Western Times News

Gujarati News

7 મહાનગર પાલિકાના મેયર જાહેર કરાયા- મહિલાઓએ બાજી મારી

વડોદરાના નવા મેયર તરીકે ગીતાબેન મકવાણા, વાપીના મેયર દક્ષાબેન પટેલ, આણંદના નવા મેયર દીપિકાબેન પટેલ, સુરતના મેયર માયાબેન માવાણી, ભાવનગરના નવા મેયર ઉષાબેન તલરેજા 

અગાઉ અમદાવાદના ડેપ્યુટી મેયર અંજુબેન શાહ, મહેસાણાના મેયર સોનલબેન ઓઝા, નવસારીના ડે. મેયર કેયૂરીબેન દેસાઈ, ગાંધીધામના મેયર દિવ્યા નાથાણીની નિમણૂંક થઈ ગઈ છે.

(એજન્સી) ગાંધીનગર, લાંબા સમયની રાહ બાદ આખરે ગુરુવારે સુરત, રાજકોટ, વડોદરા, સુરેન્દ્રનગર, ભાવનગર, આણંદ તથા વાપીના મેયર અને ડેપ્યુટી મેયરની વરણી કરી લેવામાં આવી છે. આ સાત મનપામાં પાંચ મેયર પદે મહિલાઓની વરણી કરવામાં આવી છે. તો જોઈ લો કયા મનપામાં કયા ઉમેદવારોને મળ્યો સત્તાનો તાજ.

નોંધનીય છે કે, ૨૬મી મેના રોજ અમદાવાદ, નવસારી, ગાંધીધામ, મોરબી, જામનગર, પોરબંદર, નડિયાદ, મહેસાણા એમ કુલ ૮ મનપામાં પદાધિકારીઓની જાહેરાત કરી દેવાઈ હતી.

રાજકોટ મહાનગરપાલિકામાં 23મા મેયર પદે ડો.નેહલ શુકલની નિમણૂંક કરવામાં આવી છે.  ચૂંટણી પહેલા ભાજપે રાત્રે જાહેર કરેલી યાદીમાં નેહલ શુક્લને કાપી શૈલેષ જાનીને ટિકિટ આપી હતી. જો કે નેહલ શુક્લ દ્વારા રાતોરાત પ્રદેશ અને રાષ્ટ્રીય નેતૃત્વ સુધી લોબિંગ કરી છેલ્લી ઘડીએ મેન્ડેટ મેળવ્યું હતું અને પોતાની ઉમેદવારી નોંધાવી હતી.

Ahmedabad Mayor Hitesh Barot and Dy. Mayor Anju Shah

વડોદરાના નવા મેયર તરીકે ગીતાબેન મકવાણા અને ડેપ્યુટી મેયર પદે આદિત્ય પટેલની વરણી કરવામાં આવી છે. સ્ટેન્ડિંગ ચેરમેન તરીકે વર્ષાબેન વ્યાસના નામ પર મહોર લગાવવામાં આવી છે. વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ગુરુવારના રોજ નવી ટર્મની સર્વપ્રથમ સામાન્ય સભા ભારે ઉત્સાહપૂર્ણ માહોલમાં યોજાઈ હતી.

ખંડેરાવ માર્કેટ સ્થિત સભા હોલમાં મ્યુનિસિપલ કમિશનરની અધ્યક્ષતામાં શરૂ થયેલી આ મહત્વપૂર્ણ સભામાં વડોદરા મહાનગરપાલિકાના તમામ ઉચ્ચ પદો માટે નવી વરણીઓ કરવામાં આવી છે. આ સાથે જ શાસક પક્ષના નેતા તરીકે શ્વેતા માછી અને દંડક તરીકે વિજય ચૌહાણના નામો સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યા છે.

વાપી મહાનગરપાલિકાના ચૂંટાયેલા કોર્પોરેટરોની પ્રથમ સામાન્ય સભા મળી હતી. જેમાં મેયર તરીકે વોર્ડ નંબર ૪ના ભાજપના કોર્પોરેટર દક્ષાબેન પટેલ, ડેપ્યુટી મેયર તરીકે મિતેશ દેસાઈ અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે સતિષભાઈ પટેલ બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા.

વાપી મહાનગરપાલિકાની યોજાયેલી ચૂંટણીમાં કુલ ૫૨ બેઠકોમાંથી ૩૭ બેઠકો પર ભાજપના ઉમેદવારોનો વિજય થયો હતો. ૧૧ બેઠક પર કોંગ્રેસ અને ચાર બેઠકો પર અપક્ષ ઉમેદવારોનો વિજય થયો હતો.

સુરેન્દ્રનગર મનપાના નવા મેયર તરીકે રાકેશભાઈ રાઠોડ અને ડેપ્યુટી મેયર તરીકે સ્મિતાબેન રાવલની નિમણૂક કરવામાં આવી છે. કારોબારી ચેરમેન તરીકે નિખિલભાઈ ચાંપાનેરી, પક્ષના નેતા તરીકે પીન્ટુબેન અસાનિયા અને દંડક તરીકે સ્વાતિબેન માંડલિયાની વરણી કરવામાં આવી છે.

આણંદ મહાનગરપાલિકાના નવા મેયર તરીકે દીપિકાબેન પટેલનું નામ જાહેર થયું છે. આ સાથે ડેપ્યુટી મેયર તરીકે કમલેશ ડાભીના નામની પસંદગી કરવામાં આવી છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે મયુર સુથારનું નામ જાહેર કરાયું છે.

મહાનગરપાલિકા બન્યા બાદ પહેલી વખત આણંદ શહેરને મળ્યા મેયર અને ડેપ્યુટી મેયર. નોંધનીય છે કે, ૨૬ મેના રોજ અમદાવાદ, નવસારી, ગાંધીધામ, મોરબી, જામનગર, પોરબંદર, નડિયાદ, મહેસાણા એમ કુલ ૮ મનપામાં પદાધિકારીઓની જાહેરાત કરી દેવાઈ હતી.

સુરતના મેયર માયાબેન માવાણીની વરણી થઈ છે. આ સાથે ડેપ્યુટી મેયર પદે સુધાકર ચૌધરી, સ્ટેન્ડિગ કમિટીના ચેરમેન પદે રાજન પટેલ, શાસકપક્ષના નેતા અલ્પા મહેતા તથા દંડક પદે ઊર્મિલા ત્રિપાઠીના નામ જાહેર થયા છે. ઉલ્લેખનીય છે કે, ગત વખતે દક્ષેશ માવાણી મેયર પદે હતા.

રાજકોટ મહાનગરપાલિકામાં નવા પદાધિકારીઓના નામોની સત્તાવાર જાહેરાત થઈ ગઈ છે. ભાજપ દ્વારા આગામી અઢી વર્ષ માટે મેયર તરીકે નેહલ શુક્લની પસંદગી કરવામાં આવી છે. જ્યારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે પરેશ પીપળીયા અને ડેપ્યુટી મેયર તરીકે દક્ષાબેન વસાણીને જવાબદારી સોંપવામાં આવી છે.

ભાવનગર મનપાને મળ્યા નવા મેયર પદે ઉષાબેન તલરેજા અને ડેપ્યુટી મેયર તરીકે અશોક બારૈયાની વરણી થઈ છે. આ સાથે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે કિશન મહેતાની વરણી થઈ છે. મનપાના નવા દંડક લાલભા વાળા બન્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.