Western Times News

Gujarati News

‘સ્પાઈડર-મેન : બ્રાન્ડ ન્યૂ ડે’માં ૮ સેકન્ડનાં સીન પર સેન્સરની કાતર ફરી

ત્રણ સીનમાં અશ્લીલ શબ્દો મ્યુટ કરવામાં આવ્યા

ફિલ્મે દેશની ટોચની ત્રણ નેશનલ ચેઇન્સમાં રિલીઝના ત્રણ દિવસ પહેલાં જ આશરે ૨.૬૦ લાખ ટિકિટો વેચી દીધી

મુંબઈ,હોલિવૂડની લોકપ્રિય ફિલ્મ ‘સ્પાઈડર-મેનઃ બ્રાન્ડ ન્યૂ ડે’ રિલીઝ થવામાં હવે માત્ર ત્રણ દિવસ બાકી છે અને ભારતમાં ફિલ્મને લઈને દર્શકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ દરમિયાન, સેન્ટ્રલ બોર્ડ આૅફ ફિલ્મ સર્ટિફિકેશનએ ફિલ્મને યૂ/એ ૧૩+ સર્ટિફિકેટ આપતાં પહેલાં કેટલાક ફેરફારો કરવાની સૂચના આપી છે.સીબીએફસીએ ફિલ્મમાં કુલ ત્રણ સીનમાં ઉપયોગમાં લેવાયેલા અશ્લીલ શબ્દોને મ્યુટ કરવા તેમજ ઓડિયો અને સબટાઇટલ્સમાંથી દૂર કરવાનો નિર્દેશ આપ્યો છે. આમાંથી એક શબ્દ ફિલ્મનાં આગળના ભાગમાં જ્યારે બાકીના બે ઇન્ટરવલ પછીના ભાગમાં છે.

આ ઉપરાંત, ફિલ્મમાં સમાવાયેલ ૮ સેકન્ડ લાંબો કિસિંગ સીન પણ દૂર કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. આ તમામ ફેરફારો બાદ ૨૩ જુલાઈએ ફિલ્મને સેન્સર સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું.પ્રમાણપત્ર મુજબ ‘સ્પાઈડર-મેનઃ બ્રાન્ડ ન્યૂ ડે’ની કુલ લંબાઈ ૧૪૪.૫૨ મિનિટ છે, એટલે કે ફિલ્મનો રનટાઇમ ૨ કલાક, ૨૪ મિનિટ અને ૫૨ સેકન્ડનો છે. ટોમ હોલેન્ડ, ઝેન્ડાયા અને જેકબ બેટાલોનનીત આ ફિલ્મ ‘સ્પાઈડર-મેનઃ નો વે હોમ’ (૨૦૨૧)ના ઘટનાક્રમને આગળ વધારે છે.બોક્સ ઓફિસ પર પણ ફિલ્મને જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે. અહેવાલો અનુસાર, ફિલ્મે દેશની ટોચની ત્રણ નેશનલ ચેઇન્સમાં રિલીઝના ત્રણ દિવસ પહેલાં જ આશરે ૨.૬૦ લાખ ટિકિટો વેચી દીધી છે. ટ્રેડ વિશ્લેષકોના મતે એડવાન્સ બૂકિંગનો આંકડો ૪ લાખ ટિકિટો સુધી પહોંચી શકે છે.

જો આવું થાય તો ફિલ્મ ચાલુ ગુરુવારે જ લગભગ ૫૦ કરોડનું ઓપનિંગ નોંધાવી શકે છે, જે કોઈપણ હોલિવૂડ ફિલ્મ માટે ભારતમાં અભૂતપૂર્વ સિદ્ધિ ગણાશે. અહેવાલો મુજબ, દેશભરના અનેક સિનેમાઘરોને ફિલ્મ માટે ‘મેગા બ્લોકબસ્ટર પ્રાઇસિંગ’ લાગુ કરવાની સૂચના આપવામાં આવી છે.ટ્રેડ સૂત્રોના જણાવ્યા અનુસાર, કેટલાક થિયેટરોમાં ટિકિટની કિંમતો ‘ધુરંધરઃ ધ રિવેન્જ’ જેટલી રાખવામાં આવી છે, જ્યારે મોટાભાગના મલ્ટિપ્લેક્સમાં તેની સરખામણીએ થોડા ઓછા ભાવ રાખવામાં આવ્યા છે. SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.