ઈરાનના નેતા ખામેનીનું નિધન બાદ કર્ણાટકના આ ગામમાં ૩ દિવસનો શોક જાહેર
ચિક્કાબલ્લાપુર (કર્ણાટક): ઈરાનના સર્વોચ્ચ ધાર્મિક નેતા આયાતોલ્લાહ અલી ખામેનીના નિધનના સમાચાર સામે આવતા જ ભારતભરના શિયા સમુદાયમાં શોકની લહેર દોડી ગઈ છે. ખાસ કરીને કર્ણાટકના ચિક્કાબલ્લાપુર જિલ્લામાં આવેલા અલીપુરા ગામમાં ગાઢ શોકનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. અલીપુરામાં રહેતા શિયા મુસ્લિમ સમુદાય દ્વારા ખામેનીના માનમાં ૩ દિવસનો સત્તાવાર શોક જાહેર કરવામાં આવ્યો છે.
અલીપુરામાં તમામ વ્યવહારો બંધ: અલીપુરા એ દક્ષિણ ભારતનું એક મહત્વનું શિયા કેન્દ્ર માનવામાં આવે છે. ખામેનીના નિધનને પગલે ગામના લોકોએ સ્વયંભૂ રીતે બજારો બંધ રાખી છે. આગામી ત્રણ દિવસ સુધી ગામમાં કોઈ પણ પ્રકારના ઉત્સવો કે જાહેર કાર્યક્રમો યોજાશે નહીં. સ્થાનિક મસ્જિદો અને ઈમામબારાઓમાં વિશેષ પ્રાર્થના સભાઓનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં લોકો એકઠા થઈને ઈરાનના નેતાને શ્રદ્ધાંજલિ અર્પી રહ્યા છે.
ભારે સુરક્ષા વ્યવસ્થા: આ સમાચાર મળતા જ ચિક્કાબલ્લાપુર પોલીસ તંત્ર પણ સાબદું બન્યું છે. અલીપુરા અને તેની આસપાસના વિસ્તારોમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. વરિષ્ઠ અધિકારીઓ પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે.
કોણ હતા અલી ખામેની? આયાતોલ્લાહ અલી ખામેની ૧૯૮૯ થી ઈરાનના સર્વોચ્ચ નેતા તરીકે જવાબદારી સંભાળતા હતા. તેઓ ઈસ્લામિક ક્રાંતિના પ્રણેતા આયાતોલ્લાહ ખોમેની બાદ બીજા સર્વોચ્ચ નેતા હતા. તેમના નિધનથી મધ્ય પૂર્વના રાજકારણમાં અને સમગ્ર ઈસ્લામિક વિશ્વમાં એક યુગનો અંત આવ્યો છે. ભારત સાથેના ઈરાનના સંબંધો મજબૂત બનાવવામાં પણ તેમની ભૂમિકા મહત્વની રહી હતી.
