એવરેસ્ટના ડેથ ઝોન ગણાતા એરિયામાં થાક અને ઓક્સિજનની કમીના કારણે બે ભારતીયોના મોત
એવરેસ્ટ પર તિરંગો લહેરાવીને પરત ફરતા બે ભારતીયોના મોત
(એજન્સી)નવી દિલ્હી, માઉન્ટ એવરેસ્ટના શિખર પર સફળતાપૂર્વક પગ મૂક્યા બાદ, નીચે ઉતરતી વખતે ભારતના બે પર્વતારોહકોના કરુણ મોત નીપજ્યા છે. નેપાળના તંત્રએ શુક્રવારે આ દુર્ઘટનાની સત્તાવાર પુષ્ટિ કરી છે.
મૃતક પર્વતારોહકોની ઓળખ અરુણ કુમાર તિવારી અને સંદીપ આરે તરીકે થઈ છે. બંનેએ દુનિયાના સૌથી ઊંચા શિખર પર તિરંગો તો લહેરાવ્યો, પરંતુ કમનસીબે ડેથ ઝોન ગણાતા એરિયામાં અતિશય થાક અને ઓક્સિજનની કમીના કારણે તેઓ સુરક્ષિત નીચે ઉતરી શક્્યા નહીં.
એક્સપિડિશન ઓપરેટર્સ એસોસિએશન ઓફ નેપાળના જનરલ સેક્રેટરી ઋષિ ભંડારીના જણાવ્યા અનુસાર, સંદીપ આરેએ બુધવારે એવરેસ્ટ સર કર્યું હતું, જ્યારે અરુણ કુમાર તિવારી ગુરુવારે સાંજે આશરે ૫.૩૦ વાગ્યે એવરેસ્ટની ટોચે પહોંચ્યા હતા. શિખર સર કર્યા બાદ બંને જ્યારે નીચે ઉતરી રહ્યા હતા ત્યારે તેમણે જીવ ગુમાવ્યો.
ગુરુવારે રિટર્ન જર્ની દરમિયાન સંદીપ આરે અત્યંત અશક્ત થઈ ગયા હતા. અનુભવી શેરપા ગાઇડ્સે રાતોરાત ઓપરેશન ચલાવીને તેમને એવરેસ્ટના પ્રખ્યાત બાલકની એરિયાથી નીચે સાઉથ કોલ સુધી લાવીને જીવ બચાવવાનો ભારે પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમણે દમ તોડી દીધો હતો.
બીજી તરફ, અરુણ તિવારી પણ બે અનુભવી શેરપાઓ સાથે નીચે ઉતરી રહ્યા હતા ત્યારે હિલેરી સ્ટેપ નજીક ભારે થાકનો ભોગ બન્યા હતા. ગાઇડ્સના વારંવારના રેસ્ક્્યૂ ઓપરેશન છતાં તેમને સુરક્ષિત બેઝ કેમ્પ તરફ લાવી શકાયા નહોતા અને રસ્તામાં જ તેમનું મોત નીપજ્યું હતું.
