Western Times News

Gujarati News

આદિત્ય ધર લાચિત બરફુકન પર બાયોપિક પ્લાન કરી રહ્યાના અહેવાલો

પ્રોજેક્ટ કોઈ એક દિગ્દર્શક પર નિર્ભર નથી

લાચિત બરફુકન આસામના ઇતિહાસના સૌથી મહાન સૈન્ય નેતાઓમાંના એક માનવામાં આવે છે

મુંબઈ, આદિત્ય ધરની ઉરી હોય કે ધુરંધરની બંને ફિલ્મ, તેની ફિલ્મને બ્લોકબસ્ટરથી ઓછું કશું ખપતું નથી. આદિત્યની બંને ધુરંધર ફિલ્મોએ કમાણીના અનેક રેકોર્ડ કોડી નાખ્યા પછી દર્શકો અને સમગ્ર ઇન્ડસ્ટ્રીની નજર હવે તેઓ આગળ કયા વિષય પર કામ કરી રહ્યા છે, તે જાણવામાં છે. ત્યારે હવે ગોવાહાટીથી આવતા અહેવાલોએ ઘણાં લોકોનું ધ્યાન ખેંચ્યું છે. આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માએ ખુલાસો કર્યાે છે કે આસામ સરકાર દિગ્દર્શક આદિત્ય ધર સાથે ઐતિહાસિક યોદ્ધા લાચિત બરફુકનના જીવન પર ભવ્ય બાયોપિક બનાવવાના મુદ્દે ચર્ચા ચાલી રહી છે.

મુખ્યમંત્રીએ આ માહિતી ગુરુવાર, ૧૬ જુલાઈએ યોજાયેલા પોતાના ફેસબુક લાઇવ દરમિયાન આપી હતી.મુખ્યમંત્રીના જણાવ્યા અનુસાર, આ ફિલ્મનો ઉદ્દેશ આસામના મહાન યોદ્ધા લાચિત બરફુકનના જીવન, શૌર્ય અને ઐતિહાસિક યોગદાનને દેશ-વિદેશનાં દર્શકો સુધી બોલિવૂડ સ્તરની ભવ્ય ફિલ્મ દ્વારા પહોંચાડવાનો છે.હિમંતા બિસ્વા શર્માએ જણાવ્યું કે હાલમાં આ પ્રોજેક્ટને લઈને ‘ઉરીઃ ધ સર્જિકલ સ્ટ્રાઈક’ અને તેના પછીની ફિલ્મ ‘ધુરંધર’નાં દિગ્દર્શક આદિત્ય ધર સાથે ચર્ચા ચાલી રહી છે.તેમણે વધુમાં જણાવ્યું કે ઓગસ્ટ મહિનામાં તેમની આદિત્ય ધર સાથે બેઠક યોજાવાની છે, જેમાં ફિલ્મ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવશે. જોકે, હજુ આદિત્ય આ ફિલ્મ બનાવશે જ એવું કશું નિશ્ચિત થયું નથી.

મુખ્યમંત્રીએ સ્પષ્ટ કર્યું કે આ પ્રોજેક્ટ કોઈ એક દિગ્દર્શક પર નિર્ભર નથી. તેમણે કહ્યું, “જો આદિત્ય ધર આ ફિલ્મનું દિગ્દર્શન નહીં કરી શકે, તો અમે અન્ય દિગ્દર્શકોનો સંપર્ક કરીશું. અમારો મુખ્ય હેતુ લાચિત બરફુકન પર ભવ્ય બાયોપિક બનાવવાનો છે.”જો આ પ્રોજેક્ટ સાકાર થશે, તો લાચિત બરફુકનના જીવન પર આસામ સરકારના સહયોગથી બનનારી આ પ્રથમ બોલિવૂડ સ્તરની ફીચર ફિલ્મ હશે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે આ ફિલ્મ દ્વારા આસામના ગૌરવશાળી ઇતિહાસ અને અહોમ સામ્રાજ્યના શૂરવીર સેનાપતિની ગાથાને સમગ્ર દેશ અને વિશ્વ સમક્ષ રજૂ કરવાનો પ્રયાસ કરવામાં આવશે.

લાચિત બરફુકન આસામના ઇતિહાસના સૌથી મહાન સૈન્ય નેતાઓમાંના એક માનવામાં આવે છે. તેઓએ વર્ષ ૧૬૭૧માં થયેલા ઐતિહાસિક સરાઈઘાટીના યુદ્ધમાં અહોમ સેનાનું નેતૃત્વ કરીને મુગલ સેનાને પરાજય આપ્યો હતો. તેમનું નેતૃત્વ, દેશપ્રેમ, સાહસ અને યુદ્ધની વ્યૂહરચના આજે પણ આસામમાં ગૌરવ અને પ્રેરણાનું પ્રતિક માનવામાં આવે છે. પ્રસ્તાવિત બાયોપિક દ્વારા તેમના જીવનના આ ઐતિહાસિક પ્રકરણને વધુ વ્યાપક સ્તરે રજૂ કરવાની યોજના છે.SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.