કેન્દ્ર સરકારની યોજનાઓની માહિતી આપવાની સાથે ગામના 255 લોકોના આરોગ્યની તપાસ કરવામાં આવી
![](https://westerntimesnews.in/wp-content/uploads/2024/01/TB-1024x478.jpeg)
અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારીશ્રી મેહુલભાઈ દવેની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં દસકોઈ તાલુકાના એણાસણ ગામ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન-રમતગમત અને અન્ય સાંસ્કૃતિક ક્ષેત્રે એવોર્ડ વિતરણ કરવામાં આવ્યું
વિકસિત ભારત સંકલ્પ યાત્રા હેઠળ એણાસણ ગામમાં સ્થળ પર આયોજિત આયુષ્માન કેમ્પમાં 55 આયુષ્માન કાર્ડ બનાવવામાં આવ્યા
અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારીશ્રી મેહુલભાઈ દવેની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં દસકોઈ તાલુકાના એણાસણ ગામ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગામના અંદાજિત 692 લોકોની ઉપસ્થિતિમાં કેન્દ્ર સરકારની યોજનાઓની માહિતી આપવામાં આવી હતી. વિવિધ યોજનાઓ હેઠળ લાભાર્થીઓને લાભ વિતરણ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. સ્થળ પર આયોજિત આરોગ્ય કેમ્પમાં 255 લોકોના આરોગ્યની અને ટીબીની તપાસ કરવામાં આવી હતી.
‘માય ભારત’ અંતર્ગત 27 સ્વયંસેવકોના રજીસ્ટ્રેશન કરવામાં આવ્યા હતા. પ્રધાનમંત્રી ઉજ્વલા યોજના હેઠળ 3 લાભાર્થીઓને લાભ વિતરણ કરવામાં આવ્યા હતા. એણાસણ ગામની મહિલાઓ, વિદ્યાર્થીઓ, લોકલ રમતવીરો અને લોકલ કલાકારોનું પોતાના ક્ષેત્રમાં અલગ અલગ સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે જિલ્લા વિકાસ અધિકારીશ્રી મેહુલભાઈ દવેના હસ્તે એવોર્ડ આપી સન્માન કરવામાં આવ્યું હતું.
‘મેરી કહાની, મેરી જુબાની’ હેઠળ લાભાર્થીઓએ પોતાના અનુભવો લોકો સમક્ષ રજૂ કર્યા હતા અને ત્યારબાદ સમગ્ર ગામવાસીઓએ વિકસિત ભારત માટે સંકલ્પ લીધો હતો. પ્રાકૃતિક કૃષિ કરતાં ખેડૂતોએ પોતાના પ્રાકૃતિક કૃષિને લગતા અનુભવો ઉપર ચર્ચા કરી હતી.
આ ઉપરાંત, 55 લોકોના આયુષ્માન કાર્ડ બનાવી તેઓને આ આયુષ્માન કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું. એણાસણ પ્રાથમિક શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સોઈલ હેલ્થ કાર્ડ નિદર્શન અને ડ્રોન નિદર્શનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.‘ધરતી કહે પૂકાર કે‘ નુક્કડ નાટક દ્વારા એણાસણ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપતો સંદેશ આપ્યો હતો.
અન્ય હાજર મહેમાનોમાં અમદાવાદ જિલ્લા સંગઠન મંત્રી શ્રી રાજુભાઈ ઠાકોર, અમદાવાદ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ શ્રી કાંતિજી ઠાકોર અને દસક્રોઇ તાલુકા પ્રમુખ શ્રી સુરેશભાઈ પટેલ હતા.