રેન માળિયા હાટીનામાં પ્રથમ પ્લેટફોર્મ ઉપર ઉભી રહે છે પરંતુ દરરોજ મોડી આવવાથી પ્લેટફોર્મ નંબર બે ઉપર ઉભી રાખવામાં આવે છે જેના કારણે સેંકડો મુસાફરોને ચડવા ઉતરવામાં તકલીફ પડે છે. આ ટ્રેનને પ્લેટફોર્મ નંબર એક ઉપર જ ઉભી રાખવા ઉગ્ર માંગણી છે.

આ ઉપરાંત અનેક પર્યટન અને તીર્થસ્થાનો જૂનાગઢ જિલ્લામા ંઆવેલા હોવાથી રાજકોટ- વેરાવળ અને વેરાવળ- રાજકોટ વચ્ચે વધારાની બે પેસેન્જર ટ્રેન તેમજ બે ડેમુ ટ્રેન દોડાવવા માંગણી છે ઉપરાંત માળિયા હાટીના રેલવે સ્ટેશનને અમૃત ભારત સ્ટેશન બનાવવા તેમજ તમામ ટ્રેનનો સ્ટોપ આપવા આ વિસ્તારના લોકોની માગણી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.