Western Times News

Gujarati News

સુરતમાં લગ્નના વરઘોડામાં ફટાકડાથી આંખ ગુમાવનારને ૧૭ વર્ષે ન્યાય મળ્યો

સુરતમાં લગ્નના વરઘોડામાં આંખ ગુમાવી હતી-કોર્ટે લગ્નના બંને પક્ષકારો અને ફટાકડા ફોડનારાઓને ત્રણને આરોપી ઠેરવી વળતર ચૂકવવા માટે આદેશ આપ્યો
સુરત, લગ્નની જાનમાં ફટાકડા ફોડતી વખતે બેદરકારીથી રસ્તા ચાલતા જતા એક છોકરાએ પોતાની આંખ ગુમાવી દીધી હતી. હવે પરિવારે માનહાનીનો દાવો માંડ્યાના ૧૪ વર્ષો બાદ સ્થાનિક કોર્ટે લગ્નની જાન કાઢનારા બંને પક્ષો સહિત ફટાકડાને આગ ચાંપનાર ત્રણેય લોકોને પીડિત છોકરાને વળતર ચૂકવવા માટે આદેશ આપ્યો છે. શહેર સિવિલ કોર્ટના જજ તરુણ આહુજાએ વર તથા કન્યાના પિતાઓ, હિરાલાલ શર્મા અને રાધેશ્યામ શર્મા તથા ફટાકડાને આગ ચાંપનાર વિજયભાઈ બારડને જ્યારથી ઘટના બની ત્યારથી એટલે કે ૨૦૦૩થી પીડિત છોકરાના પરિવારને ૮ ટકા વ્યાજ સાથે ૫.૧૬ લાખ રૂપિયા ચૂકવવાનો આદેશ આપ્યો છે.

આ કેસમાં સગીર આર્યન વ્યાસ ૧૦ ફેબ્રુઆરી ૨૦૦૩એ પોતાની માતા સાથે સાબરમતી વિસ્તારમાં રસ્તા પર ચાલતા જઈ રહ્યો હતો. આ દરમિયાન બાજુમાંથી નીકળી રહેલી લગ્નની જાનમાંથી અચાનક જ ફટાકડો આવ્યો અને તેની જમણી આંખમાં ઈજા પહોંચી. જોકે આ ઈજાની સારવાર ન થઈ શકી અને આખરે તે આંખને કઢાવી પડી. આર્યનને હવે આર્ટિફિશિયલ આંખ લગાવીને રાખવી પડે છે, જેને દર બે-ત્રણ વર્ષે બદલવી પડે છે. મેડિકલ ટ્રિટમેન્ટ બાદ પણ દીકરાની આંખ ન બચી શકતા વ્યાસ પરિવારે વર-વધુના પિતા તથા ફટાકડાને આગ ચાંપનાર બારડ વિરુદ્ધ કેસ કર્યો હતો. આ કેસ ૨૦૦૬માં રૂ ૭.૧ લાખના વળતર માટે કરાયો હતો. કેસ ૧૪ વર્ષ સુધી ચાલ્યો હતો.

સુનાવણી દરમિયાન હિરાલાલ અને રાધેશ્યામ શર્મા કોર્ટમાં હાજર થયા અને સાક્ષીઓ દ્વારા પણ તેમની ઓળખ કરાઈ. જ્યારે સમન્સ પાઠવવા છતા પણ બારડ કોર્ટમાં હાજર ન થયો. બંને શર્માઓએ દાવો કર્યો કે, આ દુર્ઘટના માટે તેઓ જવાબદાર નથી, ઈજા માટે આર્યનની માતા જવાબદાર છે. તેમણે ઘટનાને લઈને ‘એક્ટ ઓફ ગોડ’ શબ્દનો પણ ઉલ્લેખ કર્યો. જોકે કેટલાક મજબૂત પૂરાવાઓ મળ્યા બાદ બંને શર્માઓએ કોર્ટની સુનાવણીમાં આવવાનું બંધ કરી દીધું.

જોકે મામલામાં ૧૮મી ઓગસ્ટે કોર્ટે ચૂકાદો આપી દીધો. જેમાં ત્રણેયને બેદરકારી માટે જવાબદાર માનવામાં આવ્યા અને વળતર ચૂકવવા કહેવાયું. કોર્ટે જણાવ્યું કે કેન્દ્ર સરકારના નિયમ મુજબ એક આંખ ગુમાવવાથી ૩૦ ટકા ડિસેબલિટી આવે છે. આ સાથે જ પીડિત પરિવારને ૩ લાખ રૂપિયા વળતર ચૂકવવા કહ્યું. ઉપરાંત ઈજાના કારણે પીડિતના પિતાને બિઝનેસમાં થયેલા નુકસાન માટે ૫૦,૦૦૦ રૂપિયા આપવાનો પણ કોર્ટે આદેશ આપ્યો હતો. SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.