Western Times News

Gujarati News

પુત્રના જન્મદિવસની કેક કપાય તે પહેલાં જ ગેલેરી તૂટી પડતા પિતા સહિત ૪ લોકો નીચે પટકાયા

(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) અંકલેશ્વર તાલુકાના ભડકોદ્રા ગામમાં આવેલ અભિષેક એવન્યુ એપાર્ટમેન્ટમાં પુત્રના જન્મ દિનની ઉજવણીની પહેલા ગેલેરીની છત તૂટી પડતા ઉભેલા પિતા સહિત ચાર લોકો નીચે પટકાતા ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

અંકલેશ્વર તાલુકાના ભડકોદ્રા ગામમાં આવેલ અભિષેક એવન્યુ એપાર્ટમેન્ટમાં સૂરજસિંગ રવિન્દ્રસિંગનો જન્મ દિવસ હોય તેના મિત્રો અને તેઓના પિતાના મિત્રો તેમજ આજુબાજુના લોકો જન્મ દિવસની ઉજવણી માટે સુરજસિંગના ઘરે એકત્રિત થયા હતા.

દરમ્યાન તેઓના પિતા રવિન્દ્રસિંગ,તેઓના મિત્ર આસેન્દ્ર શ્રીકામતા સિંગ, પૃથ્વી ઉર્ફે કાલીચરણ સિંગ તેમજ સૂરજના મિત્ર મુલારામ સોનારામ જાટ ઘરની ગેલેરીમાં ઉભા હતા. પુત્રના જન્મદિવસની કેક કપાઈ તે પેહલા જ ઘટના ઘટતા દોડધામ મચી ગઈ હતી.

અચાનક ગેલેરીની છત ધડાકા ભેર તૂટી પડતા ત્યાં ઉભેલા ચારેય નીચે પટકાતા જન્મદિવસનો પ્રસંગ બુમરાણમાં ફેરવાઈ ગયો હતો.ઘટનામાં નીચે પટકાયેલ ચારેયને ઈજાઓ પહોંચતા તેઓને તાત્કાલિક સારવાર માટે અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.ઘટનાને પગલે જીઆઈડીસી પોલીસ મથકનો સ્ટાફ સ્થળ પર દોડી આવી તપાસ હાથધરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.