Western Times News

Gujarati News

બંધારણીય નૈતિકતાને આધારે ધાર્મિક પરંપરાનો નિર્ણય ન કરી શકાયઃ કેન્દ્ર

નવી દિલ્હી, સબરીમાલા મંદિર સહિત ધાર્મિક સ્થળોએ મહિલાઓ સાથે થતા ભેદભાવના મામલાની સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં દલીલ કરી હતી કે બંધારણીય નૈતિકતાને આધારે કોઈ ધર્મની આવશ્યક ધાર્મિક પ્રથાઓ અને માન્યતાઓ અંગે નિર્ણય કરી શકાય નહીં.

બંધારણીય નૈતિકતાના આ સિદ્ધાંતને આધારે આપવામાં આવેલા સંમતિથી થતા સમલૈંગિક સંબંધોને અપરાધમુક્ત કરવાના અને વ્યભિચાર સંબંધિત જોગવાઈઓને રદ કરવાના અગાઉ ચુકાદા ખોટા હતાં. આવા ચુકાદાને આધારે ધર્મમાં હસ્તક્ષેપ કરી શકાય નહીં. મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતની આગેવાની હેઠળની નવ ન્યાયાધીશોની બંધારણીય ખંડપીઠને સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું હતું કે બંધારણીય નૈતિકતા એક અસ્પષ્ટ અને વ્યક્તિલક્ષી સિદ્ધાંત છે.

આવા સિદ્ધાંત પર આધારિત ચુકાદાઓ, તેમજ વિદેશી કાનૂની નિષ્ણાતોના મત અને પૂર્વદૃષ્ટાંતોને આધારે દેશમાં ધાર્મિક માન્યતાઓની યોગ્યતાની ચકાસણી કરી શકાય નહીં. આ કોર્ટ દ્વારા કેટલાંક પૂર્વ ચુકાદાઓમાં બંધારણીય નૈતિકતાનો ખોટો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

આવા ચુકાદા બાદમાં ૨૦૧૮ના સબરીમાલા કેસમાં આધાર બન્યો હતો. ૨૦૧૮ના ચુકાદામાં કેરળના સબરીમાલા મંદિરમાં તમામ વયજૂથની મહિલાઓને પ્રવેશની છૂટ અપાઈ હતી, જ્યારે મંદિરના દેવતા ભગવાન અય્યપ્પાને આજીવન બ્રહ્મચારી માનવામાં આવે છે.

સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું હતું કે બંધારણીય નૈતિકતા નૈતિકતા મૂળભૂત રીતે રાજકીય વિજ્ઞાનનો સિદ્ધાંત છે, જે શાસન વ્યવસ્થાના હોદ્દેદારોએ કેવી રીતે કામ કરવું અને ગંભીર આરોપનો સામનો કરતાં હોદ્દેદારોએ રાજીનામું આપવું કે નહીં તે અંગેના છે. પરંતુ તે ન્યાયિક સમીક્ષા માટેનો આધાર બની શકતો નથી.

ન્યાયિક સમીક્ષા બંધારણ મુજબ જ થવી જોઈએ. કોઈ ધાર્મિક પ્રથા જાહેર વ્યવસ્થા, નૈતિકતા અને આરોગ્ય સાથે સંબંધિત હોય, તો કોર્ટ તેની તપાસ કરી શકે છે. પરંતુ ૨૦૧૮ના સબરીમાલા ચુકાદામાં કોર્ટએ કહ્યું હતું કે તે સામાજિક નૈતિકતાને બદલે બંધારણીય નૈતિકતાને આધારે નિર્ણય કરશે.ભગવાન અય્યપ્પાના ભક્ત ન હોય એવા લોકો સબરીમાલા મંદિરની પરંપરાઓને કેવી રીતે પડકારી શકેઃ સુપ્રીમ કોર્ટ સુપ્રીમ કોર્ટએ એવો પણ સવાલ કર્યાે હતો કે ભગવાન અય્યપ્પાના અનુયાયી ન હોય એવા લોકો સબરીમાલા મંદિરની પરંપરાઓને કેવી રીતે પડકાર આપી શકે? જસ્ટિસ બી.વી. નાગરત્નાએ ધ્યાન દોર્યું કે સબરીમાલા કેસમાં મૂળ અરજદારો ભક્તો નહોતા તેથી શું આવી પિટિશનને ધ્યાનમાં લઈ શકાય કે નહીં.

સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જવાબ આપ્યો કે આ અરજી ઇન્ડિયન યંગ લોયર્સ એસોસિએશને દાખલ કરી છે. આ પિટિશનની યોગ્યતા સામે સવાલ કરતાં જસ્ટિસ નાગરત્નેએ જણાવ્યું હતું કે સામાન્ય સંજોગોમાં સીધા કનેક્શન વગરની અરજીને શરૂઆતમાં જ નકારી કાઢવામાં આવે છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.