Western Times News

Gujarati News

’સાર્થ જોડણીકોશ’ની સાતમી સંવર્ધિત આવૃત્તિ માટે ગુજરાત વિદ્યાપીઠ દ્વારા ભાષાપ્રેમીઓ પાસેથી નવા શબ્દો સૂચવવા આહ્વાન

વર્ષ-૨૦૧૭માં પ્રકાશિત વર્તમાન છઠ્ઠી આવૃત્તિમાં ૭૩,૨૪૩ શબ્દો સંગ્રહિત –નવી સંવર્ધિત આવૃત્તિ માટે અત્યાર સુધીમાં અંદાજે ૧૨૦૦ જેટલા નવા શબ્દોની દરખાસ્ત મળી

અમદાવાદ, ગુજરાત વિદ્યાપીઠના ‘કોશ કાર્યાલય’ દ્વારા ગુજરાતી ભાષામાં અધિકૃત ગણાતા ‘સાર્થ ગુજરાતી જોડણીકોશ’ની સાતમી નવી સંવર્ધિત આવૃત્તિ તૈયાર કરવામાં રહી છે. ત્યારે ગુજરાત વિદ્યાપીઠ દ્વારા ગુજરાતી ભાષાના આ સમૃદ્ધિ અભિયાનમાં જોડાવા અને શબ્દકોશ માટે નવા શબ્દો માટે ભાષાપ્રેમીઓને આહ્વાન કરવામાં આવ્યું છે.

વર્ષ-૧૯૨૯માં કાકાસાહેબ કાલેલકરના માર્ગદર્શન હેઠળ સાર્થ જોડણીકોશની શરૂઆત માત્ર ‘જોડણીકોશ’ તરીકે થઈ હતી. ત્યાર બાદ સમયની માંગને ધ્યાને રાખી ગુજરાત વિદ્યાપીઠ દ્વારા વર્ષ ૧૯૩૧માં બીજી આવૃત્તિ તૈયાર કરવામાં આવી હતી. જેમાં શબ્દોની સાથે તેના અર્થોનો પણ સમાવેશ કરવામાં આવતા તે ‘સાર્થ’ જોડણીકોશ તરીકે પ્રસ્થાપિત થયો હતો.

સમયાંતરે વર્ષ ૧૯૩૭, ૧૯૪૯, ૧૯૬૭ અને છેલ્લે ૨૦૧૭માં નવીન શબ્દોના ઉમેરા સાથે આ કોશની ઉત્તરોત્તર આવૃત્તિઓ પ્રકાશિત થતી રહી છે. વર્ષ ૨૦૧૭ની છઠ્ઠી આવૃત્તિમાં ૭૩,૨૪૩ શબ્દોનો સંગ્રહ છે અને અત્યાર સુધી આ કોશની કુલ ૫૬,૦૦૦થી પણ વધુ નકલો છપાઈ ચૂકી છે.

આ નવી ૭મી આવૃત્તિને આધુનિક ઓપ આપવા માટે રતિલાલ બોરીસાગર, કુમારપાળ દેસાઈ, મણિલાલ હ. પટેલ અને મીનલ દવે જેવા સાહિત્યકારોની સમિતિ રચવામાં આવી છે. જેમને અત્યાર સુધીમાં અંદાજે ૧૨૦૦ જેટલા નવા શબ્દોની દરખાસ્ત મળી છે.

આ વખતે વ્યવહારમાં વપરાતા અન્ય ભાષાના એવા શબ્દો જે ગુજરાતી જનજીવનનો અભિન્ન હિસ્સો બની ગયા છે, તેમને પણ સ્થાન આપવાનું વલણ અપનાવવામાં આવ્યું છે. આ અંગે ગુજરાત વિદ્યાપીઠ દ્વારા ગુજરાતી ભાષાના સાહિત્યકારો, વિદ્વાનો અને ભાષાપ્રેમીઓને હાલના ‘સાર્થ કોશ’માં ઉપલબ્ધ ન હોય તેવા નવા શબ્દો તેના ચોક્કસ સંદર્ભ સાથે ૩૧ માર્ચ, ૨૦૨૬ સુધીમાં ગુજરાત વિદ્યાપીઠના કોશ કાર્યાલયે  અથવા [email protected] પર ઈમેલ દ્વારા મોકલી આ ભાષા-યજ્ઞમાં સહભાગી થવા અનુરોધ કરવામાં આવ્યો છે. આ સંવર્ધન કાર્યમાં સહભાગી થવા સંપાદક અરવિંદ ભંડારી અને કુલસચિવ દ્વારા ભાષાપ્રેમીઓને અનુરોધ કરાયો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.