Western Times News

Gujarati News

ઈરાન યુદ્ધ વચ્ચે ટ્રમ્પે આપ્યો હથિયારોનું ઉત્પાદન ચાર ગણું વધારવાનો આદેશ

File Photo

વોશિંગ્ટન, મધ્ય પૂર્વમાં ચાલી રહેલા ભીષણ યુદ્ધ અને યુક્રેનને સતત હથિયારો પૂરા પાડવાના કારણે હવે ખુદ અમેરિકામાં મિસાઇલો અને રોકેટ ખૂટી પડ્યા હોવાની અટકળો તેજ બની ગઈ છે.

ઈરાન સામેના યુદ્ધ વચ્ચે હથિયારોની અછતથી ચિંતિત અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મિસાઇલોનું ઉત્પાદન ૪ ગણું વધારવાનો મોટો આદેશ આપ્યો છે. આ માટે યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સ (અમેરિકન સંરક્ષણ વિભાગ) દ્વારા ૪ મોટી શસ્ત્ર ઉત્પાદક કંપનીઓ સાથે ૩ નવા કરાર કરવામાં આવ્યા છે.

એક તરફ અમેરિકા યુદ્ધના ધોરણે હથિયારો વધારી રહ્યું છે, તો બીજી તરફ અચાનક ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથે શાંતિ વાટાઘાટો અને ત્યાં સત્તા પરિવર્તન થઈ ગયું હોવાના દાવા શરૂ કર્યા છે. જોકે, ઈરાને ટ્રમ્પના આ તમામ દાવાઓને સદંતર ફગાવી દીધા છે.

અમેરિકાએ પોતાની શસ્ત્ર ફેક્ટરીઓને રાત-દિવસ કામ કરવા જણાવી દીધું છે. ખાસ કરીને હવામાં જ દુશ્મનની બેલિસ્ટિક મિસાઇલોને તોડી પાડતી અત્યાધુનિક થાડ મિસાઇલ ડિફેન્સ સિસ્ટમનું ઉત્પાદન વધારવા પર સૌથી વધુ ભાર મૂકવામાં આવ્યો છે. નવા કરાર હેઠળ સિસ્ટમ્સ અને લોકહીડ માર્ટિન જેવી કંપનીઓ હવે આ મિસાઇલ સિસ્ટમ માટે ઇન્ટરસેપ્ટર બનાવવાની ઝડપ ૪ ગણી કરી દેશે.

આ ઉપરાંત હનીવેલ એરોસ્પેસ નામની કંપની પણ તેના મહત્વના સ્પેરપાર્ટ્‌સનું ઉત્પાદન વધારશે. અગાઉ લોકહીડ માર્ટિને દર વર્ષે ૯૬ થાડ ઇન્ટરસેપ્ટર બનાવતી હતી, પરંતુ આ નવા કરાર પર હસ્તાક્ષર થયા બાદ હવે તેઓ દર વર્ષે ૪૦૦ ઇન્ટરસેપ્ટરનું ઉત્પાદન કરશે.

અત્યાર સુધી ઈરાનને નષ્ટ કરવાની સતત ધમકીઓ આપનારા ડોનાલ્ડ ટ્રમ્પના સૂર છેલ્લા બે-ત્રણ દિવસથી અચાનક બદલાઈ ગયા છે. તેમણે પશ્ચિમ એશિયામાં અમેરિકાની જીતનો દાવો કરતા કહ્યું છે કે, ઈરાન હવે ક્્યારેય પરમાણુ હથિયારો ન બનાવવા માટે સંમત થઈ ગયું છે અને તેમણે હોર્મુઝ સ્ટ્રેટ (દરિયાઈ માર્ગ) ને લઈને કોઈ મહત્વપૂર્ણ ભેટ પણ મોકલી છે.

ટ્રમ્પે તો ત્યાં સુધી કહી દીધું કે ઈરાનની વર્તમાન નેતાગીરીમાં મોટા ફેરફારો આવી ગયા છે. તેમણે કહ્યું, “આપણે આને સત્તા પરિવર્તન કહી શકીએ છીએ, કારણ કે અત્યારે ઈરાનમાં જે લોકો સત્તામાં છે, તે એ જૂના લોકો કરતા સાવ અલગ છે જેમણે આ બધી સમસ્યાઓ ઊભી કરી હતી.”

જોકે, અમેરિકાના આ દાવાઓની હવા કાઢતા ઈરાને સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે. ઈરાને સત્તાવાર રીતે જણાવ્યું છે કે અમેરિકા સાથે શાંતિ મંત્રણા તરફ કોઈ જ પહેલ કરવામાં આવી નથી અને ટ્રમ્પની વાતો પાયાવિહોણી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.