અમદાવાદની સોદાગરી બ્લોક પ્રિન્ટ અને ખંભાતના અકીક સહિત મધ્ય ગુજરાતના GI ટેગ ઉત્પાદનોને આગામી VGRCમાં ઉજાગર થશે
PM મોદીના ‘વોકલ ફોર લોકલ’ પહેલ સાથે સંકલિત GI ટેગ ઉત્પાદનોને પ્રદર્શિત કરશે VGRC- મધ્ય ગુજરાત
જૂન મહિનાના અંતિમ સપ્તાહ દરમિયાન મઘ્ય ગુજરાત વિસ્તાર માટે વડોદરા ખાતે યોજાનારી આગામી વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC), વિસ્તારના ઔદ્યોગિક વિકાસને પ્રોત્સાહન આપવાની સાથે, આ પ્રદેશના હસ્તકલા ક્ષેત્રને પણ પ્રદર્શિત કરશે.
આ રીજનલ કોન્ફરન્સમાં મધ્ય ગુજરાતના એવા પરંપરાગત હસ્તકલા ઉત્પાદનોને વિશેષ સ્થાન મળવાની શક્યતા છે, જેઓને પહેલેથી જ ભૌગોલિક સંકેત (GI) ટેગ પ્રાપ્ત થયો છે અથવા GI ટેગ માટે નોંધણીની પ્રક્રિયામાં છે. GI ટેગ એ અધિકૃતતાનું એક સશક્ત પ્રમાણ છે, જે એવા ઉત્પાદનોને માન્યતા આપે છે, જેની વિશેષ પ્રતિષ્ઠા અને ગુણવત્તા તેના મૂળ સ્થાન સાથે જ જોડાયેલી હોય છે.
મધ્ય ગુજરાતનો સાંસ્કૃતિક વારસો અનેક અનોખી હસ્તકલાઓથી સમૃદ્ધ છે. તેમાં અમદાવાદ સોદાગરી બ્લોક પ્રિન્ટ, માતાની પછેડી, પિથોરા પેઇન્ટિંગ, પેથાપુર પ્રિન્ટિંગ બ્લોક્સ, ખંભાતના અકીક અને સંખેડા ફર્નિચર જેવા GI ટેગ ધરાવતા ઉત્પાદનોનો સમાવેશ થાય છે.

સોદાગરી બ્લોક પ્રિન્ટ, કે જે અમદાવાદના જમાલપુર વિસ્તારના કારીગરો દ્વારા પ્રેક્ટિસ કરવામાં આવતી સદીઓ જૂની હાથથી છાપેલા કાપડની ટેક્નિક છે, તેને વર્ષ 2024માં GI ટેગ મળ્યો હતો. ઉલ્લેખનીય છે કે, પેઢી દર પેઢી ચાલતી આવતી આ હસ્તકલા છીપા સમુદાય દ્વારા અપનાવવામાં આવે છે.
માતાની પછેડી, જે પરંપરાગત રીતે દેવીપૂજક સમુદાય દ્વારા તૈયાર કરવામાં આવે છે, તેને વર્ષ 2023માં GI ટેગ મળ્યો હતો. માતાની પછેડી એ કાપડ પર થતી પવિત્ર કારીગરી છે, જેમાં કાપડ પર દેવી-દેવતાઓનું ચિત્રકામ કરવામાં આવે છે. આ કળા અમદાવાદ અને ખેડા જિલ્લામાં વિશેષ પ્રચલિત છે.
પિથોરા પેઇન્ટિંગ એ રાઠવા, ભીલ અને ભીલાલા આદિવાસીઓ દ્વારા પ્રેક્ટિસ કરવામાં આવતી ધાર્મિક ભીંતચિત્રોની કળા છે, જે જીવંત રંગો અને સંરચનાઓ તેમજ ગહન પ્રતીકોને પ્રદર્શિત કરે છે. આ કળાને વર્ષ 2021માં GI ટેગ મળ્યો હતો. આ કળાનું પ્રચલન રાજ્યના છોટાઉદેપુર અને પંચમહાલ જિલ્લામાં જોવા મળે છે.

ગાંધીનગર જિલ્લાના પેથાપુર ગામમાં કારીગરો દ્વારા 300 વર્ષથી વધુ સમયથી કરવામાં આવતી પેથાપુર પ્રિન્ટિંગ બ્લોક્સની કારીગરી, તેની વિશિષ્ટ હસ્ત-કોતરણી તકનીકો માટે પ્રખ્યાત બની છે, અને તેને વર્ષ 2018માં GI ટેગ મળ્યો હતો.
ખંભાત (આણંદ)માં તૈયાર કરવામાં આવતા સેમિ-પ્રેશિયસ એટલે કે અર્ધ-કિંમતી રત્નો, જેમને ખંભાતના અકીક (Agates of Cambay) કહે છે, જે પહેલા ‘કેમ્બે‘ (Cambay) તરીકે ઓળખાતા હતા, તેમને વર્ષ 2008માં GI ટેગ આપવામાં આવ્યો હતો. અકીકની આ કારીગરી હડપ્પા સંસ્કૃતિના સમયની છે.
વડોદરાના સંખેડા શહેરમાં ખરાડી-સુથાર સમુદાય દ્વારા બનાવવામાં આવતું સંખેડા ફર્નિચર તેની કળાત્મક ડિઝાઇન અને પરંપરાગત મરૂન-સોનેરી રંગસજ્જા માટે વિશેષ ઓળખ ધરાવે છે. સાગના મજબૂત લાકડામાંથી બારીકાઈથી તૈયાર કરવામાં આવતા સંખેડા ફર્નિચરને પણ વર્ષ 2008માં GI ટેગ મળ્યો હતો.
આ ઉપરાંત, દાહોદમાં બીડ વર્ક (મણકાનું કામ) અને ખંભાતની પતંગ જેવા ઉત્પાદનો, જે હાલમાં GI નોંધણી પ્રક્રિયામાં છે, તે પણ VGRC મધ્ય ગુજરાતમાં પ્રદર્શિત થવાની સંભાવના છે.

માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના વિકાસ ભારત@2047 ના વિઝનને અનુરૂપ, આ અત્યાધુનિક ઉત્પાદનોને ‘વોકલ ફોર લોકલ‘ પહેલ દ્વારા પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. આ પરંપરાગત હસ્તકલાઓને વૈશ્વિક બજાર સાથે જોડવાના પ્રયાસો વધુ મજબૂત બન્યા છે. મધ્ય ગુજરાત પ્રદેશના વિવિધ GI ટેગવાળા ઉત્પાદનોને પ્રદર્શિત કરીને, વડોદરા ખાતે યોજાનારી આગામી VGRCપરંપરાગત કારીગરો અને ઉદ્યોગસાહસિકોને એક વૈશ્વિક મંચ પૂરો પાડશે, જેના થકી તેઓને સીધા આંતરરાષ્ટ્રીય બજારો સાથે જોડી શકાશે.
અગાઉ આયોજિત થયેલી વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સીસે પ્રાદેશિક અર્થતંત્રને વેગ આપવાની સાથે સ્થાનિક સંસ્કૃતિ અને પરંપરાઓને વૈશ્વિક ઓળખ અપાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.
વિવિધ MoUsની આપ-લે માટે એક મજબૂત મંચ પ્રદાન કરવા ઉપરાંત, આ રીજનલ કોન્ફરન્સમાં વેન્ડર ડેવલપમેન્ટ પ્રોગ્રામ્સ, રિવર્સ બાયર-સેલર મીટ્સ, વેપાર પ્રદર્શનો અને સેક્ટર-સ્પેસિફિક પેવેલિયન જેવા કાર્યક્રમો પણ યોજાશે. વધુમાં, આ કોન્ફરન્સમાં ઔદ્યોગિક પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન, MSMEs માટે એવોર્ડ્સ, અને સમર્પિત B2B અને B2G નેટવર્કિંગ સત્રો પણ આયોજિત થશે. ઉપરાંત, આ કાર્યક્રમમાં ઉદ્યમી મેળા, ઔદ્યોગિક અને પ્રવાસન સ્થળોની મુલાકાતો અને વૈશ્વિક ડાયસ્પોરા સાથે સંકળાયેલા આંતરરાષ્ટ્રીય ભાગીદારી કરારોનો પણ સમાવેશ થાય છે.
સ્થાનિક ઉદ્યોગસાહસિકોને વૈશ્વિક રોકાણકારો સાથે જોડીને અને સમૃદ્ધ વારસા અને સંસ્કૃતિ તેમજ નવીનતાનું પ્રદર્શન કરીને, વડોદરા ખાતે યોજાનારી આગામી VGRC મધ્ય ગુજરાત ક્ષેત્રને એક્સપ્લોર કરવા માટે સમગ્ર વિશ્વને આમંત્રિત કરશે.
