Western Times News

Gujarati News

ખાનગી બસમાં લાગેલી આગમાં ૮ મુસાફરો દાઝ્યા, એકનું મોત

(એજન્સી)ધાનેરા, બનાસકાંઠાથી કરુણ અને હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા હતા. રાજસ્થાન સરહદને અડીને આવેલા બનાસકાંઠાના ધાનેરાના નેનાવા ગામ પાસે આજે વહેલી સવારે એક ખાનગી સ્લીપર ટ્રાવેલ્સમાં ભીષણ આગ ફાટી નીકળી છે.

આ દુર્ઘટનામાં એક મુસાફરનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે, જ્યારે ૮ જેટલા મુસાફરો દાઝી ગયા છે. તમામ ઈજાગ્રસ્તોને પોલીસના વાહન તેમજ એમ્બ્યુલન્સમાં તાત્કાલિક સારવાર માટે ધાનેરાની રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

રાજસ્થાનના જેસલમેરની સ્વાગત ટ્રાવેલ્સ નામની લક્ઝરી બસ જેસલમેરથી મુસાફરો ભરીને અમદાવાદ તરફ જઈ રહી હતી. રાત્રિના સુમારે જ્યારે બસ બનાસકાંઠાના નેનાવા પાસે પહોંચી, ત્યારે અચાનક બસમાં આગની જ્વાળાઓ જોવા મળી હતી. જોતજોતામાં આગે આખી બસને લપેટમાં લઈ લીધી હતી.

બસમાં સવાર મુસાફરોમાં ચીસાચીસ મચી ગઈ હતી. આગ એટલી ભયાનક હતી કે મુસાફરોને બહાર નીકળવાની તક પણ માંડ મળી હતી. મોટાભાગના મુસાફરો બારીમાંથી કૂદીને બહાર નીકળવામાં સફળ રહ્યા હતા, પરંતુ કમનસીબે એક મુસાફરનું આગમાં દાઝી જવાથી ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે.

અન્ય ૮ મુસાફરો આગની ઝપેટમાં આવી જતાં ઘાયલ થયા છે, જેમની હાલત નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે. ધાનેરા રેફરલ હોસ્પિટલના ડોક્ટરો દ્વારા યુદ્ધના ધોરણે સારવાર શરૂ કરી દેવામાં આવી છે. સમગ્ર મામલે ધાનેરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આગ લાગ્યાના સમાચાર મળતાં જ ધાનેરા નગરપાલિકાનું ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચીને પાણીનો મારો ચલાવીને કાબુમાં લીધી હતી. છેલ્લા કેટલાક સમયથી ખાનગી સ્લીપર ટ્રાવેલ્સમાં આગ લાગવાની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે, જે મુસાફરોની સુરક્ષા સામે મોટા સવાલો ઊભા કરે છે.

શું આ બસમાં ફાયર સેફ્ટીના સાધનો હતા? શું બસનું ફિટનેસ સર્ટિફિકેટ બરાબર હતું? આ તમામ દિશામાં અત્યારે પોલીસ અને આરટીઓ વિભાગ તપાસ કરી રહ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.