હોસ્પિટલ બહાર બૂમો પાડતા પાપારાઝીઓ પર સલમાન નારાજ
તમારું કોઈ સ્વજન બીમાર હોય તો આમ વર્તશો?
સલમાન ખાનનો પાપરાઝીને મગજ વિનાના કહેતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ
મુંબઈ,સલમાન ખાન છેલ્લા થોડા દિવસોથી ખૂબ જ ગુસ્સામાં છે. તેના સોશિયલ મીડિયા પરથી સલમાનના સતત બદલાતા મૂડની ઝલક મળી રહી છે. તેણે પોતાનો ગુસ્સો દબાવી રાખ્યો નથી. મુંબઈની એક હોસ્પિટલ બહાર પાપારાઝી સાથે થયેલી એક અયોગ્ય ઘટના પછી જાણે સલમાનનો ગુસ્સો ફાટી નીકળ્યો હોય એવું લાગતું હતું. બુધવારે વહેલી સવારે સલમાને ઇન્સ્ટાગ્રામ પર ચાર સેલ્ફી પોસ્ટ્સ શેર કરી અને મીડિયા માટે સ્પષ્ટ ચેતવણી પણ આપી હતી. મંગળવારે રાત્રે સલમાન ખાન મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં કોઈ વ્યક્તિને મળવા માટે ખાનગી મુલાકાતે ગયો હતો.
તેની બહારના વાયરલ વીડિયો અનુસાર, ફોટોગ્રાફર્સે પહેલાં તેની કારને ટ્રાફિક સિગ્નલ પર જોઈ અને ત્યારબાદ હોસ્પિટલ સુધી તેનો પીછો કર્યાે.જ્યારે સલમાન હોસ્પિટલમાંથી બહાર નીકળ્યો, ત્યારે પાપારાઝીએ પ્રવેશદ્વારને ઘેરી લીધો અને જોરજોરથી ‘ભાઈ, ભાઈ’ તેમજ તેની આગામી ફિલ્મ માતૃભૂમિનું નામ બોલવાનું શરૂ કર્યું. સ્થળ પરના હોબાળાથી નારાજ સલમાને ગુસ્સામાં પૂછ્યું, “પાગલ હો ક્યા?” (શું તમે પાગલ છો?). ત્યારબાદ ફોટોગ્રાફર્સે તરત જ માફી માગી. પોતે હોસ્પિટલમાં કોઈની ખબર અંતર પૂછવાના વ્યક્તિગત કામ માટે ગયો હતો એ સ્થિતિની ગંભીરતા જોતા એણે એ વખતે કોઈ ફોટા નહીં ખેંચાવવાનું મુનાસિબ માન્યું હતું અને એટલે જ ફોટોગ્રાફરે ફોટા પાડવા દેવાનું કહ્યું ત્યારે સલમાનનો ગુસ્સો ભભૂકી ઉઠ્યો હતો.
જેને બાદમાં સલમાન સોશિયલ મીડિયા પર પોતાનો આક્રોશ ઠાલવીને વ્યક્ત કર્યાે હતો.સલમાને પોતાના સોશિયલ મીડિયા પર નિશાન સાધતી ચાર પોસ્ટ્સ શેર કરી. પોતાની પ્રથમ પોસ્ટમાં તેણે પ્રેસ માટેના પોતાના લાંબા સમયના સમર્થનની યાદ અપાવી અને લખ્યું, “મીડિયાને મેં હંમેશા સપોર્ટ કર્યાે, સાથે વાતચીત કરી, તેમનું ધ્યાન રાખ્યું અને કાળજી રાખી કે તેઓ પણ પોતાની રોજી-રોટી કમાઈ શકેપ”બીજી પોસ્ટમાં તેણે સવાલ કર્યાે, “પણ જો તેઓ મારી મુશ્કેલીઓમાંથી પૈસા કમાવવા માંગે છેપ તો શાંતિ રાખો, મજા ન લો. ભાઈ ભાઈ ભાઈ, ફોટો મહત્વનો છે કે જિંદગી?” પછી તેણે કડક ચેતવણી આપી. “આવા સમયે હું સો લોકોને સળગાવી દઈશ. ભાઈના દુઃખ પર હવે મારી સાથે અજમાવી જુઓ.
બસ એક વાર અજમાવી જુઓ. જ્યારે તમારામાંથી કોઈ હોસ્પિટલમાં હશે, ત્યારે શું હું આવું વર્તન કરીશ?”પોતાની મોડીરાતની પોસ્ટ્સ પુરી કરતા સલમાને લખ્યું, “હું સાઠ વર્ષનો થઈ ગયો છું, પણ લડવાનું ભુલ્યો નથી, એ યાદ રાખજો. જેલમાં નાખશો? હા હા હા.”સલમાન ખાનનો પાપરાઝીને મગજ વિનાના કહેતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા સલમાનના ચાહકો અને અન્ય વ્યૂઅર્સમાં ચકચાર મચી હતી. ઘણાએ તેને માટે જાતભાતની કોમેન્ટ્સ પણ લખી હતી.જો સલમાનની ફિલ્મની વાત કરવામાં આવે તો ચિત્રાંગદા સાથેની તેની માતૃભૂમિ અને વામશી પૈડીપલ્લીની નયનતારા સાથેની ફિલ્મમાં તે જોવા મળશે. આ ઘટનાના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા પછી સલમાનના ચાહકોએ સોશિયલ મીડિયા પર તેના આ ઉગ્ર પ્રતિસાદ અંગે પોતાના મત વ્યક્ત કર્યા હતા. એક યુઝરે લખ્યું, “શાંત ચહેરો પરંતુ ખતરનાક વાઇબ. મેગાસ્ટાર સલમાન ખાનનો એન્ગ્રી મોડ અલગ જ લેવલની સ્ક્રીન પ્રેઝન્સ આપે છે. એક નજર – બિલકુલ ડોમિનેશન.”
