વંદે ભારત ટ્રેન દ્વારા અમદાવાદથી વાપી સુધી કરી મુસાફરી રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ
ઉમરગામ તાલુકામાં આયોજિત ગ્રામ કલ્યાણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે રાજ્યપાલશ્રી
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ તેમની સાદગી અને પર્યાવરણ પ્રત્યેની સંવેદનશીલતાનું વધુ એક ઉદાહરણ પૂરું પાડ્યું છે. ઉમરગામ તાલુકામાં આયોજિત બે દિવસીય ‘ગ્રામ કલ્યાણ કાર્યક્રમ’માં સહભાગી થવા માટે તેમણે અમદાવાદથી વાપી સુધીની મુસાફરી વંદે ભારત ટ્રેન મારફત કરી હતી.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના સંકલ્પોને ચરિતાર્થ કરતા રાજ્યપાલશ્રીએ નિર્ણય લીધો છે કે જ્યાં સુધી ઇંધણની સ્થિતિ સામાન્ય ન થાય, ત્યાં સુધી તેઓ રાજ્યના પ્રવાસોમાં હવાઈ મુસાફરીના બદલે એસ.ટી. બસ અથવા ટ્રેન જેવા સાર્વજનિક પરિવહનના માધ્યમોનો જ ઉપયોગ કરશે. આ નિર્ણયના અમલીકરણના ભાગરૂપે તેમણે આજે વંદે ભારત ટ્રેનમાં સામાન્ય પ્રવાસીની જેમ સફર કરી હતી.

ટ્રેનની મુસાફરી દરમિયાન રાજ્યપાલશ્રીએ કોઈ પણ પ્રકારના વિશેષ પ્રોટોકોલ વગર સહ-મુસાફરો સાથે ખૂબ જ આત્મીયતાપૂર્વક સંવાદ કર્યો હતો. તેમણે પ્રવાસીઓના જીવન અનુભવો જાણ્યા હતા અને દેશની વર્તમાન સ્થિતિ, વિકાસ અને જનકલ્યાણકારી યોજનાઓ અંગે તેમના મંતવ્યો સાંભળ્યા હતા. રાજ્યપાલશ્રીની આ સરળતા જોઈને સહ-મુસાફરો પણ અભિભૂત થઈ ગયા હતા.
રાજ્યપાલશ્રી ઉમરગામ તાલુકા ખાતે આયોજિત બે દિવસીય ‘ગ્રામ કલ્યાણ કાર્યક્રમ’માં ઉપસ્થિત રહેશે.
