ખેડા BJPમાં ગાબડું, કઠલાલના પૂર્વ ધારાસભ્ય સહિત ૨૦૦ કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા
(એજન્સી)નડિયાદ, ખેડા જિલ્લામાં ભાજપના શાસન સામે નારાજગી વ્યક્ત કરી કઠલાલ તાલુકાના ૨૦૦ જેટલા હોદ્દેદારો અને કાર્યકરોએ વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાયા છે. ભાજપના સંગઠનમાં વર્ષોથી સક્રિય એવા યુવા મોરચાના પૂર્વ મહામંત્રી લખન ડાભી અને પૂર્વ ધારાસભ્ય કનુભાઈ ડાભીના ભત્રીજા સહિતના આગેવાનોએ ભાજપની નીતિ સામે રોષ ઠાલવી પક્ષ પલટો કર્યો છે.
આ ઘટનાક્રમને પગલે આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પૂર્વે જિલ્લાના રાજકારણમાં ભારે ચર્ચાઓ જાગી છે. મળતી માહિતી અનુસાર, ખેડા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીના આંતરિક સંગઠનમાં મોટાપાયે અસંતોષની વિગતો સપાટી પર આવી છે.
કઠલાલ તાલુકાની પીઠાઈ જિલ્લા પંચાયત બેઠક હેઠળ આવતા ભાજપના સંગઠનના હોદ્દેદારો અને કાર્યકરોએ સામૂહિક રીતે રાજીનામા ધરી દીધા છે. આ કાર્યકરોએ ભાજપને જાકારો આપીને કોંગ્રેસનો ખેસ ધારણ કરતા રાજકીય ગરમાવો વ્યાપી ગયો છે.
