રૂ. ૧૫૦ કરોડના ખર્ચે બનેલા સરદાર ધામમાં 2000 છાત્રોને સ્પર્ધાત્મક પરીક્ષાની તાલીમ અપાશે
વડોદરા, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ વૈશ્વિક પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાને રાખી દેશને દિશાદર્શન કરતા જણાવ્યું છે કે, પ્રવર્તમાન સમયમાં વિદેશી મુદ્રા ઉપર ભારણ પડે તેવી પ્રવૃત્તિ ઘટાડવી પડશે. દેશની આર્થિક મજબૂતી માટે સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપવાની અપીલ કરતાં વડાપ્રધાનશ્રીએ ‘વોકલ ફોર લોકલ’ને જનઆંદોલન બનાવવાની જરૂરિયાત વ્યક્ત કરી હતી.
વડોદરા ખાતે સરદાર ધામ – ૩ના લોકાર્પણ પ્રસંગે ઉક્ત પરિપ્રેક્ષમાં વડાપ્રધાનશ્રી મોદીએ ઉમેર્યું કે, વૈશ્વિક સ્તરે છેલ્લા કેટલાક વર્ષોમાં ઊભી થયેલી અસ્થિર પરિસ્થિતિઓ, જેમાં કોરોના મહામારી, વૈશ્વિક આર્થિક પડકારો તથા પશ્ચિમ એશિયામાં વધતા સંઘર્ષના પરિણામે ઊભી થયેલી પરિસ્થિતિઓનો સમગ્ર વિશ્વ પર વ્યાપક પ્રભાવ જોવા મળી રહ્યો છે.
વર્તમાન સંજોગોમાં દેશના સામાન્ય નાગરિકો પર ઓછામાં ઓછો બોજ પડે તે માટે સરકાર સતત પ્રયાસરત છે. આ સંદર્ભે નાગરિકોની સક્રિય જનભાગીદારી અને જવાબદાર અભિગમ સમયની માંગ હોવાનું તેમણે જણાવ્યું હતું.
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ, નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષભાઇ સંઘવી સહિતના મહાનુભાવોએ અહી વાઘોડિયા ચોકડી પાસે પાટીદાર સમાજ દ્વારા નિર્મિત રાજ્યના ત્રીજા સરદાર ધામનું લોકાર્પણ કરી તેનું નિરીક્ષણ કર્યું હતું. ૧૫૦ કરોડના ખર્ચે બનેલા સરદાર ધામમાં બે હજાર છાત્ર-છાત્રોને સ્પર્ધાત્મક પરીક્ષાની તાલીમ અપાશે. તેમણે ત્યાં સરદાર સાહેબની પ્રતિમાને વંદન પણ કર્યા હતા.
દેશના સંસાધનો પર પડતા વધારાના ભારણને ઘટાડવા માટે નાગરિકોને ઈંધણના સંયમિત અને કરકસરપૂર્ણ ઉપયોગ માટે અપીલ કરતા શ્રી મોદીએ જણાવ્યું કે, પેટ્રોલ અને ડીઝલના વપરાશમાં શક્ય તેટલો ઘટાડો કરવો જોઇએ. મેટ્રો, ઇલેક્ટ્રિક બસ અને જાહેર પરિવહનનો વધુ ઉપયોગ કરવા, કારપૂલિંગને પ્રોત્સાહન આપવા તેમજ સરકારી અને ખાનગી ક્ષેત્રે વર્ચ્યુઅલ મિટિંગ્સ અને વર્ક ફ્રોમ હોમને પ્રાધાન્ય આપવું જોઈએ. તેમણે શૈક્ષણિક સંસ્થાઓને પણ જરૂરી હોય ત્યાં સમયબદ્ધ ઓનલાઈન શિક્ષણ વ્યવસ્થા અંગે વિચારણા કરવા સૂચવ્યું હતું.
દેશની વિદેશી મુદ્રાનો મોટો હિસ્સો ક્રૂડ ઓઇલ અને ખાદ્ય તેલની આયાત પાછળ ખર્ચાતો હોવાને ધ્યાનમાં રાખીને ખાદ્ય તેલના વપરાશમાં સંયમ રાખવા અને સ્વસ્થ જીવનશૈલી અપનાવવાની શીખ આપતા તેમણે જણાવ્યું કે, સોનાની આયાત પાછળ થતા મોટા ખર્ચને ધ્યાનમાં રાખીને હાલની પરિસ્થિતિ સામાન્ય ન બને ત્યાં સુધી સોનાની ખરીદી ટાળવી જોઇએ. ‘વોકલ ફોર લોકલ’ અભિયાનને જનઆંદોલનનું સ્વરૂપ આપવા, સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા તથા દેશના ઉદ્યોગકારોને મજબૂત બનાવવા પણ તેમણે ભાર મૂક્યો હતો.
કૃષિ ક્ષેત્રમાં સ્વદેશી અને ટકાઉ પદ્ધતિઓ અપનાવવાની જરૂરિયાત ઉપર ભાર મૂકતાં કુદરતી ખેતીને પ્રોત્સાહન આપવા, રાસાયણિક ખાતરો ઉપરની નિર્ભરતા ઘટાડવા તેમજ ડીઝલ પંપના સ્થાને સોલાર પંપનો ઉપયોગ વધારવા તેમણે અનુરોધ કર્યો હતો.
દેશની વિદેશી મુદ્રાની બચત અને સ્થાનિક અર્થતંત્રને મજબૂત બનાવવા માટે દેશની અંદર પ્રવાસનને પ્રોત્સાહન આપવાની જરૂરિયાતની હિમાયત કરતા વડાપ્રધાનશ્રીએ કહ્યું કે, ઉનાળાની રજાઓ દરમિયાન વિદેશ પ્રવાસને બદલે દેશના ઐતિહાસિક અને સાંસ્કૃતિક સ્થળોની મુલાકાત લેવી જોઇએ, ‘ડેસ્ટિનેશન વેડિંગ’ માટે ભારતના સ્થળોને પ્રાથમિકતા આપવા તથા ગુજરાતના એકતા નગર ખાતે આવેલ સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિતના પર્યટન કેન્દ્રોમાં આવા સમારોહ યોજવા જોઇએ. સાથે જ વિદેશમાં વસતા ભારતીયોને પણ વિદેશી નાગરિકોને ભારતના પર્યટન સ્થળોની મુલાકાત માટે પ્રોત્સાહિત કરવા જોઇએ.
વડોદરા ખાતે સરદારધામ–૩નું લોકાર્પણ કરતાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું હતું કે આજનો દિવસ પુણ્યપર્વ સમાન છે. સોમનાથ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના ૭૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે પ્રભાસ પાટણ ખાતે સોમનાથ અમૃત મહોત્સવની ઉજવણી થઈ રહી છે, ત્યારે સરદાર પટેલના સંકલ્પોથી પ્રેરિત સરદારધામ સાથે જોડાયેલા મહત્વપૂર્ણ પ્રોજેક્ટોના લોકાર્પણ અને શિલાન્યાસ થવો વિશેષ મહત્વ ધરાવે છે. તેમણે ડૉ. દુષ્યંત અને દક્ષા પટેલ કોમ્પ્લેક્સના લોકાર્પણ, શિક્ષણ સહાય યોજના અને નવી યોજનાઓના ભૂમિપૂજનને રાષ્ટ્ર નિર્માણના અસરકારક પ્રકલ્પો ગણાવ્યા હતા.
વડાપ્રધાનશ્રીએ સરદારધામ દ્વારા શિક્ષણ અને યુવાનોના સર્વાંગી વિકાસ માટે કરવામાં આવતાં પ્રયાસોની પ્રશંસા કરતાં જણાવ્યું હતું કે આવા સંસ્થાનો યુવાનોના ભવિષ્ય માટે ‘લૉન્ચિંગ પેડ’ સમાન સાબિત થશે. તેમણે આ કાર્ય માટે સમાજના તમામ આગેવાનો અને સભ્યોને અભિનંદન પાઠવ્યા હતા.
પ્રધાનમંત્રીશ્રીએ તાજેતરના પશ્ચિમ બંગાળ, આસામ અને પુડુચેરીના ચૂંટણી પરિણામો તેમજ ગુજરાતની સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓ અને પંચાયત ચૂંટણીમાં પ્રાપ્ત સફળતાનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે ગુજરાતના લોકોએ હંમેશા રાજકીય સ્થિરતાને પ્રાધાન્ય આપ્યું છે. રાજકીય સ્થિરતા અર્થતંત્રના વિકાસને ગતિ આપે છે અને ગુજરાતે આ દૃષ્ટિ બહુ પહેલાં અપનાવી હોવાનું તેમણે જણાવ્યું હતું.
તેમણે જણાવ્યું હતું કે સમાજમાં સ્થાયી અને વ્યાપક પરિવર્તન સામૂહિક શક્તિથી જ શક્ય બને છે. ખાસ કરીને શિક્ષણને પ્રાથમિકતા આપનારા સમાજોએ સતત પ્રગતિ કરી છે. સરદારધામના પ્રયાસોને બિરદાવતાં તેમણે જણાવ્યું હતું કે અમદાવાદ, સુરત, રાજકોટ, ભૂજ, મહેસાણા અને દિલ્હી સહિતના કેન્દ્રો યુવાનોના ભવિષ્ય ઘડવામાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. અમદાવાદ ખાતે કન્યાઓ માટે નવા વિદ્યાર્થી નિવાસના ભૂમિપૂજનનો પણ તેમણે ઉલ્લેખ કર્યો હતો.
શિક્ષણ ક્ષેત્રમાં સરકારના સુધારાત્મક પ્રયાસોની ચર્ચા કરતાં વડાપ્રધાનશ્રીએ રાષ્ટ્રીય શિક્ષણ નીતિને મહત્વપૂર્ણ ગણાવી હતી. ભાષાના આધારે થતા ભેદભાવને દૂર કરવા, કૌશલ્ય વિકાસ, નવીનતા, સંશોધન અને એપ્રેન્ટિસશિપના અવસરોથી યુવાનોને વધુ સક્ષમ બનાવવામાં આવી રહ્યા હોવાનું તેમણે જણાવ્યું હતું. આવનારા સમયમાં દેશને વિશાળ કુશળ માનવશક્તિ મળશે જે મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રને વધુ મજબૂત બનાવશે તેમ તેમણે ઉમેર્યું હતું.
ગુજરાતના યુવાનોમાં રહેલી ઉદ્યોગસાહસિક શક્તિની પ્રશંસા કરતાં વડાપ્રધાનશ્રીએ જણાવ્યું હતું કે સ્ટાર્ટઅપ ઈન્ડિયા અભિયાનથી નાના શહેરોના યુવાનો પણ ઉદ્યોગસાહસિક બની રહ્યા છે. મહિલાઓની ભાગીદારીમાં સતત વધારો થઈ રહ્યો છે અને રમતગમતથી લઈને સ્પેસ ટેકનોલોજી સુધી દેશની સિદ્ધિઓ યુવા શક્તિનું પ્રતિબિંબ હોવાનું તેમણે જણાવ્યું હતું.
વડાપ્રધાનશ્રીએ ગુજરાતના ભવિષ્યમુખી વિકાસ મોડલનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે સેમિકન્ડક્ટર, એરોસ્પેસ, ગ્રીન એનર્જી, એડવાન્સ એન્જિનિયરિંગ અને ફાઈનાન્સિયલ સર્વિસિસ જેવા ક્ષેત્રોમાં ગુજરાત નવી ઓળખ ઊભી કરી રહ્યું છે. સાણંદ, ધોલેરા અને સુરતમાં સેમિકન્ડક્ટર પ્રોજેક્ટ્સ આગળ વધી રહ્યા છે ત્યારે વડોદરા મેન્યુફેક્ચરિંગ અને પરિવહન ક્ષેત્રે મહત્વપૂર્ણ કેન્દ્ર તરીકે ઉભરી રહ્યું હોવાનું તેમણે જણાવ્યું હતું.
વડોદરાના ઔદ્યોગિક વિકાસની વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે અહીં નિર્મિત મેટ્રો કોચીસ વિદેશોમાં નિકાસ થઈ રહી છે, જ્યારે સાવલી ખાતે આધુનિક રેલ કોચીસનું ઉત્પાદન થઈ રહ્યું છે. એન્જિનિયરિંગ, કેમિકલ, ફાર્મા, હેવી મશીનરી અને પાવર ઇક્વિપમેન્ટ જેવા ક્ષેત્રોમાં વડોદરા મજબૂત ઉત્પાદન કેન્દ્ર બન્યું હોવાનું તેમણે જણાવ્યું હતું. ગતિશક્તિ યુનિવર્સિટી પરિવહન અને લોજિસ્ટિક્સ ક્ષેત્ર માટે કુશળ માનવબળ તૈયાર કરી રહી હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.
પાટીદાર રત્ન ગૌરવ એવોર્ડના પ્રતિભાવમાં વડાપ્રધાનશ્રી મોદીએ કહ્યું કે, ઘર આંગણે જ અને પરિવારના લોકો દ્વારા સન્માન થવું એ આનંદદાયક છે. આ એવોર્ડ બાદ મારી જવાબદારી વધુ બની જાય છે. સરદાર સાહેબના અધુરા સ્વપ્નને સાકાર કરવાની જવાબદારી મારા ઉપર આવી છે અને હું તેને નીભાવી રહ્યો છું. સૌને ખબર છે કે, હું એક વખત નિશ્ચય કરૂ છું તો ફરી પાછો વળતો નથી.
શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, સરદાર સાહેબના સપનાના ભારતના નિર્માણ માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી સંકલ્પબદ્ધ છે. તેમણે કહ્યું કે, ભારતને એક કરવાના સરદાર સાહેબના સંકલ્પને કલમ ૩૭૦ દૂર કરી વડાપ્રધાનશ્રીએ સિદ્ધ કર્યો છે.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, સરદાર સાહેબની 150મી જન્મજયંતિની રાષ્ટ્રીય ઉજવણી તથા વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ના નિર્માણ જેવા કાર્યો સરદાર સાહેબ પ્રત્યેના સમર્પણના પ્રતીક છે. આ અવસરે વડાપ્રધાનશ્રીને ‘સરદાર ગૌરવ રત્ન એવોર્ડ’થી સન્માનિત કરવાની ઘટના યથાર્ય હોવાનું તેમણે ગૌરવ સાથે જણાવ્યું હતું.
સરદારધામ મિશન–2026 અંતર્ગત સમાજ દ્વારા હાથ ધરાયેલા પાંચ સંકલ્પોને સાકાર કરવાની દિશામાં આ સંકુલ મહત્વપૂર્ણ સાબિત થશે. સાથે જ, તમામ સમાજના તેજસ્વી અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ માટે રૂ. 500 કરોડની ‘સરદારધામ વિદ્યા સહાય યોજના’ શરૂ કરાઈ છે, જે શિક્ષણક્ષેત્રે નોંધપાત્ર પહેલ છે. ગામડાંના વિદ્યાર્થીઓને શિક્ષણ અને રહેઠાણ જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવી સમાજ નિર્માણ થકી રાષ્ટ્ર નિર્માણના ધ્યેયને મજબૂત બનાવવાનો પ્રયાસ સરદારધામ કરી રહ્યું હોવાનું તેમણે જણાવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રીના આત્મનિર્ભર અને વિકસિત ભારત–2047ના સંકલ્પને સાકાર કરવામાં ગુજરાત અગ્રીમ ભૂમિકા ભજવશે. સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણના માર્ગે આગળ વધીને વિકસિત ગુજરાતના નિર્માણ માટે સૌ સાથે મળીને કાર્ય કરશે એવો વિશ્વાસ વ્યક્ત કરીને તેમણે કાર્યક્રમને સફળ બનાવવા બદલ સરદારધામ પરિવાર તથા દાતાશ્રીઓને અભિનંદન પાઠવ્યા હતા.
મુખ્યમંત્રીશ્રીએ પાટીદાર સમાજના યોગદાનને બિરદાવતાં જણાવ્યું હતું કે, વિશ્વના કોઈપણ ખૂણે વસેલો પાટીદાર સમાજ ગુજરાતની ઓળખ અને ખમીરને ગૌરવ અપાવતો સમાજ છે. ખેતી, ઉદ્યોગ, વેપાર, શિક્ષણથી લઈને લોકશાહી સંસ્થાઓ સુધી સમાજનું નોંધપાત્ર યોગદાન રહ્યું છે. તેમણે ઉમેર્યું હતું કે, સરદારધામ જેવી સંસ્થાઓ સમાજશક્તિના માધ્યમથી શિક્ષણ અને સંસ્કારનું કાર્ય કરી રાષ્ટ્ર નિર્માણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, સમગ્ર દેશ અને વિશ્વમાં લોકપ્રિય નેતૃત્વ ધરાવતા વડાપ્રધાનશ્રી ગુજરાતની વિકાસયાત્રાને નવી ઊંચાઈઓ તરફ દોરી રહ્યા છે. તેમણે પશ્ચિમ બંગાળ સહિત વિવિધ રાજ્યોમાં વિકાસલક્ષી રાજનીતિને મળેલા લોકસમર્થનનો ઉલ્લેખ કરીને વડાપ્રધાનશ્રીનું ઉષ્માભર્યું સ્વાગત અને અભિનંદન પાઠવ્યા હતા.
સરદાર ધામના ટ્રસ્ટી શ્રી ગગજીભાઇ સુતરિયાએ સ્વાગત પ્રવચનમાં સરકાર અને સામાજિક સંસ્થાઓ એક સિક્કાની બે બાજુ હોવાનું જણાવી વડાપ્રધાનશ્રીના વિકસિત ભારતના સ્વપ્નમાં સરદાર ધામ યોગદાન આપવા કટિબદ્ધ હોવાનું કહ્યું હતું. જાણીતા ઉદ્યોગપતિ શ્રી પંકજ પટેલે પ્રાસંગિક પ્રવચન કર્યું હતું.
આ વેળાએ કેન્દ્રીય મંત્રીશ્રી મનસુખભાઇ માંડવીયા, પ્રદેશ પ્રમુખ શ્રી જગદીશભાઇ વિશ્વકર્મા, નાણાં મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ સહિત ગુજરાત સરકારના વિવિધ મંત્રીશ્રીઓ શ્રી ઋષિકેશભાઈ, શ્રી જીતુભાઇ વાઘણી, શ્રી પ્રફુલભાઇ પાનશેરિયા, શ્રી કમલેશ પટેલ, શ્રી કૌશિકભાઈ વેકરિયા, વિવિધ સાંસદ સભ્યશ્રીઓ, અગ્રણીઓશ્રી નરહરિ અમીન, શ્રી ગોરધનભાઈ ઝડપીયા, શ્રી ભરતભાઈ બોઘરા, વિવિધ પદ્મશ્રીઓ અને પદ્મ વિભૂષણો, સરદારધામના ચેરમેન શ્રી ગગજીભાઈ સુતરીયા, વિવિધ દાતાશ્રીઓ સહિત વડોદરાવાસીઓની જનમેદની વિશેષ ઉપસ્થિતિ રહી હતી.
