Western Times News

Gujarati News

ખેતરોમાં વીજ થાંભલા ઊભા કરવાના મુદ્દે ચાલી રહેલા વિવાદમાં આખરે સરકાર નમતું જોખવા તૈયાર

AI Image

(એજન્સી)મોરબી, વીજ થાંભલા મુદ્દે ચર્ચા કરવા મોરબીના ખેડૂતોને સરકારે આમંત્રણ આપ્યું છે. સરકારે ટૂંક સમયમાં ખેડૂતોની માંગણીના ઉકેલ માટે બાંહેધરી આપી હતી. મળતી જાણકારી અનુસાર, મોરબી જિલ્લામાં ખેતરોમાં વીજ થાંભલા ઊભા કરવાના મુદ્દે લાંબા સમયથી ચાલી રહેલા વિવાદમાં આખરે સરકાર નમતું જોખવા તૈયાર થઈ છે.

આ સંવેદનશીલ પ્રશ્નનો ઝડપી અને સકારાત્મક નિકાલ લાવવા માટે સરકારે ખેડૂત સમિતિના સભ્યોને ઉચ્ચસ્તરીય કમિટી સાથે ચર્ચા કરવા સત્તાવાર આમંત્રણ આપ્યું છે. ઊર્જા વિભાગના પત્રના આધારે કલેક્ટરે આ જાહેરાત કરી છે, જેમાં સરકારે ખેડૂતોની તમામ ૬ મુખ્ય માંગણીઓ મુદ્દે સવિસ્તાર ચર્ચા કરવાની તૈયારી દર્શાવી છે.

ખેડૂતોની અનુકૂળતા મુજબ આ બેઠક મોરબી કલેક્ટર ઓફિસ અથવા ગાંધીનગર ખાતે યોજવામાં આવશે. આ વિવાદ અંગે મોરબી કલેક્ટરે મીડિયાને જણાવ્યું હતું કે, સરકારના વિવિધ સરકારી ઠરાવોનો આધાર લઈને એક ચોક્કસ મુસદો (ડ્રાફ્ટ) તૈયાર કરવામાં આવ્યો છે, જેથી ખેડૂતોના પ્રશ્નોનો કાયદાકીય અને ન્યાયિક ઉકેલ લાવી શકાય.

સરકાર આ સમસ્યાના કાયમી નિકાલ માટે અત્યંત તત્પર છે. વધુમાં ખેડૂતોનો આક્રોશ શાંત પાડતા કલેક્ટરે મોટો દાવો કર્યો છે કે, જ્યાં સુધી આ વિવાદનો સત્તાવાર ઉકેલ નહીં આવે ત્યાં સુધી વર્તમાન સંજોગોમાં ખેતરોમાં વીજ પોલ ઊભા કરવાની તમામ કામગીરી સંપૂર્ણપણે બંધ રાખવામાં આવશે.

સરકાર દ્વારા ટૂંક સમયમાં જ ખેડૂતોની તમામ માંગણીઓ સંતોષવા માટે ખાતરી આપવામાં આવી છે. વહીવટી તંત્રના આ હકારાત્મક વલણ અને મંત્રણાના આમંત્રણને પગલે ખેડૂતોમાં પણ આશાની કિરણ જાગી છે. આગામી દિવસોમાં યોજાનારી આ હાઈ-લેવલ બેઠક પર સૌની નજર મંડાયેલી રહેશે.

ઊર્જા વિભાગના પત્રના આધારે મોરબીના કલેકટરે ચર્ચા માટે ખેડૂતોને આમંત્રણ આપ્યું છે. મોરબી અથવા ગાંધીનગરમાં ખેડૂતો સાથે ચર્ચા કરવા સરકાર તૈયાર છે.

ખેડૂત સમિતિના સભ્યોને સરકારે ચર્ચા કરવા આમંત્રણ આપ્યું છે. સરકાર ખેડૂતોના હિતમાં ખુલ્લા મને ચર્ચા કરવા તૈયાર છે. સંવાદ કે ચર્ચા વગર ક્્યારેય ઉકેલ સંભવ નથી.

લોક સાહિત્યકાર હકાભા ગઢવીએ કહ્યું કે સરકારના આમંત્રણને સ્વીકારવું જોઈએ. આંદોલન ચાલુ રાખીને મંત્રણા માટે જવું જોઈએ. સરકારની દરખાસ્ત મંજૂર ના રહે તો ના પાડવામાં વાંધો નહીં. સરકારે સકારાત્મક વિચારણા કરી હોય તો આવકારદાયક છે. સરકાર સાથે મંત્રણા કરે તો કેટલી માંગ સ્વીકારે તે ખબર પડે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.