Western Times News

Gujarati News

બહેરામપુરામાં બુટલેગરોનો પોલીસ પર હુમલાનો પ્રયાસ

સમગ્ર વિસ્તારમાં અફડાતફડીનો માહોલ : એક આરોપી ઝડપાયોઃ અન્ય ફરાર

(પ્રતિનિધિ) અમદાવાદ : અમદાવાદ શહેરમાંથી દારૂ અને જુગારની બદીને ડામી દેવા માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓ સતર્ક બનેલા છે શહેરમાં દારૂ જુગારના અડ્ડાઓ ઉપર દરોડા પાડવામાં આવી રહયા છે તેમ છતાં શહેરના અનેક વિસ્તારોમાં બુટલેગરો દ્વારા દેશી અને વિદેશી દારૂની હેરાફેરી કરવામાં આવી રહી છે શહેરના સરદારનગર વિસ્તારમાં નિયમિત રીતે પોલીસનું ચેકીંગ કરવામાં આવી રહયું છે.

આ દરમિયાનમાં શહેરના બહેરામપુરા વિસ્તારમાં બુટલેગરો દ્વારા દારૂની હેરાફેરી કરવામાં આવી રહી હોવાની બાતમી મળતાં સ્થાનિક પોલીસ સ્થળ પર પહોચી ગઈ હતી જાકે તે સમયે બુટલેગરોએ પોલીસ સાથે બોલાચાલી કરી હુમલો કરવાનો પ્રયાસ કરતા અફડાતફડીનો માહોલ સર્જાયો હતો પોલીસે એક આરોપીની ધરપકડ કરી લીધી હતી જયારે બાકીના ફરાર થઈ ગયા છે.

આ અંગેની વિગત એવી છે કે શહેરના બહેરામપુરા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી દેશી અને વિદેશી દારૂની વ્યાપક પ્રમાણમાં હેરાફેરી કરવામાં આવી રહી છે આ બાતમી મળતા જ સ્થાનિક પોલીસ સતર્ક બની હતી અને છેલ્લા કેટલાક દિવસથી વોચ રાખવામાં આવતી હતી જેમાં દારૂની હેરાફેરી થતી હોવાનું માલુમ પડયુ હતું. સ્થાનિક પોલીસનો સ્ટાફ ગઈકાલે મોડી સાંજે બહેરામપુરા વિસ્તારમાં આવેલી જય ગીરનારી નગરની ચાલીમાં તપાસ કરતા પહોંચતા જ વાતાવરણ ઉગ્ર બની ગયું હતું.

આ દરમિયાનમાં પોલીસ જવાન ગોવિંદભાઈ મોતીભાઈ સાથે સ્થાનિક શખ્સો પરષોત્તમ પરમાર, દિનેશ ઉર્ફે રમેશ સહિતના શખ્સોએ ઉગ્ર બોલાચાલી કરી અહી કેમ આવ્યા છો તેવુ જણાવ્યું હતું અને ધાકધમકી પણ આપવા લાગ્યા હતા આ દરમિયાનમાં ઉશ્કેરાયેલા આરોપીઓએ પોલીસના જવાનો પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો.

જેના પરિણામે અફડાતફડીનો માહોલ સર્જાયો હતો આરોપીઓ દ્વારા હુમલાનો પ્રયાસ થતાં પોલીસ સતર્ક બની ગઈ હતી અને તાત્કાલિક કાર્યવાહી કરી દિનેશ નામના શખ્સને ઝડપી લીધો હતો જયારે અન્ય આરોપીઓ ભાગી છુટયા હતા સ્થાનિક પોલીસે આ અંગે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે

બીજી બાજુ પોલીસ પર હુમલાની ઘટનાથી ઉચ્ચ અધિકારીઓ પણ ચોંકી ઉઠયા છે અને તાત્કાલિક આ તમામ આરોપીઓને ઝડપી લેવા માટે જુદી જુદી ટીમો બનાવી તપાસ શરૂ કરવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.