Western Times News

Gujarati News

ઈરાનના દૂતાવાસે ઘરેણાં દાન કરનારા ભારતીયોનો આભાર માન્યો

File Photo

યુદ્ધમાં હોમાયેલા ઈરાન માટે ભારતીયોએ દિલ ખોલીને કરી મદદ

હોર્મુઝ દ્વારા ભારતીય જહાજોને સુરક્ષિત રસ્તો આપવાનો તેહરાનનો નિર્ણય નવી દિલ્હી સાથેની તેની લાંબા સમયની મિત્રતા દર્શાવે છેઃ ઈરાનના કોન્સુલ જનરલ 

નવી દિલ્હી, અમેરિકા અને ઇઝરાયેલ દ્વારા શરૂ કરવામાં આવેલા યુદ્ધને ૨૪ દિવસ થઈ ગયા છે અને ઈરાનને મોટા પાયે નુકસાન પહોંચ્યું છે. આવા સમયે ભારતમાં રહેલા ઈરાનના દૂતાવાસે ઈરાનને ફરીથી બેઠું કરવા અને તેના પુનઃનિર્માણ માટે પૈસા તેમજ પોતાના ઘરેણાં દાન કરનારા ભારતીયોની દયા અને માનવતા બદલ આભાર માન્યો છે.

ઈરાન તરફથી કહેવામાં આવ્યું છે કે તે ભારતની આ મદદને હંમેશા યાદ રાખશે. ઈરાની દૂતાવાસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું છે કે, “અમે તમારી દયા અને માનવતાને ક્્યારેય નહીં ભૂલીએ. આભાર, ભારત.”

મળતી માહિતી મુજબ, ઈદના અવસરે દેશભરના મુસ્લિમ સમુદાયના લોકોએ ઈરાન સાથે એકતા દર્શાવી હતી. કાશ્મીરમાં ફક્ત લોકોએ જ, પણ નાની બાળકીઓએ પણ પોતાના જમા કરેલા પૈસા, તાંબાના વાસણો અને ઘરેણાંનું દાન કર્યું હતું. આના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે.

આ જ વીડિયો પર પ્રતિક્રિયા આપતા ઈરાની દૂતાવાસે લખ્યું, “કૃતજ્ઞતાથી ભરેલા હૃદય સાથે, જેઓ માનવીય સહાય અને હૃદયપૂર્વક સમર્થન આપીને ઈરાનના લોકોની સાથે ઉભા રહ્યા છે, તેવા કાશ્મીરના દયાળુ લોકોનો અમે નિષ્ઠાપૂર્વક આભાર માનીએ છીએ, આ દયાને ક્્યારેય ભૂલવામાં આવશે નહીં. આભાર, ભારત.” દૂતાવાસે એક મહિલાના ત્યાગનો પણ ઉલ્લેખ કર્યો છે, જેણે પોતાના પતિની યાદમાં સાચવી રાખેલું સોનું દાન કરી દીધું.

તે મહિલાના પતિનું ૨૮ વર્ષ પહેલાં અવસાન થયું હતું. “કાશ્મીરની એક સન્માનિત બહેને પોતાના પતિની યાદમાં રાખેલું સોનું દાન કરી દીધું, જેમના પતિનું ૨૮ વર્ષ પહેલાં નિધન થયું હતું. તેમણે ઈરાનના લોકો માટે પ્રેમ અને એકતા સાથે આ દાન આપ્યું હતું. તમારા આંસુ અને સાચી લાગણીઓ ઈરાનના લોકો માટે સૌથી મોટો સહારો છે અને આને ક્્યારેય ભૂલવામાં આવશે નહીં. આભાર, કાશ્મીર.

આભાર, ભારત.” દૂતાવાસે એમ પણ કહ્યું કે, “કાશ્મીરી બાળકો પણ ઈરાનને ભેટ તરીકે પોતાનો ગલ્લો આપી રહ્યા છે. અલ્લાહ તમને આશીર્વાદ આપે.”બડગામના સ્થાનિક લોકોએ ઈરાનને સમર્થન આપવા માટે સોનું, ચાંદી અને રોકડ દાનમાં આપ્યા છે, જેના દ્વારા તેમણે ઈરાન પ્રત્યે પોતાની એકતા દર્શાવી છે. ન્યૂઝ એજન્સી છદ્ગૈંના અહેવાલ મુજબ, બડગામના મોહસિન અલીએ જણાવ્યું કે, દાન એકત્ર કરવા માટે મસ્જિદ ઈમામ ઝમાનમાં એક સ્ટોલ લગાવવામાં આવ્યો હતો.

મોહસિન અલીએ કહ્યું કે, “મસ્જિદ ઈમામ ઝમાનમાં અમે દાન એકત્ર કરવાના સાચા ઉદ્દેશ્યથી એક સ્ટોલ લગાવ્યો. અમારી માતાઓ અને બહેનો ઘરેણાં, તાંબાના વાસણો અને રોકડ આપી રહી છે, જેથી અમે વર્તમાન સ્થિતિમાં ઈરાનની મદદ કરી શકીએ.” તેમણે વધુમાં જણાવ્યું કે, તેઓ ઈરાન જઈને મદદ કરી શકે તેમ નથી, તેથી ઓછામાં ઓછી આર્થિક સહાય આપીને ઈરાનને મદદ કરી શકે છે અને માનવતાની સેવા કરી શકે છે.

આ પહેલાં મુંબઈમાં ઈરાનના કોન્સુલ જનરલ સઈદ રઝા મોસાયબ મોતલઘે શુક્રવારે કહ્યું હતું કે, હોર્મુઝ દ્વારા ભારતીય જહાજોને સુરક્ષિત રસ્તો આપવાનો તેહરાનનો નિર્ણય નવી દિલ્હી સાથેની તેની લાંબા સમયની મિત્રતા દર્શાવે છે. મોતલઘે જણાવ્યું કે, ઈરાન લાંબા સમયથી ભારતનો મિત્ર અને ભાગીદાર રહ્યું છે અને તેહરાનના અધિકારીઓ વર્તમાન સંઘર્ષ વચ્ચે ભારતમાં ગેસની અછતની સ્થિતિને લઈને ચિંતિત હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.