‘કિંગ’ શાહરુખ ખાનની સૌથી મોંઘી ફિલ્મ બનશે
ફિલ્મનાં ૪૫૦ કરોડના બજેટ સાથે સર્જાશે નવો રેકોર્ડ
ફિલ્મના ભવ્ય એક્શન સીનને વધુ અસરકારક બનાવવા માટે અદ્યતન વિઝ્યુઅલ ઇફેક્ટ્સનો ઉપયોગ કરવામાં આવ્યો
મુંબઈ,બોલિવૂડના સુપરસ્ટાર શાહરુખ ખાનની આગામી એક્શન થ્રિલર ફિલ્મ ‘કિંગ’ તેની કારકિર્દીની અત્યાર સુધીની સૌથી મોંઘી ફિલ્મ બનવા જઈ રહી છે. દિગ્દર્શક સિદ્ધાર્થ આનંદની આ ફિલ્મનું બજેટ આશરે ૪૫૦ કરોડ સુધી પહોંચી ગયું હોવાનું જાણવા મળ્યું છે. ખાસ વાત એ છે કે આ રકમમાં ફિલ્મના પ્રિન્ટ અને પબ્લિસિટી ખર્ચ તેમજ શાહરુખ ખાનની એક્ટિંગ ફીનો તો સમાવેશ થતો જનથી.લગભગ ત્રણ વર્ષ બાદ શાહરુખ ખાન મોટા પડદા પર વાપસી કરવા જઈ રહ્યો હોવાથી ફિલ્મને લઈને ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
મે ૨૦૨૫માં શરૂ થયેલું ફિલ્મનું શૂટિંગ ઓગસ્ટ ૨૦૨૬ સુધીમાં પુરું થવાની શક્યતા છે. અંદાજે ૧૫૦ દિવસો સુધી દુનિયાના વિવિધ દેશોમાં ફિલ્મનું શૂટિંગ કરવામાં આવ્યું છે, જેમાં આંતરરાષ્ટ્રીય સ્તરના સ્ટન્ટ નિષ્ણાતોની ટીમ પણ જોડાઈ છે.ફિલ્મના ભવ્ય એક્શન સીનને વધુ અસરકારક બનાવવા માટે અદ્યતન વિઝ્યુઅલ ઇફેક્ટ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ કામગીરી શાહરુખ ખાનની પોતાની કંપની રેડ ચિલીઝ એન્ટરટેઇનમેન્ટ દ્વારા કરવામાં આવી રહી છે.
ફિલ્મ સાથે સંકળાયેલા એક સુત્રના જણાવ્યા અનુસાર, શરૂઆતમાં ‘કિંગ’ને એક સામાન્ય એક્શન થ્રિલર તરીકે બનાવવામાં આવી હતી, પરંતુ શાહરુખ ખાન અને સિદ્ધાર્થ આનંદના મોટા વિઝનને કારણે હવે આ એક વિશાળ કેનવાસ ધરાવતી મેગા એક્શન ફિલ્મ બની ગઈ છે. ફિલ્મમાં એવી ભવ્ય એક્શન સિક્વન્સ સામેલ કરવામાં આવી છે, જે ભારતીય સિનેમાના દર્શકો માટે એક નવો અનુભવ સાબિત થશે.
સુત્રે વધુમાં જણાવ્યું હતું કે ફિલ્મના નિર્માણમાં ખર્ચાયેલો દરેક રૂપિયો પડદા પર દેખાશે. નિર્માતાઓનો મુખ્ય ઉદ્દેશ દર્શકોને કોઈપણ પ્રકારનું સમાધાન કર્યા વિના વિશ્વસ્તરીય સિનેમેટિક અનુભવ આપવાનો છે.શાહરુખ ખાનની અગાઉની બ્લોકબસ્ટર ફિલ્મ ‘જવાન’નું બજેટ આશરે ૪૦૦ કરોડ હતું, જ્યારે ‘પઠાણ’નું બજેટ લગભગ ૩૫૦ કરોડ હતું. હવે ‘કિંગ’ સાથે શાહરુખ ખાન ભારતીય એક્શન સિનેમાના ધોરણોને વધુ એક નવા સ્તરે લઈ જવાની તૈયારીમાં છે.SS1
