Western Times News

Gujarati News

છેલ્લા બે વર્ષમાં રોજગાર કચેરીઓ દ્વારા અંદાજે ૫.૮૩ લાખ કરતા વધુ યુવાઓને અપાઈ રોજગારી: શ્રમ–રોજગાર મંત્રી 

યુવાઓ મેન્યુફેક્ચરીગ, ઓટોમોબાઈલ, ટેક્સટાઈલ, IT, બેંકિંગ અને વીમા જેવા ક્ષેત્રોમાં મેળવી રહ્યા છે રોજગારી

ગાંધીનગર, ગુજરાત વિધાનસભામાં રોજગારી અંગે વિગતવાર માહિતી રજૂ કરતા મંત્રી શ્રી કુંવરજીભાઇ બાવળીયાએ જણાવ્યું હતું કે, છેલ્લા બે વર્ષમાં રાજ્યમાં રોજગાર કચેરીઓ ખાતે કુલ ૬,૯૨,૬૨૧ ઉમેદવારોની નોંધણી કરવામાં આવી છે. જેમાં ૬,૨૮,૭૨૯ શિક્ષિત અને ૬૩,૮૯૨ અર્ધશિક્ષિત યુવાનોનો સમાવેશ થાય છે. આ ઉમેદવારો પૈકી કુલ ૫,૮૩,૪૯૫ યુવાનોને વિવિધ ક્ષેત્રોમાં સફળતાપૂર્વક રોજગારી પૂરી પાડવામાં આવી છે.

મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, રોજગાર વિનિમય કચેરીઓ માત્ર બેરોજગારો માટે જ નહીં, પરંતુ ઉચ્ચ અભ્યાસ અને સારી કારકિર્દીના માર્ગદર્શન માટે પણ યુવાનો માટે એક મહત્વનું કેન્દ્ર બની છે. જેના પરિણામે રાજ્યના યુવાનોને મુખ્યત્વે મેન્યુફેક્ચરીગ, ઓટોમોબાઈલ, ટેક્સટાઈલ, IT, બેંકિંગ અને વીમા ક્ષેત્ર જેવા ખાનગી એકમોમાં રોજગારી મળી રહી છે. ખાનગી ક્ષેત્રની સાથે સાથે રાજ્ય સરકાર દ્વારા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગુજરાત જાહેર સેવા આયોગ અને પોલીસ ભરતી બોર્ડ દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષાઓ થકી નિયમિત અને પારદર્શક રીતે સરકારી ભરતીઓ પણ કરવામાં આવી રહી છે.

આ ઉપરાંત ડિજિટલ ઇન્ડિયાના વિઝન સાથે ‘અનુબંધમ’ વેબ પોર્ટલ દ્વારા હવે નોકરીદાતા અને નોકરી વાંચ્છુઓ સીધા એકબીજાના સંપર્કમાં આવી શકે છે. યુવાનો ઘરે બેઠા ઓનલાઇન નોંધણી કરી શકે છે અને ખાલી જગ્યાઓ વિશે જાણકારી મેળવી શકે છે.

આમ, રાજ્ય સરકારના પરિણામલક્ષી આયોજનને પરિણામે ગુજરાતના યુવાઓ આજે આત્મનિર્ભર બની પોતાની પસંદગીના ક્ષેત્રમાં કારકિર્દી ઘડી રહ્યા છે, તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.