‘અભિનેતા ન બન્યો હોત તો મેંગ્લોરમાં શિક્ષક હોત’ : શાહરુખ
શાહરુખ ખાને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાનાં ૩૪ વર્ષ પુરાં કર્યાં
કિંગમાં દીપિકા પાદુકોણ, અભિષેક બચ્ચન, અર્શદ વારસી, રાઘવ જુયાલ, વિગેરે મહત્વપુર્ણ ભૂમિકાઓમાં જોવા મળશે
મુંબઈ,બોલિવૂડના ‘કિંગ ખાન’ શાહરુખ ખાને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાનાં ૩૪ વર્ષ પુરાં કર્યાં છે. આ ખાસ અવસરની ઉજવણી દરમિયાન તેણે ચાહકો સાથેની મુલાકાતમાં એક રસપ્રદ ખુલાસો કર્યાે હતો. શાહરુખે જણાવ્યું કે જો તે અભિનેતા ન બન્યા હોત તો મેંગ્લોરમાં એક શિક્ષક તરીકે જીવન વિતાવ્યું હોત.મેંગ્લોરમાં આયોજિત કાર્યક્રમ દરમિયાન શાહરુખે પોતાના બાળપણની યાદો તાજી કરી. તેણે જણાવ્યું કે જીવનના પ્રથમ પાંચ વર્ષ તેણે મેંગ્લોરમાં પોતાના દાદા ઇફ્તિખાર અહેમદ સાથે વિતાવ્યા હતા, જે મેંગ્લોર પોર્ટમાં ચીફ એન્જિનિયર હતા.
ચાહકો સાથેની વાતચીત દરમિયાન જ્યારે તેને પૂછવામાં આવ્યું કે જો તે મેંગ્લોરમાં જ રહ્યો હોત તો કયો વ્યવસાય પસંદ કર્યાે હોત, ત્યારે તેણે કહ્યું, “હું ચોક્કસ મેંગ્લોર જેવા શહેરમાં ખૂબ ખુશ હોત. હું શિક્ષક બન્યો હોત. કદાચ સેન્ટ એલોયસિયસ સ્કૂલ, શારદા વિદ્યાલય અથવા માઉન્ટ કાર્મેલ સ્કૂલમાં બાળકોને ભણાવતો હોત.”શાહરુખે વધુમાં ઉમેર્યું, “મને બાળકોને ભણાવવું ખૂખ્તબ ગમે છે. હું મારા બાળકોને પણ ભણાવું છું. તેથી હું મેંગ્લોરમાં એક શ્રેષ્ઠ શિક્ષક બનીને ખૂબ આનંદથી જીવન જીવતો હોત.” તેના આ જવાબને સાંભળીને ઉપસ્થિત ચાહકોએ જોરદાર તાળીઓ પાડી હતી.
કાર્યક્રમ દરમિયાન એક મહિલા પ્રશંસકે શાહરુખને કહ્યું કે તે પોતાના પતિ કરતાં તેને વધુ પ્રેમ કરે છે. તેના જવાબમાં શાહરુખે પોતાનાં જાણીતા હાસ્ય સાથે કહ્યું, “આવી વાતો એકાંતમાં કહેવી જોઈએ ને!” તેનો આ જવાબ સાંભળીને સમગ્ર હોલમાં હાસ્યનું મોજું ફરી વળ્યું.ફિલ્મોની વાત કરીએ તો શાહરુખ ખાન હાલમાં પોતાની આગામી એક્શન ફિલ્મ ‘કિંગ’ના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મ ખાસ એટલા માટે પણ ચર્ચામાં છે કે તેમાં તેની પુત્રી સુહાના ખાન મોટા પડદા પર ડેબ્યુ કરી રહી છે. ફિલ્મમાં દીપિકા પાદુકોણ, અભિષેક બચ્ચન, અર્શદ વારસી, રાઘવ જુયાલ, અભય વર્મા, જયદીપ અહલાવત, અનિલ કપૂર, જેકી શ્રોફ અને રાની મુખર્જી પણ મહત્વપૂર્ણ ભૂમિકાઓમાં જોવા મળશે. ફિલ્મનું ડિરેક્શન સિદ્ધાર્થ આનંદ કરી રહ્યા છે.SS1
